ગીરગંગાના જળસંચયના કાર્યોને વેગ આપવા રાજકોટની સ્વૈચ્છિક સંસ્થાઓનો કોલ

ડૉ. કુમાર વિશ્વાસની ‘જળ કથા: અપને અપને શ્યામ કી’ પૂર્વે એનજીઓના અગ્રણીઓની ગીરગંગાની મુલાકાત
ટ્રસ્ટના જળ સંચયના કાર્યો અને જલકથાને પૂર્ણ સહયોગ આપવાની સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓની ખાતરી
વિખ્યાત કવિ, તત્વચિંતક અને કથાકાર ડૉ. કુમાર વિશ્વાસની રાજકોટમાં સૌપ્રથમ વખત યોજાઈ રહેલી ‘જલકથા : અપને અપને શ્યામ કી’ને અનુલક્ષીને રાજકોટની સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રેસરોએ બુધવારે સાંજે કથા સ્થળ ખાતેના ગીરગંગા પરિવાર ટ્રસ્ટના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યને કેમ આગળ વધારવું તેની ચર્ચા વિચારણાઓ કરીને આગામી જલકથામાં પૂર્ણ સહયોગ માટે ખાતરી આપી હતી.
આ પ્રસંગે ‘દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ’ સહિતની રાજકોટની અગ્રણી સંસ્થાઓના આગેવાન શ્રી અનુપમભાઈ દોશી અને સરગમ ક્લબના પ્રમુખ શ્રી ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું કે,ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું કાર્ય આવનારી પેઢીઓ માટે પાણીના સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરી રહ્યું છે.જળ એ જીવન છે અને આ ટ્રસ્ટ પાણીના ટીપાંને બચાવીને સાચા અર્થમાં પર્યાવરણ અને સમાજની સેવા કરી રહ્યું છે. સંસ્થાના આ ઉમદા કાર્યમાં રાજકોટની દરેક સંસ્થાએ સહયોગ આપવો અનિવાર્ય છે.
આ ગરિમાપૂર્ણ મુલાકાત પ્રસંગે ઉપસ્થિત બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી જયેશભાઈ ઉપાધ્યાય તેમજ સામાજિક આગેવાન શ્રી કિશોરભાઈ રાઠોડે નિર્દેશ કર્યો હતો કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટે સૌરાષ્ટ્રના જળસંકટને દૂર કરવા માટે નક્કર પહેલ કરી છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલો વોટર ગ્રાસરૂટ પ્લાન જળસંચયના ક્ષેત્રમાં એક સીમાચિહ્નરૂપ છે. જળસંચય એ સમયની માંગ છે અને ટ્રસ્ટનું કાર્ય પાણીની અછત સામે લડવા માટે એક મોડેલ પૂરું પાડે છે. જલકથાના માધ્યમથી જળસંચયનો સંદેશ જન-જન સુધી પહોંચશે.
પોરબંદરના પૂર્વ સાંસદ અને સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓને હરહંમેશ મદદરૂપ બનતા શ્રી રમેશભાઈ ધડુક અને રાજકોટના પૂર્વ સાંસદ શ્રી વલ્લભભાઈ કથેરીયાએ કહ્યું હતું કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ જે રીતે લોકભાગીદારીથી જળ સંરક્ષણનું કાર્ય કરી રહ્યું છે તે સરાહનીય છે. ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના તેમના પ્રયાસોથી ખેડૂતો અને સામાન્ય જનતાને સીધો ફાયદો થયો છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું આ કાર્ય આવનારા દિવસોમાં સમાજ માટે જળ સુરક્ષાની દિશામાં પથદર્શક બની રહેશે.
જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ ધારૈયાએ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને જણાવ્યું હતું કે, જળસંચયના કાર્યોને વધુ વ્યાપક બનાવવા માટે સરકાર અને સમાજ બંનેએ ખભે ખભો મિલાવીને કામ કરવું પડશે. પાણી બચાવવું એ રાષ્ટ્ર સેવાનું કાર્ય છે, અને ગીરગંગાનું કાર્ય આ દિશામાં પ્રેરક બળ પૂરું પાડે છે.
સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનોનો આભાર વ્યક્ત કરતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના શ્રી દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજકોટની સ્વૈચ્છિક સંસ્થાઓ અને સામાજિક આગેવાનોનો સહયોગ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ માટે એક મોટી તાકાત છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટનો ઉદ્દેશ માત્ર જળસંચય નથી, પણ જળ સંસ્કાર આપવાનો છે, જેથી દરેક વ્યક્તિ પાણીની કિંમત સમજે. આ તમામ સંસ્થાઓના સહયોગથી ડો. કુમાર વિશ્વાસની જલકથા થકી આ જળ ક્રાંતિનો સંદેશો દૂર દૂર સુધી પહોંચાડવામાં આવશે.
| પ્રમુખશ્રી દિલીપભાઈ સખિયાગીરગંગા પરિવાર ટ્રસ્ટ –રાજકોટ(મો:- ૯૪૨૭૨૦૭૮૬૮, ૯૮૨૪૨૩૮૭૮૫) |
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મનોજભાઈ કલ્યાણીએ અને આભારવિધિ ગીરગંગા પરિવારના અગ્રણી શ્રી જેન્તીભાઈ સરધારાએ કરી હતી.








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































