શ્રી શાંતીનાથ ઝાલાવાડ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘમાં 525 વર્ષીતપના પારણા અભૂતપૂર્વ રીતે સંપન્ન થયા

શ્રી શાંતીનાથ ઝાલાવાડ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના 525 વર્ષીતપના તપસ્વીઓના પારણા અભૂતપૂર્વ રીતે સંપન્ન થયા હતા. પૂજ્ય ગચ્છાધિપતીશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજના દિવ્ય આશીષથી તેમ જ ચિરંતન ચિંતક પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મુક્તિવલ્લભસૂરીશ્વરજી મ.સા.ની કૃપાથી તેમજ ત્યાગી-વૈરાગી પૂજ્ય પંન્યાસ પ્રવર વીતરાગવલ્લભ વિજયજી મ.સા. નિશ્રામાં પારણા અગાઉ પંચદિવસીય મહોત્સવ કાંદિવલી (પૂર્વ)માં સપ્તાહ ગ્રાઉન્ડ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો જેમાં મહેંદી સાંજી, ઋષભ સંધ્યા, સામૂહિક પૂંજણું, ઋષભજીના પગલે પગલે ઋણ સ્વીકાર, ચંદન વિલેપન, દિન ચારસો – ઋષભજીનો વારસો વગેરે અનેક પ્રસંગો સફળતાપૂર્વક પાર પડ્યા હતા. આ પ્રસંગે વિધાનસભ્ય અતુલ ભાતખલકર, પૂર્વ સાસંદ ગોપાલ શેટ્ટી, વિધાનસભ્ય મનીષાતાઈ ચૌધરી, બીનાબેન દોશી, કોર્પોરેટર સાગરસિંગ ઠાકુર વગેરે અનેક મહાનુભાવો પધાર્યા હતા. જેઓએ પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા અને તેઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. જો કે, પહલગામમાં થયેલા આતંકી હુમલાને કારણે શ્રી સંઘે સામૂહિક શોભાયાત્રા અને લગભગ 10,000 ભાગ્યશાળીઓનો જમણવાર રદ કરીને જૈનો દેશમાં આપદાના સમયે એકજૂટ થઈને દુઃખદ સમયે રાષ્ટ્રની સાથે ઉભા રહીને અભતૂપૂર્વ ટેકો આપ્યો હતો. જેને દેશ-વિદેશથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. અનેક લોકોએ શ્રી શાંતીનાથ ઝાલાવાડ સંઘ આ સ્તુત્ય પગલાંની અનુમોદના કરીને પોતાના સંઘોમાં પણ આ શોભાયાત્રા રદ કરી હતી. દરેક તપસ્વીઓને ખૂબ શાતા રહી હતી અને આટલી સખ્ત ગરમીમાં દરેકને શાતા વળે તેવી વ્યવસ્થા શ્રી સંઘે કરી હતી. પ્રતીક્ષાલય શમીયાણામાં આવેલા મહેમાનો માટે શેરડીના રસની વ્યવસ્થા કરવામાં આવી હતી અને પાછળના પવાર સ્કૂલના ગ્રાઉન્ડમાં વિશાળ મંડપમાં જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. લગભગ 50,000 ભાગ્યશાળીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. એક લાખ સ્ક્વેર ફૂટના સપ્તાહ ગ્રાઉન્ડ, કાંદિવલી (વેસ્ટ)માં બાંધવામાં આવેલા શમીયાણામાં અભૂતપૂર્વ રીતે સંપન્ન થયો હતો. 400 દિવસ સુધી 525 સામૂહિક બેસણા શ્રી સંઘમાં કરાવવામાં આવ્યા હતા અને પારણા પણ અભૂતપૂર્વ સફળતાથી સંપન્ન થયા હતા. પૂજ્ય વીતરાગવલ્લભ વિજયજી મ.સા. ત્યારબાદ વિહાર કરીને મલાડ (વેસ્ટ) જગવલ્લભ પાર્શ્વનાથ દેરાસરે ઉપધાનના મંડાણ કરાવવા સ્ટેશન રોડ, મલાડ (વેસ્ટ) પધાર્યા હતા.
-અતુલકુમાર વ્રજલાલ શાહ

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































