#Blog

સરદાર પટેલના 151માં જન્મ જયંતી વર્ષમાં ગીરગંગા 151 તળાવો-ચેકડેમોનું નિર્માણ કરશે

સમાજ શ્રેષ્ઠિઓ અને દાતાઓના સહયોગથી પ્રોજેક્ટ પૂર્ણ કરાશે

કંપનીઓને પણ આર્થિક હૂંફ માટે ગીરગંગાના પ્રમુખ દિલીપભાઈ સખીયાની અપીલ

કુદરતે આપેલા સંસાધનોના અવિવેકપૂર્ણ ઉપયોગથી ધીમે ધીમે બધું ખતમ થતું જાય છે. સૃષ્ટિ સાથે માણસની ક્રૂરતાપૂર્ણ વર્તણૂકથી નવી નવી સમસ્યાઓ સર્જાય છે. પાણીનો પણ અવિવેકપૂર્ણ ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે હવે જળસંચય અને જનજાગૃતિ અનિવાર્ય છે. પાણીના વેડફાટને પરિણામે સૌરાષ્ટ્ર ઉપરાંત ઉતર ગુજરાતની પાણીની સમસ્યા વધુ ગંભીર બની રહી છે અને પાણી અને પર્યાવરણ બચાવવાનો કોઈ વિકલ્પ નથી ત્યારે જળસંચય માટે 1,11,111 સ્ટ્રક્ચર તૈયાર કરવા માટે સંકલ્પિત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના 151માં જન્મ જયંતી વર્ષના ભાગરૂપે 151 ચેકડેમો- તળાવોનું નિર્માણ કરવામાં આવનાર છે
સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પૂરતો વરસાદ પડે છે, પરંતુ મુશ્કેલી એ છે કે, આ વરસાદનું 80 ટકા પાણી જળસંચયની વ્યવસ્થાના અભાવે દરિયામાં વહી જાય છે અને પરિણામ સ્વરૂપ સૌરાષ્ટ્રએ પાણી હોવા છતાં નર્મદાના નિર પર નિર્ભર રહેવું પડે છે. એક સમયે સૌરાષ્ટ્રની જમીનમાં 50 ફુટ ઊંડે પાણી હતા તે પાણીના તળ હવે એક થી બે હજાર ફૂટ ઊંડે જતા રહ્યા છે. ત્યારે દરિયામાં વહી જતા પાણીનો સંચય કરવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અનેકવિધ અભિયાન ચલાવવામાં આવે છે. આ અભિયાનના ભાગરૂપે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને દેશનું એકીકરણ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલને અંજલી રૂપે 151 ચેક ડેમો-તળાવ તૈયાર કરવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે, જળસંચય માટેના ચેકડેમ રીપેરીંગ, ઉંચા, ઊંડા તેમજ નવા ચેક ડેમો બનાવવા, બોર-કુવા રિચાર્જ, ખેત તલાવડી, સોર્સ ખાડા જેવા 1,11,111 જળ સ્ટ્રકચર તૈયાર કરવાના ગીરગંગાના સંકલ્પ પૈકી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં 8,150 જેટલા સ્ટ્રકચરો કાર્યાન્વિત થઈ ચૂક્યા છે. આ અભિયાનની સાથે સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર 151 તળાવો-ચેક ડેમો સરદાર વલ્લભભાઈની 151માં જન્મ જયંતીના એક જ વર્ષમાં તૈયાર કરવામાં આવશે.
દરમિયાન, ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ આ નવા પાણીના સ્ટ્રકચરો તૈયાર કરવા માટે સમાજ શ્રેષ્ઠિઓ અને દાતાઓને તન, મન અને ધનથી આર્થિક સહયોગ માટે આગળ આવવા અપીલ કરી હતી. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના ધરાવતી અનેક કંપનીઓ છે. આ કંપનીઓ પણ પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે આ વિરાટ કાર્યમાં આર્થિક રૂપે મદદરૂપ બનશે.
પાણી માત્ર વપરાઈ રહ્યું છે, તેને બચાવવામાં આવતું નથી. વાસ્તવમાં અનેક મોટા ડેમો કરતા પણ જળસંચય માટેની નાની નાની વ્યવસ્થાઓમાં ઓછા ખર્ચે પાણીની વધુ સંગ્રહશક્તિ છે અને જળસંચય માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા સ્વીકારવામાં આવેલ ચાર મોડેલોમાંથી ગીરગંગાનું જળસંચય મોડલ અગ્રસ્થાને છે. વાસ્તવિકતા એ છે કે, ધનથી પાણી નહીં બચાવી શકાય. પાણી બચાવવા માટે જળસંચય અનિવાર્ય છે ત્યારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટની જળસંચય ઝુંબેશમાં તમામ નાગરિકોએ સહયોગ કરવો એ સમયની માંગ છે.
આ કાર્યને વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, જેન્તીભાઈ સરધારા, શૈલેશભાઈ જાની, વિરાભાઈ હુંબલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, વસંતભાઈ લીંબાસીયા, પપ્રકાશભાઈ ભાલાળા, આશિષભાઈ વેકરીયા, શૈલેશભાઈ ભીમાણી, સંજયભાઈ ટાંક, સુરેશભાઈ દેસાઈ, ડૉ, દેવાંગીબેન મૈયડ, ગીરીશભાઈ દેવળિયા, કૌશિકભાઈ સરધારા વગેરે લોકોજહેમત ઉઠાવી રહયા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *