7 ડિસેમ્બર: સશસ્ત્ર સેના ધ્વજ દિવસ

ભારતમાં દર વર્ષે 7 ડિસેમ્બરના દિવસે “સશસ્ત્ર સેના ધ્વજ દિવસ” ઉજવે છે. દેશની સરહદો પર રાષ્ટ્રની સુરક્ષા માટે સત્તત કાર્યરત સૈનિકો, પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનોના ઉત્તમ બલિદાનને સન્માન આપવા અને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવા માટે આ દિવસની ઉજવણીનું વિશેષ મહત્ત્વ છે. આ અવસરે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે, જેમાં સેનાના બલિદાન અને સમર્પણ માટે આદર પ્રગટ કરવામાં આવે છે.
સશસ્ત્ર સેના ધ્વજ દિવસ દેશભરમાં ઉત્સાહપૂર્વક અને ગૌરવપૂર્વક ઉજવવામાં આવે છે. રાજકોટ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં સરકાર દ્વારા આયોજન કરાયેલા કાર્યક્રમોમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ તથા વર્તમાન સૈનિકોને માન આપવામાં આવશે. જિલ્લા સ્તરે સૈનિક કલ્યાણ બોર્ડ, એન.સી.સી., શાળાઓ–કૉલેજો, સામાજિક સંસ્થાઓ અને નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લઈને જનજાગૃતિ ફેલાવવામાં આવે છે.
સશસ્ત્ર સેના ધ્વજ દિવસનો મુખ્ય હેતુ માત્ર એક ઉજવણી નહીં પરંતુ રાષ્ટ્ર સામે સૈનિકોની ફરજ, વીરતા અને બલિદાનની યાદ અપાવતો અને નાગરિકોને તેમની ફરજો પ્રત્યે સતર્ક કરતો મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય શહીદોના પરિવારજનોને સહાય પહોંચાડવી, યુદ્ધમાં ઘાયલ અને વિકલાંગ થયેલ સૈનિકોના પુનર્વસન માટે નાણાકીય સહકાર એકત્રિત કરવો, નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ માટે યોજનાઓને મજબૂત બનાવવા જનજાગૃતિ લાવવી, નાગરિકોમાં રાષ્ટ્રરક્ષાપ્રત્યે ગૌરવભાવ વધારવાનો દિવસ છે.
સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી એ સૈનિક પરિવારજનોને માત્ર આર્થિક સહાય આપવા નહીં પરંતુ તેમના પ્રત્યે રાષ્ટ્રનો આભાર વ્યક્ત કરવાની પણ પાવન પરંપરા છે. સૈનિકો માટેનો આ ભાવનાત્મક આધાર રાષ્ટ્રની એકતા અને સુરક્ષાનું પ્રતિબિંબ છે.
- મિત્તલ ખેતાણી(મો. 70692 21999)









































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































