રક્ષાબંધન ભાઈ – બહેનના પવિત્ર સંબંધનો તહેવાર છે, જે ભાઈ-બહેનના સંબંધને મજબૂત બનાવે છે. દર વર્ષે આપણે આ તહેવાર ઉત્સાહપૂર્વક ઉજવીએ છીએ, પરંતુ બદલાતા સમય સાથે આપણાં તહેવારોની પરંપરાઓ પણ પર્યાવરણ અનુકૂળ બનવી જરૂરી છે. પ્લાસ્ટિક અને રસાયણોથી બનેલી રાખડીના બદલે આ વર્ષે આપણે ગાયના ગોબરથી બનેલી રાખડીનો ઉપયોગ કરીએ, જેથી ન માત્ર કુદરતની રક્ષા થાય, પણ ગૌસેવા અને ગ્રામ્ય મહિલાઓ માટે રોજગારના અવસર પણ ઊભા થાય. ગોબર રાખડી સંપૂર્ણ રીતે કુદરતી અને બાયોડિગ્રેડેબલ છે, જે જમીનમાં મળીને જમીનની ફળદ્રુપતા વધારવામાં પણ મદદ કરે છે. ગોબર રાખડીના માધ્યમથી આપણે હજારો ગ્રામ્ય મહિલાઓને રોજગાર, તેમજ આર્થિક સ્વાવલંબન આપી શકીએ છીએ. ભારતીય દેશી ગૌ માતાનું ગોબર ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર માનવામાં આવે છે અને તેનું આધ્યાત્મિક મહત્વ છે. ગોબરથી બનેલી રાખડી ભાઈને બાંધવાથી તેને કુદરતી અને આધ્યાત્મિક આશીર્વાદ તો મળે જ છે સાથે ગૌ આધારિત ઉત્પાદનો અપનાવવાથી માત્ર પરંપરાનું જ રક્ષણ થતું નથી, પણ તે એક એવા અર્થતંત્રનું નિર્માણ કરે છે જે આત્મનિર્ભર અને ગ્રામ્ય વિકાસને સમર્પિત છે, તેમજ ગૌશાળાઓ અને ગ્રામ્ય અર્થતંત્રને પ્રોત્સાહન આપે છે તે ઉપરાંત ગૌ સંરક્ષણના સંકલ્પને મજબૂત બનાવે છે. આજના સમયમાં જ્યારે પર્યાવરણ અસંતુલન, પ્લાસ્ટિક પ્રદૂષણ અને હવામાન પરિવર્તન જેવી વૈશ્વિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે આવા નાના-નાના પગલાં મોટી પોઝિટિવ અસર લાવી શકે છે. ગોબરથી બનેલી રાખડી માત્ર રક્ષાસૂત્ર નથી, પણ એ ધરતી માતા માટેનું આપણું કર્તવ્ય પણ છે. આજે જરૂર છે કે આપણે આપણાં તહેવારોને માત્ર ઉત્સવ તરીકે નહીં, પણ જવાબદારી તરીકે પણ ઉજવીએ. આવા તહેવારો, જે આપણા પોતાના માટે તો શુભ હોય જ, પણ સાથે સાથે સમાજ, સંસ્કૃતિ અને પર્યાવરણ માટે પણ લાભદાયક બને. ચાલો, આપણે સૌ મળી આ રક્ષાબંધન પર સંકલ્પ કરીએ “હું આ રક્ષાબંધન પર ગોબર રાખડીનો ઉપયોગ કરીશ અને પર્યાવરણની રક્ષા કરીશ.” આપણું આ દિશામાં નાનું પગલું પણ આપણાં બાળકો માટે સ્વચ્છ, લીલુછમ અને સુરક્ષિત ભવિષ્ય તરફ મોટું પગથિયું બની શકે છે.
