શ્રી મંગલપ્રભાત લોઢાની આગેવાની હેઠળ જૈનોનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલશ્રીને મળ્યું

રાજસ્થાન પાલી ખાતે વિદ્વાન જૈનાચાર્ય શ્રી પુંડરિકરત્નસૂરીશ્વરજી મ.સા.ના એક્સિડેન્ટલ કથીત હત્યાના વિરોધમાં સમગ્ર દેશભરમાં જૈનોમાં ઉગ્ર આક્રોશ અને ઠેર ઠેર વિરોધ સભાઓ યોજાઈ રહી છે. તે અંતર્ગત મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી સી. પી. રાધાકૃષ્ણનજીને રાજભવન ખાતે શ્રી મંગલપ્રભાત લોઢા સાથે જૈનોનું પ્રતિનિધિ મંડળ ગવર્નર હાઉસ ખાતે મળ્યું હતું. પ્રતિનિધિ મંડળમાં શ્રી મંગલપ્રભાતજી લોઢા, શ્રી મુંબઈ જૈન સંગઠન વતી શ્રી નીતિનભાઈ વોરા, અતુલકુમાર વ્રજલાલ શાહ, શ્રી સુધીરભાઈ પટ્ટણી હાજર રહ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું. રાજ્યપાલશ્રીને લોઢાજીએ અવગત કર્યું હતું કે છેલ્લા દસેક વર્ષમાં અનેક સાધુ ભગવંતોની આ પ્રમાણે એક્સિડેન્ટ દ્વારા કથીત હત્યાઓ કરવામાં આવી રહી છે. જેમાં રાજસ્થાનના અસામાજિક તત્ત્વોની અનુપ મંડળ ઉપર શંકા વ્યક્ત કરવામાં આવી હતી. લોઢાજીએ કહ્યું હતું કે રાજસ્થાન સરકારે એક એસઆઈટી કમિટીની રચના કરી છે પરંતુ આવા વિદ્વાન સાધુ ભગવંતોની હત્યા પાછળ કોનો હાથ છે તેની પૂર્ણ તપાસ કરવી જોઈએ. જૈન સંઘના પ્રતિનિધિઓએ રાજ્યપાલશ્રીને જણાવ્યું હતું કે આચાર્ય શ્રી હાલતી-ચાલતી લાયબ્રેરી જેવા હતા અને તેઓ 18 ભાષાના જાણકાર હતા. તેમના વિદ્વાન ગુરુભગવંત જબુંવિજયજી મહારાજ સાહેબની પણ આજ પ્રકારે એક્સિડેન્ટ દ્વારા હત્યા કરવામાં આવી હતી. એક સાધુ પૂર્ણપણે તૈયાર થતાં 25થી 50 વર્ષ લાગી જતાં હોય છે એ જ સાધુને માત્ર 25થી 50 સેકન્ડમાં એક્સિડેન્ટ દ્વારા નિર્મમ હત્યા કરી દેવામાં આવતી હોય છે. આજે પણ અનુપદાસ કથિત સાધુની જગત હિતકારિણી પુસ્તક પ્રિતબંધિત હોવા છતાં તેના દ્વારા એવો અપ્રચાર કરવામાં આવે છે કે જૈનો અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ લાવે છે અને સમગ્ર સૃષ્ટિની હત્યાનું ષડયંત્ર જૈનો રચી રહ્યા છે. રાજસ્થાન – ગુજરાતમાં તેઓની અનેક ગેરકાયદેસર શાખાઓ દ્વારા હજારો લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. રાજ્યપાલશ્રીએ આ વાતને ગંભીરતાથી ધ્યાનમાં લઈને પોતે સાથે રાજસ્થાન આવશે અને ત્યાંના મુખ્ય પ્રધાન અને રાજ્યપાલને મળીને આ વાતની રજૂઆત કરશે તે માટે શ્રી મંગલપ્રભાત લોઢાની આગેવાની હેઠળ જૈન સંઘોના પ્રતિનિધિ મંડળને પણ સાથે લઈ જશે. જૈન સાધુઓ વિશ્વની એક અલૌકિક શક્તિ છે અને તેની સુરક્ષા થવી જ જોઈએ તે માટે ચાતુર્માસ પહેલાના વિહારમાં તેઓને પોલીસ પ્રોટેક્શન આપવા માટે અને ઈન્વેસ્ટિગેશન એજન્સીઓ દ્વારા તપાસ કરીને આ ષડયંત્રના મૂળ સુધી પહોંચવા માટે પોતે જાતે રાજસ્થાન સરકારને અવગત કરશે એવી બાંહેધરી આપી હતી. જૈન સંઘ વતી રાજ્યપાલશ્રીનું અભિવાદન કરીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને તેમનો હૃદયથી આભાર માનવામાં આવ્યો હતો.