ગાયનું છાણ બની શકે છે, આજીવિકાનું સાધન
ખૂબ જ સામાન્ય અને કોઈ પણ જાતની કિંમત ચૂકવ્યા વિના સહેલાથી મળી રહેતા ગાયના છાણમાંથી વિવિધ વસ્તુઓ બનાવી સારી એવી આવક ઊભી થઈ શકે છે. ગામડા અને શહેરોમાં કોઈ પણ જગ્યાએ છાણમાંથી ટાઇલ્સ બનાવી તેનો ઉદ્યોગ શરૂ કરી શકાય છે. સામાન્ય રીતે ગામડાઓમાં ખેડૂતોનાં ઘરમાં ગાયનાં છાણની ઉપયોગ અનેક રીતે કરતા જોવા મળે છે, લોકો ચુલ્લા અને ઘરને લીપવા માટે પણ તેનો ઉપયોગ કરે છે.પરંતુ તેમાંથી ટાઇલ્સ બનાવી સારી એવી આવક રોજગાર પણ મેળવી શકાય છે. રસાયણો અને પ્રદૂષણમુક્ત હોવાની સાથે સાથે તેનો બીજો ફાયદો એ છે કે, ખૂબ જ ઓછા ખર્ચ સાથે આ વ્યવસાય શરૂ કરી શકાય છે. આ ઉપરાંત છાણમાંથી મૂર્તિ, કલાકૃતિ, ચપ્પલ, મોબાઈલ કવર, ચાવી રિંગ જેવી અન્ય વસ્તુઓ પણ બનાવી શકાય છે. ગાયનાં છાણમાંથી ટાઇલ્સ બનાવવા માટે છાણને બે દિવસ સુધી તડકામાં સૂકવી અને મશીનમાં તેનો ભુક્કો તૈયાર કરવામાં આવે છે. સાથે તેમાં ચંદન પાઉડર, કમળ અને નીલગીરીનાં પાનનું મિશ્રણ કરી પેસ્ટ બનાવી અલગ અલગ આકારમાં ઢાળવામાં આવે છે. આ ટાઇલ્સ બનાવવામાં માટે જરૂરી સામગ્રી ઠંડક પ્રધાન હોવાથી ઘરમાં લગાવવાથી ગરમીના દિવસોમાં તાપમાન ૬ થી ૮ સેલ્સિયસ બહારનાં તાપમાન કરતા ઓછું થઈ જાય છે અને આસપાસનું વાતાવરણ પણ શુદ્ધ રહે છે.
આ ઉપરાંત ઠંડક પ્રદાન કરતી અન્ય સામગ્રી પણ ઉપયોગમાં લઇ શકાય છે. આ ટાઇલ્સ પર ખુલ્લા પગે ચાલવાથી ઠંડક મળે છે અને શરીરને અનુરૂપ તાપમાન પણ મળે છે. એક ફૂટ એરિયામાં જોઈતી ટાઇલ્સની કિંમત 15 થી 20 રૂપિયા હોય છે. ગોબર ટાઈલ્સ માનવશરીર માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. તેને ઘરમાં લગાવવાથી પ્રદૂષણમુક્ત હવા મેળવી શકાય છે. ઉનાળાની મૌસમમાં ખુલ્લા પગે તેના પર ચાલવાથી શરીરને અનુકૂળ તાપમાન મળી રહે છે, જેને કારણે વીજળીને પણ બચત થાય છે. શહેરમાં વસવાટ કરીને પણ ગામમાં રહેવા જેવી અનુભૂતિ તેના થકી શક્ય છે. દેશી ગાયની પ્રજાતિનું સંરક્ષણ કરવા માટે આ પ્રકારનો વ્યવસાય શ્રેષ્ઠ છે, જેને શરૂ કરવા માટે આશરે 50 હજાર કે 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવે છે. કારખાનું સ્થાપવા માટે જો આપની પાસે જગ્યા ના હોય તો જગ્યા લેવાની રહે છે અને ઓર્ડર મુજબ લોકોની માગણી પ્રમાણે બનાવી ઉદ્યોગ શરૂ કરી શકાય છે. ખૂબ નજીવા એવા ખર્ચ સાથે અને ઓછા સમયમાં આવક મેળવી શકાય છે. આ કાર્યથી ગામડાઓમાં રહેતા ખેડૂતોને પણ આજીવિકા મળી રહે છે. ધંધાદારી વ્યક્તિ અગર પુરતા માર્કેટિંગ સાથે પોતાનો વ્યવસાય ચલાવી શકે તો ગાયના છાણ-ગોબરમાંથી ફક્ત એક વર્ષની અંદર જ લાખોપતિ બનવું સંભવ છે.