ગીરગંગાની જલકથાના મુખ્ય કાર્યાલયનું બુધવારે રાત્રે આઠ વાગ્યે ઉદ્ઘાટન
કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન ખાતે સ્વામી શ્રી રાધા રમણ, સ્વામી શ્રી દર્પણાનંદજી અને સ્વામી ગુરુપ્રસાદના હસ્તે મુખ્ય કાર્યાલયનો થશે પ્રારંભ
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૫ થી ૧૭ ડિસેમ્બર દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિશ્વની પ્રથમ ‘જલકથા : અપને અપને શ્યામ કી’ યોજાશે
રાજકોટના આંગણે સૌરાષ્ટ્રમાં જળસંચયના મહાઅભિયાનને વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ડિસેમ્બર મહિનામાં એક અદ્ભુત અને અપૂર્વ ‘જલકથા: અપને અપને શ્યામ કી’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય આયોજનના મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન તારીખ ૩ને બુધવારના રોજ સાંજે ૮:૦૦ વાગે શહેરના રેસકોર્સ સ્થિત કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન ખાતે ઉત્સાહપૂર્વક વાતાવરણ વચ્ચે યોજાશે.
કાર્યાલયનું ઉદ્ઘાટન ભૂપેન્દ્ર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરના શ્રી રાધા રમણ સ્વામી, રામકૃષ્ણ મિશન રાજકોટના શ્રી દર્પણાનંદજી સ્વામી અને શ્રી હરિપ્રબોધન પરિવારના ગુરુપ્રસાદ સ્વામીના પવિત્ર હસ્તે થશે અને તેઓ જલકથા માટે આશીર્વચન પાઠવશે. આ શુભ પ્રસંગે ગીરગંગા બેન્ડની સુરાવલિઓ પણ ગુંજી ઉઠશે.
ઉલ્લેખનીય છે કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છેલ્લા એક દાયકાથી ગુજરાતના ૭ જિલ્લા, ૩૫ તાલુકા અને ૫૮૨ ગામોમાં જળસંચયના કાર્યો કરીને સૌરાષ્ટ્રની પાણીની સમસ્યા હળવી કરવા માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘જળસંચય જનભાગીદારી’ના સૂત્રને સાર્થક કરતા આ ટ્રસ્ટે અત્યાર સુધીમાં ૮,૩૫૪ થી વધુ ચેકડેમ, તળાવો અને બોરવેલ રિચાર્જના કામો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે, જેનાથી ૭.૫૫ લાખથી વધુ લોકોને સીધો લાભ મળ્યો છે. ટ્રસ્ટનો સંકલ્પ જળસંચયના કુલ ૧,૧૧,૧૧૧ સ્ટ્રક્ચર્સનું નિર્માણ કરવાનો છે, જેના માટે ડો. કુમાર વિશ્વાસની’જલકથા : અપને અપને શ્યામ કી’નું આયોજન કરવામાં આવ્યું છે.
વિશ્વવિખ્યાત હિન્દી કવિ, તત્ત્વચિંતક અને કથાકાર ડો. કુમાર વિશ્વાસ શિક્ષિત વર્ગ અને યુવાનોમાં અપ્રતિમ લોકપ્રિયતા ધરાવે છે. તેઓ સાહિત્ય, ધર્મ અને સંસ્કૃતિના માધ્યમથી ભારતીય મૂલ્યો અને સામાજિક વિષયો પર સ્પષ્ટપણે પોતાના વિચારો રજૂ કરવા માટે વિખ્યાત છે. તેમની કથા ‘જલકથા: અપને અપને શ્યામ કી’ વિશ્વની પ્રથમ જલકથા છે, જેમાં તેઓ ભગવાન શ્રીકૃષ્ણની કથા શ્યામ કથા સાથે જળસંચયની આવશ્યકતા અને મહત્ત્વને જોડીને સમાજને જળ સંરક્ષણનો સંદેશ આપશે. આ અનોખી કથા તારીખ ૧૫, ૧૬ અને ૧૭ ડિસેમ્બર દરમિયાન રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દરરોજ સાંજે ૭ થી ૧૨ વાગ્યા દરમિયાન યોજાશે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ આ અંગે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રને પાણીની બાબતમાં આત્મનિર્ભર બનાવવું એ જ અમારો સંકલ્પ છે. આ ‘જલકથા’ માત્ર ધાર્મિક આયોજન નથી, પરંતુ જળસંચયના યજ્ઞમાં સમાજ શ્રેષ્ઠિઓ અને નાગરિકોને આહુતિ આપવા માટે પ્રેરિત કરવાનું એક મહાઅભિયાન છે. શ્રી દિલીપભાઈએ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગમાં હાજરી આપવા માટે રાજકોટવાસીઓને જાહેર નિમંત્રણ પાઠવેલ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા સાથે અગ્રણીઓ સર્વશ્રી જમનભાઈ ડેકોરા, શૈલેષભાઈ જાની, પ્રતાપભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, વસંતભાઈ લીંબાસીયા, જેન્તીભાઈ સરધારા, મધ્યસ્થ કાર્યાલયના ઇન્ચાર્જ ભરતભાઈ દોશી, ભાવેશભાઈ સખીયા, માંનીજ્ભાઈ કલ્યાણી, ડૉ.યશવંતભાઈ ગોસ્વામી,આશીષભાઈ વેકરીયા, સંજયભાઈ ટાંક, ગોપાલભાઈ બાલધા, પી.એમ સખીયા, પ્રકાશભાઈ ભાલાળા, ગીરીશભાઈ દેવડીયા અને કૌશિકભાઈ સરધારા સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.
કાર્યક્રમ પૂર્ણ થયે તમામ શ્રોતાઓ માટે અલ્પાહારની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે.









































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































