કાલાવડના આણંદપર ગામે ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ દ્વારા ચેકડેમનું ખાતમુહૂર્ત

કાલાવડ તાલુકાના આણંદપર ગામે જળ સંરક્ષણ અને ખેતીના ઉત્કર્ષ માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. નવનિર્મિત થનારા ચેકડેમનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, “પાણી એ આવનારી પેઢી માટે અમૂલ્ય થાપણ છે. જો આપણે આજે પાણીનો સંગ્રહ નહીં કરીએ તો આવતીકાલ મુશ્કેલ બની જશે.” તેમણે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યોની સરાહના કરતા ઉમેર્યું કે ચેકડેમ બનવાથી આસપાસના કુવા અને બોરના તળ ઊંચા આવશે, જેનો સીધો લાભ ખેડૂતોને મળશે.
આણંદપરના સરપંચ શ્રી વિજયભાઈ ગોરસીયાએ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે ગામના વિકાસ માટે જળ સ્વાવલંબન અનિવાર્ય છે. આ ચેકડેમ આણંદપર ગામની પાણીની સમસ્યા હળવી કરવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
નિકાવાના સરપંચશ્રી રાજુભાઈ મારવીયા એ પણ પ્રાસંગિક વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, જળ સંચયના આવા કાર્યોથી માત્ર એક ગામ નહીં પણ આખાય પંથકને ફાયદો થાય છે. લોકભાગીદારી અને ટ્રસ્ટના સહયોગથી થતા આવા કામો પ્રશંસનીય છે.
આ ખાતમુહૂર્ત વિધિ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવી હતી. આણંદ પરના સરપંચ શ્રી વિજયભાઈ ગોરસીયા, નિકાવા ગામના સરપંચ શ્રી રાજુભાઈ મારવીયા, અગ્રણીઓ સર્વશ્રી ભાવેશભાઈ વિરડીયા, લાલભાઈ ટોયટા, જીગ્નેશભાઈ કમાણી, ગૌરવભાઈ પાનસુરીયા, હસુભાઈ સોજીત્રા તેમજ જયેશભાઈ ગોરસીયા આ ઉપરાંત આજુબાજુના ગામના સરપંચશ્રીઓએ પણ હાજરી આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
| દિલીપભાઈ સખિયાગીરગંગા પરિવાર ટ્રસ્ટ –રાજકોટ(મો:- ૯૪૨૭૨૦૭૮૬૮, ૯૮૨૪૨૩૮૭૮૫) |
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કાલાવડ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની ટીમના સભ્યો વિનુભાઈ કપુરીયા, નિકુંજભાઈ વાદી અને વિઠ્ઠલભાઈ સખીયા એ જહેમત ઉઠાવી હતી.
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































