૩ જૂન, વિશ્વ સાઈકલ દિવસ

સાઈકલ સાઈકલ, મારી સોનાની સાઈકલ
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રથમ સત્તાવાર વિશ્વ સાયકલ દિવસ 3 જૂન, 2018 ના રોજ ઉજવવામાં આવ્યો. ભારતમાં પણ છેલ્લા ત્રણ વર્ષથી આ દિવસ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. પરિવહન માટેનાં એક સરળ, વ્યાજબી, વિશ્વસનીય અને વાતાવરણની સુરક્ષાને પ્રોત્સાહિત કરતા સાધન સાઈકલનું મહત્વ લોકો સુધી પહોંચાડવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યુરોપિયન દેશોમાં સાયકલનો ઉપયોગ કરવાનો વિચાર 18મી સદીનાં અંતમાં જ લોકોના મગજમાં આવી ગયો હતો. જો કે, પ્રથમ વર્ષ 1816 માં, પેરિસિયન કારીગરે તેને એક આકૃતિનું રૂપ આપ્યુ. એ વખતે તેને હોબી હોર્સ એટલે લાકડીનો ઘોડો કહેવામાં આવતું હતું અને ત્યારબાદ 1865 માં સાઈકલનું મૂળ સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું હતું. ભારતમાં સાયકલે આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી. આઝાદી પછી ઘણા દાયકાઓ સુધી સાયકલ ટ્રાફિકનો મહત્વનો ભાગ રહી. 1960 થી 1990 ના દાયકા સુધી ભારતમાં મોટાભાગનાં પરિવારો પાસે સાયકલ હતી. એ સમયે તે એક મહત્વપૂર્ણ અને વ્યાજબી સાધન હતું. ભારતીય ટપાલ ખાતાની આખી સિસ્ટમ સાયકલથી ચાલતી હતી. આજે પણ પોસ્ટમેન સાયકલ દ્વારા પત્રો વહેંચે છે. સાયકલ ગામડાઓમાં ખેડુતો માટે બજાર સુધી પાકને પહોચાડવાનું સાધન રહ્યુ. જે આજે પણ અમુક અંશે યથાવત છે. દૂધ વેચનાર માટે પણ સાઈકલ એક મહત્વપૂર્ણ સાધન છે અને પ્રમાણમાં ઓછી આવક ધરાવતા મજૂરો માટે પણ તે ઉત્તમ વાહન છે. સાયકલ ચલાવવાનાં ઘણા ફાયદા છે માટે તો તેને સોના સાથે સરખાવવામાં આવ્યું છે.
- દરરોજ અડધો કલાક સાયકલ ચલાવવાથી સ્થૂળતા, ખાસ કરીને પેટની ચરબી ઓછી થાય છે.
- દરરોજ સવારે સાયકલ ચલાવવીથી તાજી હવા પણ મળે છે અને તમારી ફિટનેસને જાળવી રાખે છે.
- સાયકલ ચલાવવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ સારી રહે છે. એક અહેવાલ મુજબ, સાયકલ ચલાવવાથી ઈમ્યૂન સેલ્સ એક્ટિવ થઈ જાય છે જે રોગનું જોખમ ઘટાડે છે.
- એક શોધ મુજબ, રોજ 30 મિનિટ સાયકલ ચલાવવાથી વ્યક્તિનુ મગજ સામાન્ય વ્યક્તિ કરતા વધુ સક્રિય રહે છે અને બ્રેન પાવરમાં પણ 15 થી 20 ટકાનો વધારો થાય છે.
- સાયકલમાં ડીઝલ અથવા પેટ્રોલની જરૂર રહેતી નથી અને સ્વાસ્થ્ય પણ જળવાય છે. તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી માટે તે પર્યાવરણ માટે પણ અનુકૂળ છે.
-મિત્તલ ખેતાણી(મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯)


























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































