#Blog

જળસંચયની પ્રવૃત્તિને તબીબી જગતનો સહયોગ: આઈએમએ ગીરગંગાની ‘જલકથા’માં જોડાશે

​ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિ મંડળે ગીરગંગા કાર્યાલયની લીધી મુલાકાત

ગીરગંગાની જળસંચયની પ્રવૃત્તિની સરાહના : 2500થી વધુ તબીબો જલકથામાં ઉપસ્થિત રહેશે

સૌરાષ્ટ્રને પાણીની સમસ્યામાંથી મુક્ત કરીને ફરીથી નંદનવન બનાવવા માટે 1,11,111 જળ સ્ટ્રકચરો તૈયાર કરવાના સંકલ્પને વરેલી સ્વેચ્છિક સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં યોજાનાર કવિ, તત્વચિંતક અને કથાકાર ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’ના અનુસંધાને ગઈકાલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, રાજકોટના પ્રતિનિધિ મંડળે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યાલયની મુલાકાત લીધી હતી.

​આ પ્રતિનિધિ મંડળે ગીરગંગાની જળસંચયની પ્રવૃત્તિની સરાહના કરી હતી તેમજ કથાના આયોજનમાં સંપૂર્ણ સહયોગ માટેની ખાતરી આપી હતી.

       ​ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યાલયની મુલાકાત દરમિયાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, રાજકોટના પ્રમુખ ડો. જયેશ ડોબરીયા, સેક્રેટરી ડો. કૃપલ પુજારા, ડો. મયંક ઠક્કર, ડો. તુષાર વગેરે સાથે અન્ય ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રતિનિધિ મંડળે એસોસિએશન વતી ગીરગંગાની પ્રવૃત્તિને સંપૂર્ણ સહયોગ સાથે આગામી ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’માં ઉપસ્થિત રહેવા પણ ખાતરી આપી હતી.ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, રાજકોટ સાથે 2500થી વધુ ડોક્ટરો જોડાયેલા છે.

​      ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, રાજકોટના પ્રતિનિધિ મંડળને આવકારતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, જળ એ જીવનનો આધાર છે અને જળસંચય એ આવનારી પેઢી માટેનું સૌથી મોટું રોકાણ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ‘જળ સ્ટ્રકચરો’ બનાવીને સૌરાષ્ટ્રના ભૂગર્ભ જળને રિચાર્જ કરવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, જે એક સામાજિક યજ્ઞ સમાન છે. ડોક્ટરોનો આ સહયોગ આ મિશનને નવી શક્તિ પૂરી પાડશે.

       ​આ પ્રસંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વતી સંબોધન કરતા ડો. મયંકભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, શારીરિક સ્વાસ્થ્ય માટે જેમ શુદ્ધ હવા અને પાણી જરૂરી છે, તેમ જળસંચય એ સમગ્ર સમાજ અને પર્યાવરણના સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટની જળસંચયની પ્રવૃત્તિ માત્ર ખેડૂતો માટે નહીં પણ સમગ્ર માનવજાત માટે આશીર્વાદરૂપ છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આ પવિત્ર કાર્યમાં સંપૂર્ણપણે સહભાગી બનશે.

પ્રમુખશ્રી દિલીપભાઈ સખિયાગીરગંગા પરિવાર ટ્રસ્ટ –રાજકોટ(મો:- ૯૪૨૭૨૦૭૮૬૮, ૯૮૨૪૨૩૮૭૮૫)                                    

       ​કાર્યક્રમમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના અગ્રણીઓ સર્વશ્રી જમનભાઈ ડેકોરા, રશ્મિનભાઈ જોશી, વીરાભાઇ હુંબલ વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમનું રસાળ શૈલીમાં સંચાલન શ્રી મનોજભાઈ કલ્યાણીએ કર્યું હતું, જયારે આભાર વિધિ શ્રી સંજયભાઈ ટાંકે કરી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *