નેસ્કો ગ્રાઉન્ડ ખાતે તા. 15, ઓક્ટોબર, બુધવાર ના રોજ 209 ભદ્રતપના તપસ્વીઓનો ઐતિહાસિક પારણોત્સવ યોજાશે.

209 તપસ્વીઓની ગોરેગામના રાજમાર્ગ ઉપર ઐતિહાસિક શોભાયાત્રા નીકળશે.
તા. 12, ઓક્ટોબર, રવિવારના રોજ 209 તપસ્વીઓની ગોરેગામના રાજમાર્ગ ઉપર ઐતિહાસિક શોભાયાત્રા નીકળશે તેમજ નેસ્કો ગ્રાઉન્ડ ખાતે તા. 15, ઓક્ટોબર, બુધવાર ના રોજ 209 ભદ્રતપના તપસ્વીઓનો ઐતિહાસિક પારણોત્સવ યોજાશે.
ગૌરેગામ (વેસ્ટ)ની ધન્યધરા પર શ્રીનગર જૈન સંઘના આંગણે સુવર્ણ જયંતિ વર્ષે શ્રી પ્રેમ ભુવનભાનુસૂરિ સમુદાયના સુવિશાલ ગચ્છાધિપતિ પ. પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ. સા.ના આજ્ઞા આશીર્વાદથી પ. પૂ. આ. શ્રી મુક્તિવલ્લભસૂરિ મ. સા.ના શિષ્યરત્ન પ. પૂ. પં. શ્રી વીતરાગવલ્લ્ભ વિજયજી મ. સા. નું ચાતુર્માસ ચાલી રહ્યું છે.
ચાતુર્માસ દરમિયાન સિદ્ધાંત દિવાકર શ્રી જયઘોષસૂરિ મહારાજાના આલંબનથી શ્રી સંઘમાં સામૂહિક ભદ્રતપનું આયોજન મૂકવામાં આવ્યું.
100 દિવસના આ તપમાં 75 ઉપવાસ તથા 25 બિયાસણાં આવે. અત્યંત કઠીન અને અતિદીર્ઘ આ તપ છે.
209 આરાધકોએ આ આરાધનામાં જોડાઈને તપ વિશ્વમાં એક અનેરો ઈતિહાસ સર્જ્યો છે. સહુ તપસ્વીઓની તપશ્ચર્યાના પૂર્ણાહુતિ અવસરે પંચાન્હિકા મહોત્સવનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ દિવસ આ અનુઠા અનુષ્ઠાનો દ્વારા તપધર્મની શ્રેષ્ઠ અનુમોદના થશે. 209 તપસ્વીઓની 100 દિવસની વિરાટ તપશ્ચર્યાનો ઐતિહાસિક પારણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
–અતુલકુમાર વ્રજલાલ શાહ



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































