પશુપતિનાથ અને પર્યાવરણ

આજના સમયમાં પર્યાવરણ સંરક્ષણ એક વૈશ્વિક ચિંતાનો વિષય બન્યો છે. જળવાયુ પરિવર્તન, પ્રદૂષણ અને સંસાધનોનો અતિશય ઉપયોગ પૃથ્વીના ભવિષ્ય માટે ગંભીર પડકારો ઊભા કરી રહ્યા છે. આવા સંજોગોમાં, ભગવાન શિવજીનું પ્રકૃતિપ્રેમી સ્વરૂપ આપણને ટકાઉ અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ જીવનશૈલી માટે પ્રેરણા આપે છે. શિવજીનું નિવાસસ્થાન કૈલાસ પર્વત છે, જે ગાઢ જંગલો, નિર્મળ નદીઓ અને શુદ્ધ કુદરતી વાતાવરણથી ઘેરાયેલું છે. તેમનું આ સ્વરૂપ પ્રકૃતિ સાથેના તેમના અતૂટ બંધનને દર્શાવે છે. તેમના શીશ પર પવિત્ર ગંગા નદીને ધારણ કરવી એ જળ સંરક્ષણ અને નદીઓની પવિત્રતાનું સર્વોચ્ચ પ્રતીક છે. શિવપુરાણમાં વર્ણવ્યા મુજબ, જ્યારે ગંગાના પ્રચંડ પ્રવાહને પૃથ્વી પર ધારણ કરવાની શક્તિ કોઈ દેવમાં નહોતી, ત્યારે શિવજીએ પોતાની જટામાં તેને સમાવી લીધી અને પછી તેને ધીમે-ધીમે ધરતી પર વહેવા દીધી. આ ઘટના દર્શાવે છે કે શિવજી પ્રકૃતિની શક્તિનો આદર કરે છે અને પર્યાવરણીય સંતુલન જાળવવાનું કાર્ય કરે છે. તેમનું વાહન નંદી (બળદ) અને ગળામાં શોભતો સર્પ (વાસુકી નાગ) પણ 21મી સદીમાં શિવ પશુ-પક્ષીઓ અને તમામ જીવો પ્રત્યેના તેમના ઊંડા આદર અને સ્વીકૃતિના પ્રતીકો છે. આધુનિક યુગમાં, જ્યાં આપણે પ્રકૃતિનો શોષણ કરીને વિકાસ સાધી રહ્યા છીએ, ત્યાં શિવજી આપણને યાદ અપાવે છે કે આપણે પ્રકૃતિના રક્ષક છીએ, તેના માલિક નહીં. શિવજીનું પશુપતિ સ્વરૂપ સમજાવે છે કે, જે પ્રકૃતિનું રક્ષણ કરે છે, પ્રકૃતિ તેમનું રક્ષણ કરે છે. પ્રકૃતિમાં જ સાક્ષાત ઈશ્વરનો વાસ છે, તેનું સન્માન કરો. શિવજી શીખવે છે કે, આપણે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવી જોઈએ. પાણીનો બગાડ અટકાવવો, વૃક્ષો વાવવા, પ્રદૂષણ ઘટાડવું. અને જીવંત જીવો પ્રત્યે દયા રાખવી આ બધું શિવજીના પ્રકૃતિ પ્રેમનું વિસ્તરણ છે. આ પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની જેમ પ્રકૃતિ સાથે સુમેળ સાધીને ભવિષ્યની પેઢી માટે એક સ્વચ્છ અને સ્વસ્થ ભવિષ્ય આપીએ.
-વંદે વનસ્પતિમયં કૈલાસમ હિમમંડિતમ્।
વંદે ભૂતગીર્ત્યાપ્ત ગંગાધરમ શંકરમ્ ॥
- મિત્તલ ખેતાણી ( 98242 21999 )