આજના આધુનિક યુગમાં જ્યાં વૈજ્ઞાનિક પ્રગતિ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જમાનાનું નેતૃત્વ કરે છે, ત્યાં મૌલિક માનવીય મૂલ્યો અને સંસ્કારોનું સંવર્ધન કરવું અત્યંત આવશ્યક બની ગયું છે. એવા સમયમાં આનંદ પરિવાર દ્વારા શરૂ કરાયેલું મૂલ્યલક્ષી શિક્ષણનું આ મહાયજ્ઞ સમગ્ર બનાસકાંઠામાં સંસ્કારનો પ્રકાશ પાથરી રહ્યું છે. શ્રી કલ્પરક્ષિતવિજયજી મ.સા. અને શ્રી જ્ઞાનરક્ષિતવિજયજી મ.સા.ના સશક્ત માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા આ અભિયાન દ્વારા નાનપણથીજ બાળકોમાં નૈતિકતા, સંસ્કાર અને શ્રેષ્ઠ જીવનમૂલ્યોનું સિંચન થાય તે હેતુસર શાળાઓમાં અભ્યાસક્રમ અમલમાં મૂકાયો છે. આ અભ્યાસક્રમ નાબાર્ડ અને ગુજરાત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કરીને સમગ્ર રાજ્ય માટે એક રોલ મોડલરૂપ બન્યો છે. અત્યારસુધી પચાસ હજારથી વધુ લોકોએ આ યજ્ઞમાં જોડાઈને ગામડે ગામડે વ્યસનમુક્તિ, સંસ્કારશિબિરો અને સમાજ સુધારના પ્રયાસોને આગળ ધપાવ્યા છે. બાળકોમાં માતા-પિતા પ્રતિ શ્રદ્ધા, દેશપ્રેમ, ધર્મબોધ, જીવનના સાચા અર્થની સમજ તેમજ આધુનિક પડકારો સામે ઘન નિર્માણ થાય તેવા વિષયો આ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ છે. આ ઉદ્દાત કાર્યના અંતર્ગત અયોજીત કાર્યક્રમોમાં સરકારી અધિકારીઓ, ધારાસભ્યો અને સમાજના આગેવાનોએ હાજરી આપી આનંદ શાળાના પ્રયાસોને વધાવી લીધા છે. આ અભિયાન કેવળ શિક્ષણ નહિ, પણ સમગ્ર સમાજને સંસ્કારમય અને વ્યસનમુક્ત બનાવવાનો એક અભૂતપૂર્વ યત્ન છે – જે બનાસકાંઠાને સાચા અર્થમાં ‘સંસ્કારકાંઠા’ બનાવવા તરફનો અમૂલ્ય પગથિયો છે.
