#Blog

“ગૌસેવા, સમગ્ર વિકાસ અને રાષ્ટ્રસેવાને સંકલ્પિત: ડૉ. વલ્લભભાઇ કથીરિયાનો 30 નવેમ્બરના રોજ જન્મદિવસ”

30 નવેમ્બરે ડૉ.વલ્લભભાઇ કથીરિયાનો જન્મદિવસ એટલે જેઓનું જીવન રાષ્ટ્રપ્રેમ, સાદગી, શિસ્ત, સેવા, સંસ્કાર, સંગઠન, વૈજ્ઞાનિક વિચારશક્તિ અને અખંડ પરિશ્રમ અને આધ્યાત્મનો સંગમ. અમદાવાદની બી. જે. મેડીકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ અને એમ.એસ.ની (સર્જરી) ડીગ્રી મેળવી કેન્સર સર્જરીના નિષ્ણાંત તરીકે રાજકોટમાં પ્રમાણિક, ઉમદા અને કર્મયોગી સર્જન તરીકે ખ્યાતી મેળવી. એક પ્રખ્યાત કેન્સર સર્જન તરીકે હજારો દર્દીઓને સારવાર કરી વર્ષો સુધી અવિરત સેવાકાર્ય કર્યું, જે પાછળથી તેમની રાજકીય, સામાજિક અને પ્રશાસનિક યાત્રામાં વધુ શક્તિરૂપે પ્રગટ થયું. રાજકોટ લોકસભાના સાંસદ તરીકે લોકતંત્રના રાષ્ટ્રીય મંચ પર પહોંચ્યા પછી તેમણે ખેડૂતો, ગૌ પાલકો, ગ્રામ્ય વિકાસ, યુવાનો, સ્વદેશી ઉદ્યોગો, પર્યાવરણ અને સંસ્કૃતિ જેવા વિષયોના સકારાત્મક ઉકેલમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી. ભારત સરકારમાં ભારે ઉદ્યોગ અને જાહેર ઉપક્રમ વિભાગના રાજ્યમંત્રી તરીકે તેમણે ઔદ્યોગિક વિકાસમાં નવા વિચારો, રોકાણ અને પબ્લિક એન્ટરપ્રાઇઝ સુધારણા જેવા ક્ષેત્રોમાં નિર્ણાયક ભૂમિકા ભજવી. રાજકારણ અને પ્રશાસનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન પછી ડૉ. કથીરિયાનું જીવન એક બીજા વિશાળ અધ્યાયથી ચિહ્નિત છે તે છે, “ગૌસેવા અને ગૌઆધારિત અર્થવ્યવસ્થા”. માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડૉ. કથીરિયાની ગુજરાતની ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની કામગીરીથી પ્રભાવિત થઈને સમગ્ર દેશમાં ગૌસેવાની પ્રવૃતિનો વ્યાપ વધે તે માટે માન.શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય કામધેનુ આયોગ બનાવી અલગ બજેટ ફાળવી રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન પદે ડો. કથીરિયાને નિયુક્ત કર્યા હતા. તેમણે દેશવ્યાપી ગૌરક્ષા, ગૌવંશ સુધારણા, ૫૦ થી વધુ જેવી ભારતીય નસ્લોના વૈજ્ઞાનિક સંવર્ધન, ગૌ શિક્ષણ, ગૌચર વિકાસ, ગૌશાળા પ્રબંધન, પંચગવ્ય સંશોધન અને ગ્રામ્ય રોજગારીના નવા આયામો આપતા અનેક આયોજનાત્મક કાર્યક્રમો શરૂ કર્યાં. “કામધેનુ દિવાળી અભિયાન” દ્વારા શરૂ થયેલી ગોબર ક્રાંતિ (બ્રાઉન રિવોલ્યુશન) દ્વારા સમગ્ર દેશમાં ગોબરથી બનેલા દીવા, ધૂપ, હવન સામગ્રી, પંચગવ્ય આધારિત ઔષધિઓ અને ઘરગથ્થુ ઉત્પાદનોને લોકપ્રિય બનાવી હજારો ગ્રામ્ય મહિલાઓ અને યુવાનો માટે આવકના નવા સ્ત્રોતો પ્રશસ્ત કર્યા. ગૌસેવાના કાર્યોને તેમણે ભાવના કે ધાર્મિક પરંપરાના પરિમાણોથી સમેત વૈજ્ઞાનિક, આર્થિક, પર્યાવરણપ્રિય અને આત્મનિર્ભર ભારતના કેન્દ્રસ્થિત સ્તંભ તરીકે મજબૂત કર્યા. “ગૌ સેવા દ્વારા રાષ્ટ્ર સેવા”ના કાર્યને વધુ મૂર્ત સ્વરૂપ આપવાના હેતુથી તેમણે Global Confederation of Cow Based Industries (GCCI)ની સ્થાપના કરી, જે આજે વૈશ્વિક સ્તરે ગૌઆધારિત ઉદ્યોગો, કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ, પ્રાકૃતિક ખેતી, બાયોઍનર્જી, ગૌશાળા મેનેજમેન્ટ, કાઉ ટુરિઝમ, પ્રોડક્ટ ઇનોવેશન, સંશોધન અને તાલીમના આગવા મંચ તરીકે કાર્યરત છે.
