સંસ્કાર સિંચનનો મહાકુંભ અંતર્ગત “ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા – 2025” ઇનામ વિતરણ સમારોહ યોજાશે
તા. 28-3-2025, શુક્રવાર સમય: સાંજે 4:45 કલાકે સ્થળ: અપર ઓડિટોરિયમ, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગર સંસ્કાર સિંચનનો મહાકુંભ અંતર્ગત “ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા – 2025” ઇનામ વિતરણ સમારોહ યોજાશે.
ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને “સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન” દ્વારા આયોજિત “ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા – 2025″ એ યુવા પેઢીને સત્ય સનાતન ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના આચરણ માટે યુવા પેઢીને જાગૃત કરવાનો અદ્ભુત પ્રયાસ થયો. માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા શુભારંભ થયેલ આ સ્પર્ધાએ રાજ્યભરની સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજોના વિધાર્થીઓ માટે એક વિશિષ્ટ મંચ પ્રદાન કર્યું હતું.
આ સ્પર્ધામાં 750 કોલેજોના 15,000 વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જે યુવા પેઢીમાં સંસ્કૃતિ અને મૂલ્યો પ્રત્યેની જાગૃતિનું જીવંત ઉદાહરણ છે. સ્પર્ધાના વિષયો, જેમ કે “ચારિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ”, “સંવિધાન @ 75:”, “યુવાનો: દેશનું ભવિષ્ય – વિકૃતિઓથી બચીને સંસ્કારો તરફ વળીએ”, “માન – મર્યાદા અને સુશીલતા: ભારતીય સંસ્કૃતિનો પાયો, અને “વિકસિત ભારત 2047: ભવ્ય ભારત – દિવ્ય ભારત”, વિધાર્થીઓને ગહન ચિંતન અને અભિવ્યક્તિની તક પૂરી પાડી હતી. વિધાર્થીઓએ પોતાની આગવી શૈલીમાં અને છટામાં વિચારો વ્યક્ત કર્યા હતા. આ સ્પર્ધા ગુજરાતના યુવાનો માટે પ્રેરણાદાયી અને જીવન પરિવર્તનનું માધ્યમ બની છે.
વિધાર્થીઓને કુશળ વક્તા બનાવવા માટે, સ્પર્ધાના વિષયો સંબંધિત નિષ્ણાતોના ઓનલાઈન વ્યાખ્યાનો પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. કોલેજ કક્ષાએ ઉત્તીર્ણ થનાર વિધાર્થીઓને “Best Speaker of College” અને ઝોન કક્ષાએ વિજેતા થનાર વિધાર્થીઓને “Sanskrutik Speaker of Gujarat’ ના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા – 2025 ની રાજ્ય કક્ષાની ફાઇનલ સ્પર્ધા 28 માર્ચ, 2025 ના રોજ સવારે 9:00 કલાકે લોઅર ઓડિટોરિયમ, નેશનલ કોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, પોલીસ ભવન રોડ, સેક્ટર-9, ગાંધીનગર ખાતે યોજાશે. જેમાં “Best Sanskrutik Speaker of Gujarat’ નો એવોર્ડ માનનીય મુખ્યમંત્રીશ્રી, માન. કેબિનેટ મંત્રીશ્રી, માન. રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, માન. અધિક મુખ્ય સચિવશ્રી, શ્રી ઉદય માહુરકરજી, સંસ્થાપક, સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન, ડો. જે. એમ. વ્યાસ, કુલપતિશ્રી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને ગણમાન્ય અતિથીઓની ઉપસ્થિતિમાં સાંજે 4:45 કલાકે અપર ઓડિટોરિયમ, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, પોલીસ ભવન રોડ, સેક્ટર-9, ગાંધીનગર ખાતે યોજાશે.
ઝોન કક્ષાએ વિજેતા થયેલા વિધાર્થીઓને માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે સાંસ્કૃતિક સંવાદ કરવાનો વિશેષ અવસર પ્રાપ્ત થશે. આ ઉપરાંત, જે કોલેજોમાંથી સૌથી વધુ વિધાર્થીઓએ ટકાવારીના આધારે ભાગ લીધો હતો, તેવી પ્રથમ 10 કોલેજોના આચાર્યશ્રીઓ અને કો-ઓર્ડિનેટર્સને પ્રશસ્તિ પત્રો દ્વારા સન્માનિત કરવામાં આવશે. ‘સંસ્કાર સિંચનનો મહાકુંભ” અંતર્ગત ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા – 2025ના ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમારોહમાં ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને “સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન” દ્વારા સૌને પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































