ગત શનિવારે જેટકો, પી.જી.વી.સી.એલ અને યુ.જી.વી.સી.એલ દ્વારા ગીરગંગાને અપાયા નવા હિટાચી મશીનો
1,11,111 જળસંચય સ્ટ્રકચરો તૈયાર કરવામાં સંસ્થાના સંકલ્પમાં આવશે ગતિ
કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં તાજેતરમાં મળેલ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળ સંમેલન અને 12 નવા ટાટા હિટાચી મશીનોના લોકાર્પણ પ્રસંગે આ તમામ હિટાચી મશીનોના પૂજનના 12 દાતાઓએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળસંચયના કાર્યોથી પ્રભાવિત થઈને સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ગીરગંગાને 1,08,000 રૂપિયાના સહયોગની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ જળસંચય માટે ચેકડેમ રીપેરીંગ, ઊંચા, ઊંડ, નવા બનાવવા તેમજ બોર-કુવા રિચાર્જ, ખેત તલાવડી, સોર્સ ખાડા વગેરેને લગતા 1,11,111 સ્ટ્રકચરોના કાર્યો પૂરા કરવાના સંકલ્પ સાથે કાર્યરત સંસ્થા છે. આ સંસ્થાને ગત શનિવારે કાલાવડ રોડ સ્થિત પેરેડાઇઝ હોલ ખાતે રાજકીય મહાનુભાવો અને સમાજ શ્રેષ્ઠિઓની ઉપસ્થિતિમાં મળેલ વિશાળ જળ સંમેલનમાં જેટકો, પી.જી.વી.સી.એલ અને યુ.જી.વી.સી.એલ દ્વારા જળસંચયના કાર્યો માટે 12 નવા હિટાચી મશીનોની ભેટ આપવામાં આવી હતી. આ મશીનોની પૂજન વિધિમાં (૧) શ્રી હરીશભાઈ ભલાણી અને પરાગભાઈ ભલાણી (૨) શ્રી ગિરિરાજ હોસ્પિટલ (૩) શ્રી મુકેશભાઈ પાબારી (૪) શ્રી ફિનિક્સ રિસોર્ટ (૫) શ્રી હરીશભાઈ લાખાણી (૬) ગોપાલ નમકીનવાળા શ્રી બિપીનભાઈ હદવાણી (૭) શ્રી બાલાજી વેફર્સ- વિરાણી પરિવાર (૮) મિત બિલ્ડર્સવાળા શ્રી ભરતભાઈ પટેલ અને ધ્રુવભાઈ પટેલ (૯) શ્રી રણજિતદાન સાગરદાન ગઢવી (૧૦) શ્રી ઘનશ્યામભાઈ હીરાભાઈ તળાવિયા (૧૧) શ્રી અશોકભાઈ લશ્કરી (૧૨) શ્રી જે. પી. ભાલારા-નયનાબેન ભાલારા અને તેમના પરિવારે ઉપસ્થિત રહી હિટાચી મશીનોની પૂજન વિધિ કરી હતી. આ સમયે આ તમામ બારેય દાતાઓએ લોકસેવાના ભાગરૂપે જળસંચયની પ્રવૃત્તિમાં વધારે ગતિ આવે એવા ઉદાત હેતુથી દરેક દાતાઓએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટને 1,08,000 ના અનુદાનની જાહેરાત કરી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ, કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયા, રાજ્યના પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, કેબિનેટ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા વગેરે સહિતના રાજકીય મહાનુભાવો અને સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ આ જાહેરાતનો ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ સ્વીકાર કરીને, આ તમામ પૈસા જળસંચયના કાર્યોમાં વાપરવાનો પુનરોચ્ચાર કર્યો હતો.