#Blog

મોરબીના નેસડા ગામે ગીરગંગાના સહયોગથી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે ચેકડેમનું ખાતમુહૂર્ત

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જનભાગીદારીથી ખેડૂતોની સુખાકારી માટે જળસંચય

મોરબી જિલ્લાના નેસડા ગામે જળસંચયના ઉમદા હેતુ સાથે, ટંકારા-પડધરી વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે ચેક ડેમનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.
આ પ્રસંગે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યોની સરાહના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી જળસંચય અને પર્યાવરણ જતનના ક્ષેત્રમાં ભગીરથ કાર્ય કરી રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા ગામડે-ગામડે ચેક ડેમો બનાવવા, તળાવો ઊંડા ઉતારવા અને જળ સ્ત્રોતના પુનઃજીવિતિકરણ માટે લોકભાગીદારીથી અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવે છે.
ખાતમુહૂર્ત બાદ ઉપસ્થિત મેદનીને સંબોધતા ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, પાણી એ જ પરમેશ્વર છે અને જળસંચય એ જ સાચી દેશસેવા છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આજે છેવાડાના ગામો સુધી પાણીના સ્તર ઊંચા લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. નેસડા ગામે નિર્મિત થનારો આ ચેક ડેમ આગામી સમયમાં ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ગીર ગંગા દ્વારા જે રીતે ભૂગર્ભ જળ રિચાર્જ કરવાનું કાર્ય થાય છે, તે આવનારી પેઢી માટે અમૂલ્ય ભેટ છે.
આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી પંકજભાઈ ભાડજા, કિસાન સંઘના પ્રમુખ મહાદેવ મગનભાઈ તેમજ અગ્રણીઓ સર્વશ્રી હરજીવનભાઈ ભાડજા, ગંગાભાઈ ભાડજા, લાલજીભાઈ ભાડજા, જસવંતભાઈ ચીકાણી અને નંદલાલભાઈ ભાડજા સહિતના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *