#Blog

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળસંચયના મહાઅભિયાનને વેગ આપવા

રાજકોટમાં યોજાનાર ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’ના મુખ્ય કાર્યાલયનું દિવ્ય ઉદ્ઘાટન

​સંતો-મહંતોના આશીર્વાદ અને બેન્ડની સુરાવલીઓ વચ્ચે કથાના મુખ્ય કાર્યાલયનો શુભારંભ

તન,મન અને ધનથી સહયોગ માટે ગીરગંગાના પ્રમુખ દિલીપભાઈ સખીયાની ભાવપૂર્ણ હાકલ

​સૌરાષ્ટ્રમાં જળસંચયના મહાઅભિયાનને વધુ વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી ડિસેમ્બર મહિનામાં એક અદ્ભુત અને અપૂર્વ ‘જલકથા: અપને અપને શ્યામ કી’નું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વવિખ્યાત કવિ અને તત્વચિંતક ડો. કુમાર વિશ્વાસ દ્વારા રજૂ થનારી આ જલકથાના ભવ્ય આયોજનના મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન ગત તારીખ ૩ ને બુધવારના રોજ સાંજે શહેરના રેસકોર્સ સ્થિત કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન ખાતે ભાવપૂર્ણ વાતાવરણ અને બેન્ડની સુરાવલીઓ વચ્ચે સંપન્ન થયું હતું.

       આગામી 15, 16 અને 17 ડિસેમ્બરના રોજ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે દરરોજ સાંજે 7 થી 12 દરમિયાન યોજાનાર જલકથાના આ ​મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન ભૂપેન્દ્ર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરના શ્રી રાધા રમણ સ્વામી, રામકૃષ્ણ મિશન રાજકોટના શ્રી દર્પણાનંદજી સ્વામી અને શ્રી હરિપ્રબોધન પરિવારના ગુરુપ્રસાદ સ્વામીના પવિત્ર હસ્તે કરવામાં આવ્યું હતું.

       આ પ્રસંગે આશીર્વાદના આપતા ​શ્રી રાધા રમણ સ્વામીએ જણાવ્યું હતું કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું કાર્ય માત્ર જળસંચયનું નહીં, પણ આવનારી પેઢીના ભવિષ્યને સુરક્ષિત કરવાનું ‘ઐશ્વરિક કાર્ય’ છે. જળ એ જીવનનો આધાર છે અને સૌરાષ્ટ્રની આ જળસંકટની સમસ્યામાં ટ્રસ્ટના ૧,૧૧,૧૧૧ જળસંચય સ્ટ્રક્ચર્સના સંકલ્પને સિદ્ધ કરવા માટે પ્રત્યેક નાગરિકે તન-મન-ધનથી સહયોગ આપવો જોઈએ.

       રામકૃષ્ણ મિશનના ​શ્રી દર્પણાનંદજી સ્વામીએ ઉપસ્થિત ભાવિકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, જળસંચય એ માત્ર સરકારી કાર્યક્રમ ન રહેતા, ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રયાસોથી તે જનભાગીદારીનું મહાઅભિયાન બન્યું છે. આ ‘જલકથા’ દ્વારા પાણીના મૂલ્ય અને સંરક્ષણનો સંદેશ ઘરે-ઘરે પહોંચે તે જરૂરી છે.

      હરિપ્રબોધન પરિવારના ​શ્રી ગુરુપ્રસાદ સ્વામીએ આ પ્રસંગે કહ્યું હતું કે,’જલકથા: અપને અપને શ્યામ કી’ વિશ્વની પ્રથમ એવી કથા છે, જે ધર્મ અને સંસ્કૃતિને જળસંચયના વૈજ્ઞાનિક અને સામાજિક વિષય સાથે જોડે છે. જળ વિના જીવન અશક્ય છે. ગીરગંગાનું કાર્ય પ્રકૃતિ અને પરમાત્માની સેવા છે, જેમાં જોડાવાથી સૌરાષ્ટ્રની ભૂમિને હરિયાળી બનાવવાનું પુણ્ય પ્રાપ્ત થશે.

રાજ્યના પૂર્વ મંત્રી ​શ્રી ગોવિંદભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગીરગંગા પરિવાર ટ્રસ્ટે અત્યાર સુધીમાં ૮,૩૫૪ થી વધુ જળસંચય સ્ટ્રક્ચર્સ પૂર્ણ કર્યા છે, જે માત્ર એક આંકડો નથી, પણ સૌરાષ્ટ્રના ખેડૂતો અને નાગરિકોની સમૃદ્ધિની ગેરંટી છે.

       ​ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ આ પ્રસંગે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સંસ્થાએ ૧,૧૧,૧૧૧ જળસંચય સ્ટ્રક્ચર્સ બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ માત્ર સંસ્થાનો નહીં, પણ સમગ્ર સૌરાષ્ટ્રનો છે. આ ‘જલકથા’ જળસંચયના આ મહાયજ્ઞમાં આહુતિ સમાન છે. શ્રી દિલીપભાઈએ નગરજનોને ભાવપૂર્ણ હાકલ કરી હતી કે તન, મન અને ધનથી આ ઐશ્વરિક કાર્યમાં જોડાઈને સૌરાષ્ટ્રને જળ-સમૃદ્ધ બનાવવામાં સહભાગી બનો.

       આ પ્રસંગે બાલાજી મંદિરના કોઠારી શ્રી વિવેક સ્વામી, રામકૃષ્ણ આશ્રમના શ્રી નિપુણાનંદ સ્વામી, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, રાજ્યના પૂર્વ મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ, રાજકોટના પૂર્વ મેયર શ્રી અશોકભાઈ ડાંગર, ડોક્ટર પંપવાળા શ્રી પરષોત્તમભાઈ, કરુણા ફાઉન્ડેશનના શ્રી મિતલભાઇ કોઠારી, બોલબાલા ટ્રસ્ટના શ્રી જયેશભાઈ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ ધારૈયા, હરીવંદના કોલેજના શ્રી મહેશભાઈ ચૌહાણ, કવિ શ્રી વિનોદભાઈ પટેલ, શ્રી ઉમેશભાઈ મહેતા, શ્રી રમેશભાઈ રૂપારેલીયા, ભારતની ૧૧૧ પવિત્ર નદીઓનું પાણી એકત્રીકરણ કરનાર સખીયા પરિવાર તેમજ ખોડલધામ અને ઉમાધામના બહેનો સહિત મોટી સંખ્યામાં જન સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.

       ​આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મધ્યસ્થ કાર્યાલયના ઇન્ચાર્જ શ્રી ભરતભાઈ દોશી, સહ ઇન્ચાર્જ શ્રી સંજયભાઈ ટાંક, શ્રી વીરાભાઈ હુંબલ, શ્રી જમનભાઈ ડેકોરા, ટર્બો બેરિંગવાળા શ્રી પ્રતાપભાઈ પટેલ, શ્રી મનોજભાઈ કલ્યાણી, શ્રી રમેશભાઈ ઠક્કર, શ્રી ભરતભાઈ સખીયા, શ્રી પરષોત્તમભાઈ, શ્રી જે.કે. સરધારા, શ્રી ગિરીશભાઈ દેવડીયા, શ્રી શૈલેષભાઈ જાની,  શ્રી વસંતભાઈ લીંબાસીયા , કૌશિકભાઈ સરધારા, ડો. દેવાંગીબેન મૈયડ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

      આ એશ્વરીક કાર્યમાં તન, મન, ધન કોઈ પણ રીતે સહયોગ આપવા ઈચ્છતા પ્રબુદ્ધજનોને મધ્યસ્થ કાર્યાલય મોબાઈલ નંબર 76003 14014નો સંપર્ક કરવા જણાવ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *