તા. 1 થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ નિમિતે ગૌ આધારિત ખેતી અને જૈવિક આહારના મહત્વ પર ભાર મૂકતું ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ-બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI).

તા. 1 થી 7 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. તે નિમિત્તે ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ-બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) એ આરોગ્યપ્રદ અને સાશ્વત ભવિષ્ય નિર્માણ માટે સમાજ ને જૈવિક આહાર અપનાવવા અને ખેડૂતોને ગૌ આધારિત ખેતી અપનાવવાની અપીલ કરી છે.
પોષણક્ષમ આહાર રાસાયણિક ખાતરથી ઉગાડેલા અનાજમાંથી નહીં, પરંતુ ગૌ આધારિત જૈવિક ખેતી / પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત અન્નમાંથી મળે છે. ગાયનું ગોબર અને ગોમૂત્ર કુદરતી ખાતર રૂપે જમીનને સમૃદ્ધ બનાવે છે, તેની ઉર્વરાશક્તિ વધારે છે અને રાસાયણિક ખાતર તેમજ ઝેરી દવાઓના નુકસાનકારક પ્રભાવોને દૂર કરે છે. આવી પદ્ધતિથી ઉગાડેલો આહાર સ્વાદિષ્ટ હોવાની સાથે પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને સંપૂર્ણ આરોગ્યને મજબૂત કરે છે.
“ગાય કુદરતી ખેતીનો આધાર છે. ગાયના ઉપયોગથી જમીન વધારે તંદુરસ્ત બને છે, પર્યાવરણ શુદ્ધ રહે છે અને આપણને સ્વચ્છ, રાસાયણિક વગરનું આહાર મળે છે. ગૌ આધારિત ખેતીને પ્રોત્સાહન આપવું એ માત્ર અમારી પરંપરા માટે જ નહીં, પણ આપણા આરોગ્ય અને સમગ્ર દુનિયાના કલ્યાણ માટે પણ જરૂરી છે.”
પોષણ વિશેષજ્ઞોના મતે, ગૌ આધારિત ખેતીથી ઉત્પાદિત જૈવિક આહારમાં એન્ટીઑક્સિડન્ટ, જરૂરી ખનિજ અને વિટામિન્સ વધુ પ્રમાણમાં જોવા મળે છે, જેના કારણે શારીરિક તથા માનસિક આરોગ્ય મજબૂત બને છે, જીવનશૈલી સંબંધિત રોગોનું જોખમ ઘટે છે અને બાળકો તથા વૃદ્ધોમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ વિકસે છે.
ગૌ આધારિત અર્થવ્યવસ્થા ખેડૂતો, ગ્રામ્ય ઉદ્યોગકારો અને મહિલાઓના સ્વસહાય જૂથો માટે રોજગારીના અવસર ઉભા કરે છે. ગોબરમાંથી જૈવિક ખાતર, જંતુનાશક, બાયોગેસ, પર્યાવરણમિત્ર ઉત્પાદનો અને કુદરતી ઔષધિઓ બનાવી શકાય છે, જે સમાજ અને પર્યાવરણ બંને માટે લાભકારી એવા ગૌ આધારિત અર્થવ્યવસ્થાનું નિર્માણ કરે છે.
રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓના અતિરેક ઉપયોગને કારણે જમીનની ઉર્વરાશક્તિ ઘટી રહી છે, પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે અને જૈવિક વૈવિધ્યતામાં ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ, ગૌ આધારિત જૈવિક ખેતી માત્ર જમીનને પુનર્જીવિત જ કરતી નથી પરંતુ હવામાન માટે અનુકૂળ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન પણ આપે છે.
આ રાષ્ટ્રીય પોષણ સપ્તાહે GCCI એ સમાજના દરેક નાગરિકોને દૈનિક જીવનમાં જૈવિક આહાર અપનાવવા, માતા-પિતાને પોતાના બાળકો માટે રાસાયણિક રહિત પૌષ્ટિક આહાર સુનિશ્ચિત કરવા, ખેડૂતોને ગૌ આધારિત ટકાઉ કૃષિ અપનાવવા અને નીતિ નિર્માતાઓને આ ક્ષેત્રમાં ઉદ્યોગોને પ્રોત્સાહન અને સહાયતા આપવા અપીલ કરી છે.
ગૌ આધારિત જૈવિક આહાર અપનાવીને આપણે માત્ર સ્વસ્થ જીવન અને શ્રેષ્ઠ પોષણ જ સુનિશ્ચિત કરી શકતા નથી, પણ ભારતની પ્રાચીન જ્ઞાનપરંપરાને સાચવી શકીએ છીએ, પર્યાવરણનું રક્ષણ કરી શકીએ છીએ અને સમગ્ર વિશ્વ માટે એક આદર્શ મોડેલ ઉભું કરી શકીએ છીએ.તેમ જી.સી.સી.આઈ ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી અને તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ ની યાદી માં જણાવ્યુ છે.
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































