જળસંચયના દિવ્ય કાર્યને વેગ આપવા રાજકોટમાં યોજાનાર ડો. કુમાર વિશ્વાસની જલકથાના મધ્યસ્થ કાર્યાલયનો ગરિમાપૂર્ણ પ્રારંભ

- આર્ષ વિદ્યામંદિરના સ્વામી શ્રી પરમાત્માનંદજીના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યાલયનું ઉદઘાટન
તત્વચિંતક ડો. કુમાર વિશ્વાસ જલકથા થકી જળ જાગૃતિનો સંદેશ ફેલાવશે
સૌરાષ્ટ્ર અને ગુજરાતની પાણીની અછત નિવારવા અને સમગ્ર પ્રદેશને સમૃદ્ધ બનાવવા 1,11,111 જળ સ્ટ્રકચરો કાર્યાન્વિત કરવાના વિશાળ લક્ષ્ય સાથે કાર્યરત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી ડિસેમ્બર માસમાં યોજાનાર તત્વચિંતક- કથાકાર ડો. કુમાર વિશ્વાસની જલકથાના મધ્યસ્થ કાર્યાલયનું આર્ષ વિદ્યામંદિરના સ્વામી શ્રી પરમાત્માનંદજીના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું.
યુનિવર્સિટી રોડ નજીક જેકે ચોકમાં ઉમા સદન ખાતે કાર્યરત થયેલ આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી મૌલેશભાઇ ઉકાણી તેમજ ઉમા સદનના અગ્રેસર શ્રી જે. કે. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ જલકથા રાજકોટમાં તારીખ ૧૫ થી ૧૭ ડિસેમ્બર દરમિયાન દરરોજ રાત્રે ૮ થી ૧૨ દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે યોજાશે. જેમાં હિન્દી જગતના સુપ્રસિદ્ધ કવિ, દાર્શનિક અને કથાકાર ડો. કુમાર વિશ્વાસ તેમની આગવી શૈલીમાં ‘જલકથા: અપને અપને શ્યામ કી‘ રજૂ કરશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘જળસંચય જનભાગીદારી‘ના સૂત્રને સાર્થક કરતી આ કથા જળ સંરક્ષણ માટે જનજાગૃતિ લાવશે. ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રના ૭ જિલ્લા, ૩૫ તાલુકાના ૫૮૨ ગામોમાં ચેકડેમ, તળાવ અને કૂવા-બોરવેલ રિચાર્જ જેવા કાર્યો કરીને ૭.૫૫ લાખથી વધુ લોકોને સીધો લાભ પહોંચાડવામાં આવ્યો છે, ત્યારે આ જલકથાથી આ દિવ્ય કાર્યને વધુ બળ આપશે.
અલગ-અલગ સમાજના અગ્રણીઓ, સમાજ શ્રેષ્ઠિઓ, ગીરગંગા પરિવારના આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકોની વિશાળ ઉપસ્થિતિમાં ગરિમાપૂર્ણ રીતે યોજાયેલા ઉદઘાટન પ્રસંગે પ્રવચન કરતા સ્વામિ શ્રી પરમાત્માનંદજીએ જણાવ્યું હતું કે, પાણી એ સમગ્ર જીવ સૃષ્ટિનો મહત્વનો આધાર છે અને તેના વિના જીવન શક્ય નથી. ઈશ્વર દ્વારા આપવામાં આવેલો આ અમૂલ્ય પ્રસાદ છે અને દરેક વ્યક્તિએ જળ સંરક્ષણના યજ્ઞમાં પોતાનો સહયોગ આપવો જોઈએ. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે રીતે લોકભાગીદારીથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે, તે પ્રેરણાદાયી છે.
સમારોહને સંબોધન કરતા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને ગીરગંગાના માર્ગદર્શક મંડળના અધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરાએ કહ્યું હતું કે “ગીરગંગા પરિવાર ટ્રસ્ટ માત્ર સંસ્થા નથી, પણ જળક્રાંતિનું એક જનઆંદોલન છે. સૌરાષ્ટ્રમાં એક સમયે જ્યાં ૪૦–૫૦ ફૂટે પાણી હતું, ત્યાં આજે પાણીનું સ્તર નીચે જઈ રહ્યું છે, તેને બચાવવા માટે ટ્રસ્ટ નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહ્યું છે. જલકથા થકી આ મિશનને વધુ જોશ મળશે.
કાર્યક્રમ પ્રસંગે શ્રી મૌલેશભાઈ ઉકાણીએ નિર્દેશ કર્યો હતો કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલ જળ સંરક્ષણનું કાર્ય માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, પણ સમગ્ર ગુજરાત માટે આશીર્વાદરૂપ છે. પાણી બચાવવાના આ કાર્યમાં દરેક નાગરિકે તન, મન અને ધનથી સહયોગ આપવો જરૂરી છે. ટ્રસ્ટની સતત અને અથાગ મહેનતને કારણે આજે સૌરાષ્ટ્રમાં પરિવર્તનની નવી શરૂઆત થઈ રહી છે.
સમારોહ અંતર્ગત બોલતા ઉમા સદનના અગ્રણી શ્રી જે. કે. પટેલે નિર્દેશ કર્યો હતો કે, પાણીનું મહત્વ સમજાવવા માટે ડો. કુમાર વિશ્વાસની જલકથાનું આયોજન ખૂબ જ સરાહનીય પગલું છે. પાણી એ જીવનનો આધાર છે અને તેનું એક પણ ટીપું વ્યર્થ ન જવું જોઈએ. ઉમાસદન હંમેશા સમાજ ઉપયોગી કાર્યોમાં સહયોગી રહ્યું છે અને જળ સંરક્ષણના આ મહાયજ્ઞમાં ગીરગંગા પરિવારની સાથે ખભેખભા મિલાવીને ઊભું છે.
ઉદ્ઘાટન પ્રસંગે બોલતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય જળ સંરક્ષણ અને જળસભર ગુજરાતનો છે. પાણીના પ્રશ્નને કાયમી ધોરણે ઉકેલવા માટે લોકભાગીદારી આવશ્યક છે. ‘વોટરમેન ઓફ ઇન્ડિયા‘ તરીકે ઓળખાતા દિલીપભાઈ સખિયાએ ઉમેર્યું કે જલકથાનો ઉદ્દેશ્ય લોકોને જળની અગત્યતા સમજાવી તેમને આ અભિયાનમાં જોડવાનો છે. અમારું મિશન છે કે ગુજરાતમાં કોઈ ખેડૂત કે કોઈ નાગરિક પાણીના અભાવે દુઃખી ન રહે.
| પ્રમુખશ્રીદિલીપભાઈ સખિયાગીરગંગા પરિવાર ટ્રસ્ટ –રાજકોટ(મો:- ૯૪૨૭૨૦૭૮૬૮, ૯૮૨૪૨૩૮૭૮૫) |
આ પ્રસંગે સર્વશ્રી ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાની સાથે સંસ્થાના આગેવાનો સર્વશ્રી પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, શૈલેષભાઈ જાની, જેન્તીભાઈ સરધારા, વસંતભાઈ લીંબાસીયા, પ્રકાશભાઈ ભાલાળા, શૈલેષભાઈ ભીમાણી, રમેશભાઈ શિંગાળા, આશિષભાઈ વેકરીયા,ચીમનભાઈ પટેલ,ધીરુભાઈ રામાણી,ગૌતમભાઈ ધમસાણીયા,ઘનશ્યામભાઈ હેરભા,સતિષભાઈ બેરા,ચંદ્રકાંતભાઈ ભાલારા,જયેશભાઈ ઉપાધ્યાય,પ્રવીણભાઈ ભુવા,કમલનયનભાઈ સોજીત્રા,મૌલેશભાઈ ઉકાણી,કાશ્મીરાબેન નથવાણી,પૂજાબેન પટેલ,દેવાંગીબેન મૈયડ, જ્યોત્સનાબેન ટીલાળા,મનોજભાઈ કલ્યાણી ,પરસોતમભાઈ કમાણી,જે કે પટેલ,ચેતનભાઇ સુરેજા,અમિતભાઈ દેસાઈ,સંદીપભાઈ જોશી,અમિતભાઈ વેકરીયા,ગીરીશભાઈ દેવડીયા ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગીરગંગા પરિવારના અગ્રણી અને ગીતાંજલિ કોલેજના સંચાલક શ્રી શૈલેષભાઈ જાનીએ કર્યું હતું.




























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