Charity Begins at Home ના પુરસ્કર્તા ડો.વલ્લભભાઈ કથીરિયા સ્વયં ૧૩૪ વાર રક્તદાન કરી યુવાનોના પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. રક્તદાન, અંગદાન, દેહદાનની પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરી રહ્યા છે. તેમના સાંસદકાળ દરમ્યાન ગામડે ગામડે ચેક ડેમ બંધાવી, સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાનો સમગ્ર સૌરાષ્ટ્રમાં વ્યાપ કરી “ચેક ડેમ સાંસદ”નું બિરૂદ પામ્યા છે.
“સેવા પરમો ધર્મ”ને જીવનમાં આત્મસાત કરી સદ્ભાવના હોસ્પિટલ ટ્રસ્ટ – મહુવા, વિપશ્યના ટ્રસ્ટ, શ્રી અરવિંદભાઈ મણીયાર જન કલ્યાણ ટ્રસ્ટ, વસુંધરા ટ્રસ્ટ, GCCI, પાટણવાવ શીશુ મંદિર સહિત અનેક ટ્રસ્ટોમાં વર્ષોથી વિવિધ સામાજીક, આરોગ્ય વિષયક, શૈક્ષણિક, ધાર્મિક, રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સેવા કાર્યોમાં અગ્રેસર ભૂમિકા અદા કરી રહ્યા છે.
બાળપણથી R.S.Sના નિષ્ઠાવાન પ્રતિજ્ઞિત સ્વયંસેવક તરીકે સંઘમાં સંઘચાલક સુધીની જવાબદારીઓ અદા કરી, ભાજપમાં જીલ્લા પ્રમુખ, પ્રદેશ મંત્રી અને રાષ્ટ્રીય કારોબારીના સદસ્ય તરીકે વિવિધ રાજયોમાં ચૂંટણી પ્રવાસો અને શ્રી અટલ બિહારી વાજપાઈની કેન્દ્ર સરકારમાં ઉદ્યોગ, શિક્ષણ અને આરોગ્ય મંત્રી તરીકે શ્રેષ્ઠ કાર્યો કરી લોકચાહના મેળવી છે. રાજકોટમાંથી સતત ૦૪ વખત સાંસદ તરીકે ચૂંટાવાનો રેકોર્ડ ધરાવે છે. તેમજ ૧૯૭૭ નો રામવિલાસ પાસવાન સૌથી વધુ મતોના માર્જિનથી ચૂંટાવાનો રેકોર્ડ ૧૯૯૮ માં તોડી અટલજીના હાથે સન્માન પ્રાપ્ત કરેલ. ૧૯૭૫-૭૭ ની કટોકટી દરમિયાન જેલવાસ પણ ભોગવ્યો છે. નવનિર્માણ આંદોલનની જે.પી. મુવમેન્ટમાં જોડાવાનું સદભાગ્ય પણ ડો. કથીરિયા ધરાવે છે. વ્યક્તિગત સ્તરે તેઓ અધ્યાત્મપ્રવૃત્ત, વિપશ્યના સાધક અને સાદગીના પ્રતિનિધિ છે. તેમનો જીવનમંત્ર છે. “Nothing but Hard Work Succeeds”
ડો. વલ્ભભાઈ કથીરિયાના ધર્મ પત્નિ કાન્તાબેન પણ સામાજીક ક્ષેત્રે અગ્રેસર રહી ડો.કથીરિયાની સેવા પ્રવૃતિમાં નિમિત્ત બની રહ્યા છે. તેઓ રાષ્ટ્ર સેવિકા સમિતિનાં સૌરાષ્ટ્ર પ્રાંતનાં સંપર્ક પ્રમુખ અને મહિલા સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજીકા તરીકે કાર્યરત છે. ડો. કથીરિયાના સુપુત્રી ડો. નિષ્ઠા અમદાવાદની ડેન્ટલ કોલેજમાં એન્ડોડેન્ટીસ્ટ સર્જરીના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ તરીકે સેવા આપી રહ્યા છે, તો જમાઇ ડો. કિરણ પટેલ સમગ્ર ગુજરાતમાં ફૅસિયો – મેકશ્રીલરી ઈમ્પલાંટ સ્પેશ્યાલીસ્ટ તરીકે અગ્રેસર છે. ડો. કથીરિયાના સુપુત્ર ડો. આત્મન રેડીયોલોજીસ્ટ અને પુત્રવધુ ડો. ઘટના પેથોલોજીસ્ટ તરીકે “નીયો ડાયગ્નોસ્ટીકસ” નામે રાજકોટમાં અધતન સેન્ટર ચલાવી માનવ સેવાના યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે.
ડો.કથીરિયાનું સમગ્ર જીવન રાષ્ટ્રીય મૂલ્યો, આધ્યાત્મિક ઊંચાઇ, પ્રશાસનિક દક્ષતા, વૈજ્ઞાનિક સમાજઉદાત દૃષ્ટિકોણ અને ગ્રામ્ય ગૌઆધારિત અર્થવ્યવસ્થાની પુનઃસ્થાપનશક્તિનું અનોખું સંકલન છે, ૨૧મી સદીના “મહાન, ગૌરવશાળી અને દિવ્ય ભારત”ના લક્ષ્યને સાકાર કરવા કર્મશીલ ડો.કથીરિયા ને જન્મદિનની શુભકામનાઓ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *