#Blog

આવો, પક્ષીઓ પાસેથી કશુંક શીખીએ

માણસ ભૂલ્યો છે જીવવાનું ભાન,

દિશાવિહીન છે તે; ગુમાવી છે શાન,

       આસપાસ જો મળશે ફૂલ-ઝાડ,

       વસે છે ત્યાં જ સુખનાં સરનામાં સમા અબોલ જીવોની જાન.

માણસનું જીવન અલભ્ય છે. એવું કહેવાય છે કે 84 લાખ જન્મનાં ફેરા ફર્યા બાદ મનુષ્ય જીવન મળે છે, પરંતુ આ અદભુત જીવનનો કેટલા લોકો સારી રીતે ઉપયોગ કરે છે એ આજનાં સમયનો એક મોટો પ્રશ્નાર્થ છે. માણસ સવારે ઉઠે છે અને રાત્રે મોડે મોડેથી સુવે છે ત્યાં સુધી લઈને એ કેટકેટલું એવું કરે છે જે એને, એનાં શરીરને, એની આત્માને નુકસાનકર્તા બને છે. એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિનાં દિલને દુભાવવું, ઘરના સભ્યો સાથે યોગ્ય વ્યવહાર ન કરવો, સહકાર્ચારીઓ સાથે સુયોગ્ય વ્યવહાર ન કરવો, સતત જંક ફૂડ ખાઈને શરીરને અસ્વસ્થ કરવું વગેરે ન જાણે કેટકેટલી ખરાબ આદતો માણસ સાથે લઈને જીવતો હોય છે. એવું કહીએ કે માણસ કરતાં તો પશુ, પક્ષી અને પ્રાણીઓ સમજદાર છે તેમાં કોઈ નવાઈ નહિ લાગે.

આ માટે પક્ષીઓનું જ ઉદાહરણ લઈએ તો તેઓ પણ સ્વસ્થ, આરોગ્યપ્રદ જીવન જીવવા માટે કેટલાંક નિયમો પાળે છે. તેઓ રાતે ભોજન નથી કરતા ઉપરાંત એ ક્યારેય એકસામટું ખાતા નથી, પોતાનું ભોજન ક્યારેય બદલતા નથી.  એમની સામે જેટલા પણ દાણા હશે એ ક્યારેય બધા ખાઈ નહી જાય. એમને જેટલી ભૂખ હશે એટલું જ ખાશે અને ઉડી જશે. પોતાની સાથે પણ કશું જ લઈ નહી જાય. તેઓ જો બીમાર પડશે તો ખાવાનું છોડી દેશે એટલે કે ઉપવાસ કરશે જે પ્રાકૃતિક ચિકિત્સાનું એક સ્વરૂપ છે. તેઓ ઠીક થાય પછી જ ફરીથી ખાવાનું શરુ કરે છે. માણસે પણ આવી જ રીતે ‘મિતાહાર’ અને જરૂર પડે ત્યારે ‘ઉપવાસ’ને અપનાવવો જોઈએ.  પ્રાચીન ગ્રંથોમાં પણ તેનો ઉલેખ્ખ છે. પક્ષીઓ રાત્રે પોતાનું ઘર છોડીને ક્યાંય બહાર આટા ફેરા કરવા જતા નથી, પોતાનાં બાળકોને યોગ્ય સમયે યોગ્ય શિક્ષા આપે છે અને યોગ્ય સમય આવ્યે તેમને માળામાંથી ઉડવાની અને ખુલ્લા આકાશમાં વિહરવાની પ્રેરણા પણ આપે છે. તેઓ પોતાના શરીર પાસેથી સતત કામ લે છે અને ફક્ત રાત્રે જ આરામ કરે છે. પરિશ્રમ કરવાથી હ્રદય, કીડની, લીવરની બીમારીઓ થતી નથી. તેઓ પર્યાવરણને અનુકુળ રહે છે, પોતાનું રહેઠાણ પણ પર્યાવરણને અનુકુળ હોય તે રીતે જ બનાવે છે. પ્રકૃતિ પાસેથી એ એટલું જ લે છે જેટલી એમને જરૂર છે, પોતાની માતૃભાષા માટે પ્રેમ અનુભવે છે અને વ્યવહારમાં પણ તે જ ઉપયોગમાં લે છે. આમ આવા જીવો પાસેથી માણસે પણ કશુક શીખવું જોઈએ અને વ્યવહારમાં અપનાવવું જોઈએ.

ણસ ભૂલ્યો છે જીવવાનું ભાન,

દિશાવિહીન છે તે; ગુમાવી છે શાન,

આસપાસ જો મળશે ફૂલ-ઝાડ,

વસે છે ત્યાં જ સુખનાં સરનામાં સમા અબોલ જીવોની જાન.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *