અનંત અંબાણીના જન્મદિન નિમિતે સદભાવના વૃદ્ધાશ્રમને ₹51 લાખનું યોગદાન, અનંત સત્સંગ હોલનું નિર્માણ કરાશે

રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ માટે અનંત સેવા
સમાજસેવા અને માનવતાના ક્ષેત્રમાં એક પ્રેરણાદાયક પહેલ રૂપે, 9 એપ્રિલ 2026ના રોજ શ્રી અનંતભાઈ અંબાણીના 31મા જન્મદિન નિમિત્તે સદભાવના વૃદ્ધાશ્રમ, રાજકોટ ખાતે “અનંત સેવા” તરીકે વિશેષ યોગદાન આપવામાં આવ્યું છે. આ અવસર પર રાજકોટના જામનગર રોડ ખાતે આવેલ વિશ્વના સૌથી મોટા “વિનુભાઈ બચુભાઈ નાગ્રેચા પરિસર” સદભાવના વૃદ્ધાશ્રમમાં “અનંત સત્સંગ” હોલના નિર્માણ માટે ₹51 લાખનું યોગદાન આપવામાં આવ્યું છે, જે વડીલો માટે આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
શ્રી અનંતભાઈ અંબાણી વડીલો પ્રત્યે વિશેષ આદર અને ભાવના ધરાવે છે. તેમના આ યોગદાન પાછળ નિસ્વાર્થ સેવા, કરુણા અને માનવતાના મૂલ્યો પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા વ્યક્ત થાય છે. આ સેવા કાર્ય દ્વારા વડીલોના જીવનમાં માન, સન્માન અને આધ્યાત્મિક સમૃદ્ધિ વધારવાનો ઉમદા પ્રયત્ન કરવામાં આવ્યો છે.
શ્રી અનંતભાઈ અંબાણી પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ કરુણાભર્યું હૃદય ધરાવે છે અને તેમના કલ્યાણ માટે સતત કાર્યરત છે. તેમણે ‘વંતારા’ જેવી વિશાળ પ્રાણી સંરક્ષણ પહેલ દ્વારા હજારો ઘાયલ, બીમાર અને ત્યજી દેવાયેલા અબોલ જીવોનું રેસ્ક્યૂ, સારવાર અને પુનર્વસન કરવાની ઉત્તમ વ્યવસ્થા ઉભી કરી છે. અહીં આધુનિક હોસ્પિટલ, નિષ્ણાંત ડોક્ટરો અને શ્રેષ્ઠ સારવાર સુવિધાઓ દ્વારા પ્રાણીઓને નવું જીવન આપવામાં આવે છે.
ગૌમાતા સહિત વિવિધ પ્રાણીઓની સેવા માટે તેઓ ગૌશાળાઓને પ્રોત્સાહન આપે છે અને પર્યાવરણ તથા જંગલી પ્રાણીઓના સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેઓ માનવે અને પ્રાણીઓ વચ્ચેના સહઅસ્તિત્વમાં માને છે અને સમાજમાં કરુણા, દયા અને જવાબદારીનો સંદેશ ફેલાવે છે. તેમની પહેલ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ પ્રેરણાસ્ત્રોત બની રહી છે.
સદભાવના વૃદ્ધાશ્રમ છેલ્લા એક દાયકાથી પર્યાવરણ સંરક્ષણ, સામાજિક સેવા અને માનવ કલ્યાણના ક્ષેત્રમાં સક્રિય રીતે કાર્યરત છે. સંસ્થાએ ગુજરાતભરમાં અત્યાર સુધી 1 કરોડ 40 લાખથી વધુ વૃક્ષોનું રોપણ અને સંરક્ષણ કર્યું છે. વૃક્ષોની સંભાળ માટે સંસ્થા પાસે 700 પાણીના ટ્રેક્ટર ટેન્કર તથા 3500 જેટલો સમર્પિત સ્ટાફ કાર્યરત છે. રાજકોટ-જામનગર હાઇવે, પડધરી પાસે, મોટા રામપર ખાતે આવેલ “વિનુભાઈ બચુભાઈ નાગ્રેચા પરિસર” સદભાવના વૃદ્ધાશ્રમ અત્યંત વિશાળ અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેમાં 1400 રૂમની વ્યવસ્થા છે અને ભવિષ્યમાં 5000થી વધુ નિરાધાર, નિઃસંતાન અને પથારીવશ વડીલોને આશ્રય આપવામાં આવશે. આ પરિસરમાં 7 ટાવર બનાવવામાં આવશે, જેમાં દરેક ટાવર 11 માળનો છે, જેથી દરેક વડીલને પૂરતી જગ્યા, સુવિધા અને સંભાળ મળી રહે.
શ્રી અનંતભાઈ અંબાણી દ્વારા આપવામાં આવેલું આ યોગદાન માત્ર આર્થિક સહાય પૂરતું નથી, પરંતુ તે વડીલો પ્રત્યેના સન્માન, આધ્યાત્મિક જીવનના મહત્વ અને સમાજસેવા પ્રત્યેની ઊંડી લાગણીનું પ્રતિબિંબ છે.








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































