ગૌ વિજ્ઞાન હવે એક શૈક્ષણિક વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્ર બનશે : ડો.વલ્લભભાઈ કથીરિયા
ગૌ શિક્ષણ દ્વારા સંસ્કારી સમાજના નિર્માણનું ધ્યેય : ભુપેન્દ્રસિંહ ચુડાસામા
કડી સર્વ વિશ્વ વિદ્યાલય ગૌ આધારિત સમાજ વ્યવસ્થાના નિર્માણ માટે ગૌ વિશ્વ વિદ્યાપીઠને પૂર્ણ સહયોગ આપીશું : શ્રી વલ્લભભાઈ પટેલ ( સરદાર)
ડો. હિતેષ જાનીની ગૌ વિશ્વ વિદ્યપીઠના પ્રથમ કુલગુરુ તરીકે નિમણૂક
તાજેતરમાં ગુજરાતની પવિત્ર ધરતી પર “ગૌ વિશ્વ વિદ્યાપીઠમ”નું ઉદ્ઘાટન ગાંધીનગર ખાતે ભારે ઉમંગ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં કરવામાં આવ્યું. આ ઐતિહાસિક અવસરે દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા ગૌવિદ્વાનો, સંશોધકો, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રના મહાનુભાવોની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી. આ ગૌ વિશ્વ વિદ્યાપીઠમ ગૌ આધારિત સંસ્કૃતિ, વૈજ્ઞાનિક અભિગમ, સંશોધન અને વ્યવસાયિક અભ્યાસને આધારે નિર્માણ પામતું વિશિષ્ટ વિશ્વવિદ્યાલય બન્યું છે. વિદ્યાપીઠના મુખ્ય સ્વપ્ન દ્રષ્ટા અને જીસીસીઆઈના સ્થાપક અધ્યક્ષ તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભભાઈ કથિરિયાએ ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે હવે ગૌ વિજ્ઞાન એ માત્ર ધાર્મિક શ્રદ્ધાનું નહીં પરંતુ સમગ્ર જીવનશૈલી અને આત્મનિર્ભરતાનું આધુનિક ક્ષેત્ર બની રહ્યું છે. તેમણે જણાવ્યું કે NEP-2020 હેઠળ હવે Indian Knowledge Systemમાં “ગૌ વિજ્ઞાન” વિષયને મહત્વ આપવામાં આવ્યું છે અને તેને સર્વ વિશ્વ વિદ્યાપીઠોમાં અભ્યાસ માટે ઊંડાણપૂર્વક શામેલ કરાશે. આ અંગે ગૌ વિશ્વ વિદ્યાપીઠમ અને વિવિધ યુનિવર્સિટીઓ વચ્ચે એમઓયુ કરવામાં આવશે જેથી ગૌ આધારિત અભ્યાસક્રમો, અભ્યાસશાખાઓ અને સંશોધનકાર્ય થઈ શકે. આ વિશ્વ વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્તરે અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે જેમાં સર્ટીફીકેટ ડિપ્લોમા, ગ્રેજ્યુએશન, પીએચડી તથા સ્કીલ ડેવલપમેન્ટને પ્રાથમિકતા આપવામાં આવશે. અહીં ગૌ આધારિત કૃષિ, આયુર્વેદ, પંચગવ્ય, પર્યાવરણ સંરક્ષણ, ગૌઉદ્યોગ, ગૌચર વિકાસ, ગૌ સંરક્ષણ અને ગૌ આરોગ્ય જેવા વિષયો પર અભ્યાસ અને સંશોધનો થશે. વિદ્યાર્થીઓ માત્ર ડિગ્રી સુધી સીમિત નહીં રહે પરંતુ તેઓ ગ્રામિણ વિસ્તારમા ગૌ આધારિત ઉદ્યોગો શરૂ કરીને સ્વરોજગારના નવા માર્ગો ઊભા કરી શકશે. વિદ્યાપીઠમાં આધુનિક ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક અભિગમનો ઉપયોગ કરીને ગૌ આધારિત ક્ષેત્રોમાં સંશોધન તેમજ સ્ટાર્ટઅપ્સ માટે માર્ગદર્શન અપાશે. નવોદિત ઉદ્યોગકારોને તાલીમ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ, માર્કેટિંગ અને નાણાંકીય માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રસંગે કડી સર્વ વિશ્વ વિદ્યાલયના ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલે ગૌ આધારિત સમાજ વ્યવસ્થા ના નિર્માણમાં ગૌ વિશ્વ વિદ્યાપીઠ સામાજીક સ્તરે ઊંચી ભૂમિકા ભજવશે. તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શ્રી વલ્લભભાઈએ સંપૂર્ણ આર્થિક અને અન્ય સહયોગ આપવા સહમતી આપી હતી. આ ગૌ વિશ્વ વિદ્યાપીઠના પ્રથમ કુલગુરુ (Pro Vost) તરીકે જામનગર આયુર્વેદ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ અને પ્રખર ગો વૈજ્ઞાનિક આયુર્વેદાચાર્ય ડો.હિતેશ જાનીની વર્ણી કરવામાં આવી હતી. તેમના માર્ગદર્શન નીચે સમગ્ર વિશ્વ વિદ્યાપીઠ નું શૈક્ષણિક માળખું તૈયાર કરવામાં આવશે અને ડો.ભાવિન પંડ્યા વ્યવસ્થા સંભાળશે. આ પ્રસંગે આર.એસ.એસ.ના પ્રદેશ કાર્યવાહ શ્રી શૈલેષભાઈ પટેલ, ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગૌવિજ્ઞાન સંસ્થાન દેવલાપારના નિદેશક ડૉ. સુનીલ માનસિંહકા, ઈનોવેટિવ થોટ ફોરમના અધ્યક્ષ શ્રી એસ.બી. ડાંગાયચ તથા ગૌ વિશ્વ વિદ્યાપીઠમના કુલપતિ ડૉ. હિતેશ જાની ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે મિનેશભાઈ પટેલ (ગૌ વિશ્વવિદ્યાપીઠના સ્થાપક અધ્યક્ષ), શ્રી અમિતાભ ભટ્ટનાગર (સહસ્થાપક, જનરલ સેક્રેટરી, જી.સી.સી.આઈ.) અને અન્ય અગ્રણીઓએ પોતપોતાના વિચારો સાથે ગૌઆધારિત નવો દિશાદર્શન આપ્યો. શ્રી ડો.ભાવિન પંડ્યા એ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. વિદ્યાપીઠ દ્વારા ગૌ વિજ્ઞાન આધારિત પુસ્તકોના પ્રકાશન, સંશોધન પત્રિકાઓ, ઇ-લાઈબ્રેરી, ડિજિટલ અભ્યાસ પદ્ધતિ અને પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવશે. અહીંથી રાષ્ટ્રીય સ્તરના ગૌવિદો, સંશોધકો અને સામાજિક કાર્યકરોને સમર્થન અને માર્ગદર્શન મળશે. આ સમગ્ર કાર્યક્રમે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ભારત હવે “ગૌ આધારિત આત્મનિર્ભર ભારત” બની વૈજ્ઞાનિક, આધ્યાત્મિક અને ઔદ્યોગિક વિકાસ દ્વારા સર્વાંગી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. “ગૌ સંપન્ન ભારત – આત્મનિર્ભર ભારત” હવે માત્ર સૂત્ર નહીં, પણ ભવિષ્યનું સ્વપ્ન સાકર કરવાનું ધ્યેય બની રહ્યું છે.