#Blog

13 અને 14 જાન્યુઆરી, “લોહડી”

લોહડી એ એક પંજાબી તહેવાર છે. આ તહેવાર પંજાબી ખેડૂતો માટે વધારે મહત્વપૂર્ણ હોય છે. આ સમયે ખેતર ઉપજ લહરાવે છે અને મોસમ સુહાવનો થવા લાગે છે. લોહડીની રાત સૌથી લાંબી રાત ગણાય છે ત્યારબાદ આવતા દિવસો ધીમે ધીમે મોટા થતા જાય છે. લોહડીનો તહેવાર પૌષ મહીનાની અંતિમ રાત્રે અને મકર સંક્રાતિની સવારે સુધી ઉજવાય છે. લોહડી ઉત્તર ભારતનો સૌથી લોકપ્રિય તહેવાર છે, પરંતુ ખાસ કરીને પંજાબમાં આ તહેવાર ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે. વર્તમાન સમયમાં ગુજરાતમાં પણ ભાવનગર જેવા પ્રદેશમાં લોહડીનો તહેવાર ઉજવાય છે. લોહડી શબ્દને લઇને લોકોની અલગ-અલગ માન્યતાઓ છે. કેટલાય લોકો માને છે કે લોહડી શબ્દ ‘લોઇ (સંત કબીરની પત્ની)’થી ઉત્પન્ન થયો હતો, પરંતુ કેટલાય લોકો આ શબ્દ તિલોડીમાંથી બન્યો હોય તેમ માને છે જે બાદમાં લોહરી બની ગયો અને કેટલાક લોકો એમ પણ માને છે કે આ શબ્દ લોહથી ઉત્પન્ન થયો હતો, જે રોટલી બનાવવા માટે ઉપયોગી એક ઉપકરણ છે. આજે વ્યવહારમાં લોહડી શબ્દ પણ પ્રયોજાય છે.

ઘણા લોકો માને છે કે લોહરીના દિવસે અગ્નિ રાજા દક્ષની પુત્રી સતીની યાદમાં પ્રગટાવવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર એકવાર રાજા દક્ષે યજ્ઞ કરાવ્યો અને તેમાં પોતાના જમાઇ શિવ અને પુત્રી સતીને આમંત્રિત કર્યા ન હતા. આ વાતથી નિરાશ થઇને સતી પોતાના પિતા પાસે જવાબ માંગવા પહોંચ્યા કે તેમણે શિવજીને યજ્ઞ માટે આમંત્રણ કેમ મોકલ્યું નથી. આ વાત પર રાજા દક્ષે સતી અને ભગવાન શિવની ખૂબ જ નિંદા કરી. સતી ખૂબ જ રોઇ, તેનાથી તેના પતિનું અપમાન જોઇ શકાતું ન હતું અને તેથી તેમણે આ યજ્ઞમાં પોતાની જાતને ભસ્મ કરી દીધી. સતીના મૃત્યુનાં સમાચાર સાંભળીને ભગવાન શિવે વીરભદ્રને ઉત્પન્ન કરીને તેના દ્વારા યજ્ઞનો નાશ કરી દીધો. ઘણા લોકોનું માનવું છે કે લોહડીમાં આગ છેલ્લી લાંબી રાત અને માઘની પ્રથમ સવારની કડકડતી ઠંડીને ઓછી કરવા માટે પ્રગટાવવામાં આવે છે. લોહડીમાં ચોકમાં લાકડાની હારમાળા ગોઠવીને ત્યારબાદ તેને પ્રગટાવવામાં આવે છે અને તેની પૂજા, પ્રદક્ષિણા કરવામાં આવે છે. આ તહેવારની ઉજવણીમાં જો લાકડાને બદલે ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્યની તેમજ પર્યાવરણની દ્રષ્ટીએ પણ આ તહેવાર અતિ મહત્વપૂર્ણ બની જશે તેથી એક સ્વસ્થ ભારતનું નિર્માણ થશે. 

– મિત્તલ ખેતાણી(મો. 98242 21999)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *