#Blog

16 સપ્ટેમ્બર, “વર્લ્ડ ઓઝોન ડે” 

  • ઓઝોન બચાવો, ઓઝોન આપણને બચાવશે.

“વર્લ્ડ ઓઝોન ડે”ની ઉજવણી ઓઝોન સ્તરની જાળવણી અંગેની જાગૃતિ ફેલાવવા માટે થાય છે. પૃથ્વીથી લગભગ 30 કિમીની ઊંચાઈએ ઓઝોન ગેસનું એક પાતળું પડ હોય છે, જેને ઓઝોન લેયર (Ozone Layer) કહે છે. ઓઝોનનું આ પડ સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોત્સર્ગને (Ultra Violate Rays) અવશોષિત કરે છે. જો આ રેડિએશન ધરતી પર સીધું જ પહોંચે તો તે મનુષ્ય સહિત સમગ્ર જીવસૃષ્ટિ માટે અત્યંત નુકસાનકારક સાબિત થઈ શકે છે. મોટાભાગના વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વી અને સૂર્યની વચ્ચે જો ઓઝોનનું લેયર ન હોય તો આ પૃથ્વી પર જીવનનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જાય. ઓઝોન લેયર વગર ધરતી પરનું જીવન ખૂબ જ પ્રભાવિત થાય. પૃથ્વી પર રહેતા લોકો, જીવસૃષ્ટિ અને પ્રાણીઓ તમામનો સર્વનાશ થઈ જાય. આટલું જ નહીં, ઋતુઓ પણ અનિશ્ચિત થઈ શકે જેમકે શિયાળા કરતા ઉનાળો લાંબો થઈ જાય, શિયાળો પણ ગમે ત્યારે આવી જાય, પૃથ્વી પર રહેલી હિમશીલાઓ ઓગળી જાય તો વારંવાર ત્સુનામીની સમસ્યાઓ પણ સર્જાય શકે છે. 

ઓઝોનનાં લેયરમાં પડેલા હોલ્સને ‘ઓઝોન હોલ્સ’ (Ozone Holes) કહે છે. વર્ષ 1985માં સૌ પ્રથમ વખત ઓઝોન હોલ્સ અંગે વિશ્વને જાણ થઈ હતી ત્યારપછી સમગ્ર વિશ્વમાં ઓઝોનનાં લેયરમાં પડી રહેલા હોલ્સને બચાવવા માટે વિવિધ સ્તરે પ્રયાસો થઈ રહ્યાં છે. કેમિકલ ફેક્ટરીઓમાંથી નીકળતો ઝેરી ગેસ, વાહનોનું પ્રદૂષણ સહિત અનેક કારણોનાં લીધે ઓઝોનનું લેયર સતત પાતળું થઈ રહ્યું છે. ઓઝોનના સ્તરમાં થઈ રહેલા આ નુકસાનને બચાવવા માટે અનેક દેશોમાં મોટી-મોટી ફેક્ટરીઓને બંધ કરી દેવાઈ છે સાથે જ સમગ્ર વિશ્વમાં સામૂહિક રીતે ઓઝોનનું લેયર બચાવવા માટે પ્રયાસો થઈ રહ્યાં છે. ઓઝોનને પૃથ્વીનું કુદરતી સુરક્ષા કવચ પણ કહે છે. જુદા જુદા ઇલેક્ટ્રિક સાધનો જેવા કે રેફ્રીજરેટર, એસી અને સુગંધી સ્પ્રેમાં વપરાતો ક્લોરોફ્લોરો કાર્બન ઓઝોનને સૌથી વધુ નુકસાન કરે છે.

કેટલીક રીસર્ચ અનુસાર વર્તમાન સમયમાં જ ઓઝોન સ્તરમાં ગાબડાં પડવાની શરૂઆત થઈ ચુકી છે. તેની પાછળ માણસનું બેપરવાહ વર્તન જ જવાબદાર ગણી શકાય. બિનજરૂરીરીતે ટેકનોલોજીનો વધુ પડતો ઉપયોગ,  જુદા જુદા કેમિકલ્સ અને ધુમાડા દ્વારા થતું વાયુ પ્રદૂષણ, વારંવાર થતું વૃક્ષ છેદન વગેરેનાં કારણે પરિસ્થિતિ વણસી રહી છે. જો હવે જાગૃતિ રાખવામાં નહી આવે તો પૃથ્વીનો અંત નજીક જ છે, કોરોનાકાળરૂપે તો કુદરતે પોતાનું વિફરેલું સ્વરૂપ બતાવી જ દીધું હતું, હવે આથી વધુ તો ક્યા દાખલાઓ આપણને જાગૃત કરી શકશે ! ઓઝોન બચાવો, ઓઝોન આપણને બચાવશે.                                                                                                                

–   મિત્તલ ખેતાણી(મો. 98242 21999)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *