#Blog

ડૉ. ગિરીશ શાહે માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીને જાહેર પરિવહન પર પ્રાણી કલ્યાણના સૂત્રો દર્શાવવાની પહેલ શરુ કરવા માટે અભિનંદન પાઠવ્યા.

ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ દ્વારા માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીને જાહેર પરિવહન પર પ્રાણી કલ્યાણના સૂત્રો દર્શાવવાની પહેલ અંગે અભિનંદન પાઠવ્યા હતા. આ ઐતિહાસિક પગલું ભારત દેશની કરુણા અને સર્વ જીવમાત્ર પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતિક છે.

ઇતિહાસ સાક્ષી છે કે લગભગ 2000 વર્ષ પહેલા સમ્રાટ અશોકે કરુણાસભર અને કલ્યાણકારી શાસનનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમના શિલાલેખો પ્રાણીઓ પ્રત્યે દયા અને માનવતાના સંદેશાઓનાં સૌથી પ્રાચીન દાખલા છે. વર્તમાન સમયમાં માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીનાં નેતૃત્વ હેઠળ ભારત ફરીથી અહિંસા અને વૈશ્વિક કરુણાના પોતાના ગૌરવશાળી વારસાને પુનઃ સ્થાપિત કરી રહ્યું છે અને વિશ્વ માટે નૈતિક મૂલ્યોનું પ્રતીક બની રહ્યું છે. આ પહેલ કરોડો નાગરિકોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એક ઊંડો સંદેશો પહોંચાડશે કે પ્રાણીઓ પ્રત્યે કરુણાભાવ અને સન્માન સાથે વર્તવું એ દરેક નાગરિકનું નૈતિક દાયિત્વ છે. આ પહેલને સંપૂર્ણપણે સફળ બનાવવા માટે મંત્રાલય દ્વારા વધુ પગલાં ભરવાની વિનંતી પણ ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ દ્વારા કરવામાં આવી હતી. જેમાં તમામ રાજ્ય પરિવહન સત્તાઓ અને જાહેર પરિવહન સેવાઓ આ આદેશનું સંપૂર્ણપણે પાલન કરે તે સુનિશ્ચિત કરવા તથા રસ્તા પર નક્કર ધોરણો મુજબ સૂત્રો મુખ્ય અને સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવે છે કે નહીં, તે તપાસવા માટે સમયાંતરે નિરીક્ષણની વ્યવસ્થા કરવા, શૈક્ષણિક સંસ્થાઓ, એનજીઓ અને સામાજિક કાર્યકરો સાથે સહયોગ કરીને આ સંદેશને માત્ર જાહેર વાહનો સુધી જ નહીં, પરંતુ સમગ્ર સમાજમાં ફેલાવવા તથા જે રાજ્ય પરિવહન નિગમો આ પહેલને અસરકારક રીતે અમલમાં મૂકે, તેમને માન્યતા અને પ્રોત્સાહન આપવું વગેરે બાબતોનો ઉલેખ્ખ કરવામાં આવ્યો હતો.

ભારત સરકારનાં માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીની આ મહાન પહેલ ભારતીય બંધારણના કલમ 51A(g), પ્રાણી ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ સાથે સંપૂર્ણપણે સુસંગત છે, જે દરેક જીવીત પ્રાણીના સંરક્ષણ અને સંવર્ધનની નૈતિક અને કાનૂની ફરજને મજબૂત બનાવે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *