“પ્રયાગરાજમાં રાષ્ટ્રીય ગૌશાળા સ્વાવલંબન સંગોષ્ઠી: ગ્રામ્ય સ્વાવલંબન અને ગૌસેવા માટે મજબૂત પ્રયાસ”

“ગાય, ગામ અને આત્મનિર્ભર ભારત માટે રાષ્ટ્રીય ગૌશાળા સ્વાવલંબન સંગોષ્ઠીનું ઐતિહાસિક આયોજન
તાજેતરમાં પ્રયાગરાજમાં યોજાયેલી “એક દિવસીય રાષ્ટ્રીય ગૌશાળા સ્વાવલંબન સંગોષ્ઠી” ગૌ સંરક્ષણ, ગ્રામ્ય સ્વાવલંબન અને આત્મનિર્ભર ભારતની દિશામાં ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ સાબિત થઈ. આ સંગોષ્ઠીમાં માનનીય ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ શ્રી શેખર યાદવ જી, ડૉ. વલ્લભભાઈ કથીરિયા, ડૉ. નિરંજન વર્મા જી, ડૉ. મદનસિંહ કુશવાહા જી, ડૉ. સિદ્ધાર્થે જયસવાલ જી, ગૌરવ કુમાર ગુપ્તા, ડૉ. સત્યપ્રકાશ વર્માજી, ડૉ. પી.કે. ત્રિપાઠી જી, શ્રી અજીત મહાપાત્રા જી અને ઉત્તર પ્રદેશ ગૌસેવા આયોગના અધ્યક્ષ શ્રી શ્યામ બિહારી ગુપ્તા હાજર રહ્યા. તમામ મહાનુભાવોએ ગૌશાલાઓના સ્વાવલંબન, ગ્રામ્ય ઉદ્યોગસાહસ અને દેશના સર્વાંગી વિકાસ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આ અવસરે ડો.વલ્લભભાઈ કથીરિયા એ ઉપસ્થિત જનસમૂહને ગૌશાળાઓના સ્વાવલંબન અને ગ્રામ્ય આત્મનિર્ભરતા અંગે રજૂ કરતા જણાવ્યુ કે આપણો ઉદ્દેશ માત્ર ગાયની સેવા કરવું નહી, પરંતુ ગ્રામ્ય ભારતને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે સશક્ત બનાવવાનો છે. દરેક ગૌશાળા જો સ્વાવલંબી બને, તો તે માત્ર ગાયની સુરક્ષા જ નહીં, પરંતુ ગામડાઓમાં રોજગાર, કૃષિ વિકાસ અને સ્વદેશી ઉત્પાદનોના ઉત્પાદન માટે પણ સહાયક બનશે. આજકાલ કેન્દ્ર અને રાજ્ય સરકારો ગાય આધારિત અર્થવ્યવસ્થા વેગ આપવા અનેક યોજનાઓ ચલાવી રહી છે.
“ગાય, ગામ અને આત્મનિર્ભર ભારત – આ જ આપણો સંકલ્પ હોવો જોઈએ. આપણે સમજવું પડશે કે ગૌશાળા ધાર્મિક અથવા સામાજિક મહત્વ ધરાવે છે, પરંતુ તે સમગ્ર અર્થવ્યવસ્થાનું મજબૂત આધાર પણ બની શકે છે. જો આપણે ગૌશાળાઓને આર્થિક રીતે સશક્ત બનાવીએ, તો તે માત્ર ગાયની સેવા નહીં, પરંતુ ગ્રામ્ય લોકોને રોજગાર, તાલીમ, કૃષિ વિકાસ અને સ્વદેશી ઉત્પાદનોના ઉત્પાદન માટે સક્ષમ બનાવશે. આ આપણી જવાબદારી છે કે દરેક ગૌશાળાને એવા પ્લેટફોર્મ પર લઈ જઈએ, જ્યાં તે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે મજબૂત બની શકે.”
ડો. વલ્લભભાઈ કથીરિયા એ ભારત સરકાર અને રાજ્ય સરકારોના 20 થી વધુ મંત્રાલયો દ્વારા ગૌ સેવાના વિવિધ યોજનાઓની માહિતી આપી. જિલ્લા સ્તરે સંકલન કરી સામાજિક સંસ્થાઓ અને યુવા ઉદ્યોગપતિઓને ગૌશાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, પંચગવ્ય કેન્દ્ર, રિસર્ચ સેન્ટર વગેરે સાથે જોડી ભારતવર્ષની જીડીપીમાં વૃદ્ધિ સહાયક બની શકે છે. તેની વિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રસંગે ડો.વલ્લભભાઈ કથીરિયાએ વિશેષમાં જીસીસીઆઈ અને રૂરલ હબ ના પ્રયત્નોની પ્રશંસા કરતાં કહ્યું કે આજે અનેક વ્યક્તિ ગૌ આધારિત અર્થવ્યવસ્થામાં યોગદાન આપવા ઈચ્છે છે, પરંતુ સૌથી મોટો પડકાર છે – શરૂઆત ક્યાંથી કરવી? કયા સ્તરથી કામ શરૂ કરવું? મશીનો, સાધનો અને ટેકનિકલ સહાયતા ક્યાંથી ઉપલબ્ધ થશે? સરકારી યોજનાઓનો લાભ કેવી રીતે મળશે? ઋણ અને પ્રોજેક્ટ રિપોર્ટ કેવી રીતે તૈયાર થશે? જરૂરી કંપ્લાયન્સ અને નિયમનકારી પ્રક્રિયા કઈ રીતે પૂર્ણ થશે? આ તમામ પ્રશ્નોના જવાબ જીસીસીઆઈ અને રૂરલ હબના ઇન્ચાર્જ શ્રી ગૌરવ કુમાર ગુપ્તાએ આપ્યો હતો. વિશેષ પ્રયત્નો અને માર્ગદર્શનથી જ ગ્રામ્ય ભારત આત્મનિર્ભર બની શકે છે અને ગૌશાળાઓને દીર્ધકાળ માટે સ્થાયી બનાવવામાં મદદ મળે છે.”
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગદાન આપનારા વિશ્વ હિન્દુ મહાસંઘ ગૌ રક્ષા પ્રકોષ્ઠ ના અધ્યક્ષ શ્રી ભીખારી પ્રજાપતિ જી, પ્રવિણ દુબે, સુશીલ પાંડે તથા વિશેષરૂપે સલાહકાર ડૉ. આર.બી. ચૌધરીના માર્ગદર્શન, સમર્પણ અને પ્રયત્નોને લીધે આ સંગોષ્ઠી સફળ થઈ શકી.