“ગૌ રાષ્ટ્ર યાત્રા” એ ભૌતિકવાદી યુગમાં ગૌમાતા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને ગૌ આધારિત
જીવનશૈલીથી ગ્રામ્ય ભારતને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ : ભારતસિંહ રાજપુરોહિત
ગૌ સંસ્કૃતિના પુનર્જાગરણ માટે “ગૌ રાષ્ટ્ર યાત્રા”
ગૌમાતા ભારતની કૃષિ, આરોગ્ય, પર્યાવરણ અને અર્થવ્યવસ્થાનો આધાર સ્તંભ છે અને ગૌ રાષ્ટ્ર યાત્રા
“ગ્રામોદયથી ભારતોદય”ના સંકલ્પનું જીવંત પ્રતિબિંબ: ડૉ. વલ્લભભાઈ કથીરિયા
61 દિવસ, 20,000 કિમી અને 12 થી વધુ રાજ્યોનો સમાવેશ
“ગૌ રાષ્ટ્ર યાત્રા” ગામડાઓમાં ગૌ સંસ્કૃતિ જાગૃત કરી, યુવાનો અને સંતોની સાથે સંવાદ અને લોકસંવાદથી
રાષ્ટ્રીય એકતા અને ગૌરવની ભાવના પ્રગટ કરી : મિત્તલ ખેતાણી
“ગૌ રાષ્ટ્ર યાત્રા” ઐતિહાસિક, આધ્યાત્મિક અને રાષ્ટ્રીય સ્તરની સંસ્કૃતિક યાત્રા છે, જેનો મુખ્ય ઉદ્દેશ ભારતની પ્રાચીન ગૌ સંસ્કૃતિને પુન ઉજાગર, ગૌ માતાનું રક્ષણ અને સંવર્ધન તેમજ પંચગવ્ય આધારિત ગ્રામિણ અર્થતંત્રને ફરી જીવંત બનાવવાનો છે. આ યાત્રાની શરૂઆત ૧૫ જૂન ૨૦૨૫ ના રોજ પવિત્ર ઋષિકેશ (ઉત્તરાખંડ) થી થઈ છે અને તે રામેશ્વરમ (તમિલનાડુ) ખાતે પૂર્ણ થશે. ૬૧ દિવસની આ યાત્રા લગભગ ૨૦,૦૦૦ કિ.મી. લાંબી અને ૧૨થી વધુ રાજ્યોમાંથી પસાર થઈ રહી છે. યાત્રા ગ્રામીણ સ્વાવલંબન, ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી, ગૌ આધારિત ઉદ્યોગો અને ગ્રામ્ય સ્વરાજની ભાવનાને ઉજાગર કરી રહી છે. “ગૌ રાષ્ટ્ર યાત્રા” હવે ગુજરાતના હૃદય સમા રાજકોટમાં પહોંચી છે. આ યાત્રા હવે એક ઐતિહાસિક આંદોલન બની ચૂકી છે, રાજકોટમાં પ્રવેશ કરતાં જ યાત્રાને જનતા, ગૌસેવકો, સંતો, ખેડૂતભાઈઓ અને ઉદ્યોગકારોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. “ગૌ રાષ્ટ્ર યાત્રા” ને ઋષિકેશ (ઉત્તરાખંડ) થી યોગીરાજ આશુતોષજી મહારાજ, યુવરાજ સંત ગોપાલાચાર્ય, સ્વામી કેશવ સ્વરૂપ બ્રહ્મચારી, મહંત રવિ પ્રપન્નાચાર્ય, મહંત કરુણાશરણ મહારાજ, મહંત આલોક હરિ મહારાજ, મહંત કપિલમુની મહારાજ, મહંત રાજેન્દ્ર દાસજી મહારાજ સહિત અખિલ ભારતીય સંત સમિતિના પદાધિકારીઓ દ્વારા કેસરી ધ્વજ લહેરાવી, આશીર્વાદ આપીને યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. “ગૌ રાષ્ટ્ર યાત્રા” ઉત્તરાખંડ,ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, રાજ્યમાંથી પસાર ચુકી છે જે હાલ ગુજરાતમાં પ્રવેશી છે ગુજરાત પછી મહારાષ્ટ્ર, ગોવા, તમિલનાડુ, કર્ણાટક, કેરેલા રાજ્યોમાં પ્રવેશ કરશે “ગૌ રાષ્ટ્ર યાત્રા” નું સફળ નેતૃત્વ ભારતસિંહ રાજપુરોહિત (પ્રમુખ, પશુ કલ્યાણ અને કૃષિ સંશોધન સંસ્થા – AWARI), નરેન્દ્ર કુમાર (સ્થાપક, હિંદ રાઈઝ ગૌ સંવર્ધન આશ્રમ અને રાષ્ટ્રીય ગૌસેવક સંઘ), રોહિત બિષ્ટ (સ્થાપક, માટી ઈન્ડિયા) દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં મુખ્ય સહયોગી હર્ષદભાઈ ગુગુલિયા (સ્થાપક, કામધેનુ ગૌવેદ) સહિતની ટીમ કરી છે. “ગૌ રાષ્ટ્ર યાત્રા” નું નેતૃત્વ કરતાં ભારતસિંહ રાજપુરોહિતએ “ગૌ રાષ્ટ્ર યાત્રા” વિશે જણાવતા કહ્યું કે ૬૧ દિવસની “ગૌ રાષ્ટ્ર યાત્રા” આજના ભૌતિકવાદી યુગમાં આપણે જ્યારે આધુનિકતા તરફ દોડી રહ્યા છીએ, ત્યારે ભારતીય સંસ્કૃતિના મૂળ તત્વ ગૌમાતાની સેવાના સિદ્ધાંતોથી દૂર થતા જઈ રહ્યાં છીએ. ગાય માત્ર ધાર્મિક આસ્થા નહીં, પણ ભારતના ગામડાઓ માટે આર્થિક, પર્યાવરણીય અને સામાજિક સમૃદ્ધિનું પણ પ્રતીક રહી છે. આજના સમયમાં ખેડુતોના ખેતર વેરા, રોજગારીનો અભાવ, પાણીના સંકટ અને સંસ્કૃતિના ક્ષય જેવા અનેક પ્રશ્નો ઊભા થયા છે, જેના મૂળમાં ગૌમાતા પ્રત્યે માનવીય ઉદાસીનતા છે. “ગૌ રાષ્ટ્ર યાત્રા” એ આ જાગૃતિ લાવવાનો એક મહત્ત્વકાંક્ષી પ્રયાસ છે. ગૌ રાષ્ટ્ર યાત્રા દરમિયાન દેશના વિવિધ સ્થાનો પર ગૌ શિબિરો, સેમિનાર, સંવાદ અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે, જેમાં વૈજ્ઞાનિકો, ખેડૂતો, યોગાચાર્યો, પર્યાવરણવિદો અને ગુરૂજનોએ ભાગ લેવાનો નિર્ધાર કર્યો છે. યાત્રામાં ઉપસ્થિત રહેનાર શ્રદ્ધાળુઓ આહારશૈલી અને સ્વચ્છતાના સંદેશ સાથે સાથે “ગૌ આધારિત જીવનશૈલી”ને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેશે. આ મહાયાત્રા દ્વારા સમગ્ર દેશમાં ગૌપ્રેમ, ગૌરક્ષા,ગૌ સંવર્ધન તેમજ પંચગવ્ય આધારિત ગ્રામિણ અર્થતંત્ર અને ગૌઆધારિત વિકાસ માટે એક નવો યુગ શરૂ થશે. વેદો, ઉપનિષદો, પુરાણો અને આધુનિક વૈજ્ઞાનિક સંશોધનોથી પણ આ પુરવાર થઈ ચૂક્યું છે કે ગૌમાતા મનુષ્ય માટે અમૂલ્ય ભેટ છે. ગૌમૂત્ર, ગોબર, દૂધ, દહીં અને ઘીથી બનેલું પંચગવ્ય અનેક પ્રકારના રોગો માટે અસરકારક ઉપચાર તરીકે માન્ય છે. તેથી ગોપંથની પરંપરા માત્ર ધાર્મિક નથી, પણ એ એક વૈજ્ઞાનિક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતસિંહ રાજપુરોહિતએ AWARI વિષે જણાવ્યું કે મનુષ્ય, જીવજંતુ અને કૃષિ સંશોધન માટે સમર્પિત સંસ્થા છે, જે દેશી જાતિના પશુઓના સંરક્ષણ, જૈવિક ખેતીના પ્રચાર, અને ગ્રામિણ અર્થતંત્રના મજબૂતીકરણ માટે સતત કાર્યરત છે. “ગૌ રાષ્ટ્ર યાત્રા” એ AWARI દ્વારા રાષ્ટ્રીય ચેતનાને ઊંડાણભેર જોડતી એક વિશાળ પહેલ છે, જે સ્વસ્થ, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ તરફ એક મજબૂત પગલું છે. વિશેષમાં જણાવ્યું કે ગૌ રાષ્ટ્ર યાત્રા દરમ્યાન અનેક વિસ્તૃત વિચારવિમર્શ અને મંથન થયા છે, જેના પરિણામે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો અને ભવિષ્ય માટેના સંકલ્પો થયા છે. ઉપરાંત, દેશના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં રાષ્ટ્રીય સ્તરે ભવ્ય ગૌ આધારિત પ્રદર્શનીઓ યોજાવી જોઈએ, જેમાં શ્રેષ્ઠ નંદી અને ગાયોને તેમની જાતિની શુદ્ધતા અને ગુણવત્તાના આધારે વિશેષ પુરસ્કારો આપવા જોઈએ, જેથી ગૌપાલકોને પ્રોત્સાહન મળે. શ્રી રાજપુરોહિતએ વધુમાં જણાવ્યું કે આ યાત્રાનું મુખ્ય લક્ષ્ય માત્ર ગૌસેવાનું નથી, પણ ખેડૂતો અને ગૌપાલકોના સ્વાભિમાનને પુનઃસ્થાપિત કરવાનો છે. અમે ગૌપાલનને એવુ ક્ષેત્ર બનાવીશું કે જ્યાં સન્માન પણ હોય અને આત્મનિર્ભરતાની તાકાત પણ. આ માત્ર ભૌગોલિક મુસાફરી નથી, પરંતુ સમગ્ર રાષ્ટ્રને ગૌમાતા સાથે જોડતી એક સંસ્કૃતિક અને એકતાની યાત્રા છે. ભારત સરકારના પૂર્વ મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના પૂર્વ અધ્યક્ષ, GCCI ના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથીરિયા એ જણાવ્યું કે ગૌમાતા ભારતની કૃષિ, આરોગ્ય, પર્યાવરણ અને અર્થવ્યવસ્થાનો આધાર સ્તંભ છે. આજે દેશને આવશ્યક છે કે ગૌ આધારિત જીવનશૈલીને અપનાવીને આપણે રાસાયણિક ખેતી અને જીવનશૈલીમાંથી મુક્તિ મેળવીએ. ગૌ રાષ્ટ્ર યાત્રા માત્ર ધાર્મિક યાત્રા નથી, પણ “ગ્રામોદયથી ભારતોદય” સુધીના સંકલ્પનો જીવંત પ્રતિબિંબ છે. જ્યાં ગૌ માતાને કેન્દ્રમાં રાખીને કૃષિ, પર્યાવરણ, આરોગ્ય અને અર્થતંત્રના પુનર્નિર્માણની દિશામાં ગંભીર પ્રયાસ થઈ રહ્યો છે. આ એક એવું આંદોલન છે, જે ભારતના ગામડાઓને આત્મનિર્ભરતા, સંસ્કાર અને ગૌરવની દિશામાં આગળ ધપાવે છે. ગાય એ વૈજ્ઞાનિક અને આર્થિક દૃષ્ટિએ પણ દેશને આત્મનિર્ભર બનાવવા માટેનો માર્ગ છે. જીસીસીઆઈ ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલ ખેતાણીએ “ગૌ રાષ્ટ્ર યાત્રા” વિશે જણાવતા કહ્યું કે યાત્રાના દરેક સ્થળે ગૌ પૂજન, સંતોના પ્રવચનો, યુવાનો સાથે સંવાદ, ગૌ સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ગ્રામિણ પ્રશ્નોના હલ માટે લોકસંવાદ યોજાઈ રહ્યા છે. આ મહાયાત્રાએ હજારો ગામડા અને લાખો નાગરિકોને ગૌ માતાના ગૌરવ માટે એકઠા કર્યા છે અને રાષ્ટ્રીય ભાવનાને ઊંડો આધાર આપ્યો છે. “ગૌ રાષ્ટ્ર યાત્રા” અંગેની માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સંકલન અરુણભાઈ નિર્મલ દ્વારા કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં પત્રકાર મિત્રોનું સ્વાગત મિત્તલ ખેતાણી દ્વારા કરવામાં આવ્યું હતું. “ગૌ રાષ્ટ્ર યાત્રા” અંગેની માહિતી ભારતસિંહ રાજપુરોહિત અને ડો.વલ્લભભાઈ કથીરિયા દ્વારા આપવામાં આવી હતી. રાજકોટ ખાતે “ગૌ રાષ્ટ્ર યાત્રા”ના સંકલન અંગે વિજયભાઈ ડોબરીયા, દિલીપભાઈ સખીયા, રમેશભાઈ ઘેટીયા, ગૌરાંગભાઈ ઠક્કર,પારસભાઈ મહેતા, વીરાભાઇ હુંબલ,રમેશભાઈ ઠક્કર, ધીરેન્દ્રભાઇ કાનાબાર, પ્રતિક સંઘાણી, ચંદ્રેશભાઇ પટેલ, વિનોદભાઈ કાછડીયા, હિરેન હાપલીયા, કાંતિભાઈ ભૂત, નવનીતભાઈ અગ્રવાલ, પ્રકાશભાઈ સોલંકી, કિશોરભાઈ વોરા, ભરતભાઈ ભુવા તેમજ અન્ય સામાજિક આગેવાનો અને ગૌ સેવકો નો સહયોગ મળી રહ્યો છે. “ગૌ રાષ્ટ્ર યાત્રા” અંગેની વિશેષ માહિતી માટે ભારતસિંહ રાજપુરોહિત (મો.9772923956), રવિ (મો. 9719763911) ઈ – મેઇલ : gousevaa@gmail.com , વેબ સાઇટ : www.gaurashtrayatra.com પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.