લોકસાહિત્યના શ્રદ્ધાંજલિ સમારંભે ભવ્ય લોકડાયરો: સ્વ. જીતુદાન ગઢવીની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે વિશિષ્ટ વક્તાઓની હાજરી
લોકસાહિત્યના જાજરમાન જીવ એવા સ્વ. જીતુદાન ગઢવીની તૃતીય વાર્ષિક પુણ્યતિથી નિમીતે તા. 05, ફેબ્રુઆરી,બુધવારના રોજ, રાત્રે ૮-૦૦ કલાકે પ્રમુખ સ્વામી ઓડીટરીયમ હોલ, આલાપ ગ્રીનસીટીની સામે, રૈયા રોડ, રાજકોટ ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.
ડાયરામાં મેરાણ ગઢવી, અનુભા (બાવળી), જીતુ કવિ દાદ, પિયુદાન ગઢવી, નિકુલદાન ગઢવી, વિજયાબેન વાઘેલા સહિતના દેશવિદેશમાં લોક્સાહિત્ય અને ચારણી સાહિત્ય ખ્યાતનામ ધુરંધરો ડાયરામાં જમાવટ કરી લોકોને લોક્સાહિત્ય અને ચારણી સાહિત્યનું અદભૂત રસ પીરશસે. સૌને પધારવા સ્વ.જીતુદાન ગઢવીનાં પુત્ર જયદાન ગઢવીએ જાહેર આમંત્રણ આપ્યું છે.
કાયક્ર્મમાં પુરૂષોતમ રૂપાલાજી (સાંસદશ્રી રાજકોટ), દિલીપભાઈ સંઘાણી (ઈફકો, ચેરમેન), વિજયભાઈ રૂપાણી (પૂર્વ મુખ્યમંત્રી), ઉદયભાઈ કાનગડ (ધારાસભ્ય), ડો. દર્શિતાબેન શાહ (ધારાસભ્ય), નયનાબેન પેઢડીયા (મેયર- રાજકોટ), નરેન્દ્રસિંહ જાડેજા (ડેપ્યુટી મેયર), જયમીનભાઈ ઠાકર (સ્ટેન્ડીંગ ચેરમેન, રાજકોટ), નરેશભાઈ પટેલ (ખોડલધામ), શામજીભાઈ ખુંટ (પીપલ્સ કો.ઓપ. બેંકના ચેરમેન), રાજદિપસિંહ જાડેજા (રીબડા), મિતલ ખેતાણી (શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-રાજકોટ), ડો. યજ્ઞેશ જોષી (પ્રાધ્યાપક), ડો. બળવંત જાની, રામકુભાઈ ખાચર, જયેશભાઈ લોઢીયા, બકુલભાઈ સોરઠીયા (ખોડલધામ) વિગેરે ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રનાં નાના એવા ગામ વાંકાનેરમાં સ્વ.હરીસંગભાઈ તથા દોલતબાના કુખે જન્મેલ જીતુદાન ગઢવીનો જન્મ થયેલ, નાનપણથી જ લોકસાહિત્ય અને ચારણી સાહિત્યમાં રૂચી ધરાવતા, એ જમાનામાં માત્ર ૮ ચોપડીનું ભણતર પૂરું કરીને, ૧૭ વર્ષ જેટલો સમય સૌરાષ્ટ્રના જુદા-જુદા ગામડાઓમાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવી પણ તેમનો મુળ જીવ લોકસાહિત્ય અને ચારણી સાહિત્યમાં પરોવાયેલ હોવાથી આશરે ૫૦ વર્ષ પહેલા લોકડાયરાની શરૂઆત કરી સમગ્ર વિશ્વમાં ચારણી સાહિત્યને ગુંજતુ કર્યું.
સ્વ. જીતુદાન ગઢવીની વાત કરીએ તો, એક વખત સાહિત્યના ૨સ અને ભાવ વચ્ચે વઢવેડ થઈ. રસ અને ભાવ અલગ-અલગ પંથે હાલવા લાગ્યા ત્યાં અમારો લ્હેરખડો જુવાન સામો મળ્યો. અને આ રસ તથા ભાવનું સમાધાન કરાવ્યું. આ સમાધાન કરાવનારો લ્હેરખડો જુવાન ઈ અમારો જીતુદાન ગઢવી’, ગાંધી શતાબ્દિના ઉત્સવે દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવા જનારા કલાકારોમાં, ઉપરોકત રીતે રસ તથા ભાવનું સમાધાન કરાવનારા જીતુદાન ગઢવીની, આવી ઓળખ આપનારા હતા, નખ—શિખ લોકસાહિત્યકાર અને સંસ્કૃતિના પક્ષપાતી તથા પ્રખર પત્રકારિત્વની પ્રતિભા જાળવનારા જયમલ્લભાઈ પરમાર.
આજે ડાયરાનાં નામાંકિત પાંચ–સાત નામો જગજાહેર છે, પરંતુ લોકરંજક શૈલીના આ વકતાઓ પાસે સાહિત્યક મૂલ્યાંકનોનો મ્હાવરો નથી, એવા વિધાન સામે જીતુદાન ગઢવી પ્રબળ આશ્વાસન છે. આ એક જ કલાકાર પાસે લોક સાહિત્યના વિવિધ પાસા રૂપે કંઠ, કહેણી, કાવ્ય, નર્તન, અભિનય અને વિવિચન રૂપે કુદતરી વરદાન છે, જીતુદાન ગઢવીની પ્રથમ પરીચયે કોઈ દરકાર લીધેલી નહી. લગભગ ૪૫ વર્ષ પહેલા, સાહિત્ય-સંગમ રાજકોટના ઉપક્રમે ‘મુશાયરો’ હતો, તેમા શાયર તરીકે તેનું નામ લખાવવા આવેલા. લગભગ ૫૦ શાયરોના ઝમેલાના કારણે નામ લખવા ના પાડી દીધી, પરંતુ ના છૂટકે પ્રથમ દોરના છેલ્લા ‘શાયર’ તરીકે રજૂ કર્યા અને જીતુદાન ગઢવી અને તેની ગઝલ તે જમાનાના મુશાયરાનુ આવશ્યક અંગ બની ગયા. દુહા—છંદ—ગીતોના સર્જક, ગઝલ અને ગઝલના વિવિધ સ્વરૂપો ત્રિપદી–પંચપદી અને સપ્તપદી ગઝલો સર્જેલ છે. જીતુદાન ગઢવીએ સર્જક ઉપરાંત રજૂઆતની કળામા માહેર હતા. જીતુદાન ગઢવીનું બીજુ સ્વરૂપ નિહાળ્યું, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર રાજકોટના ‘વહુએ વગોવ્યાં મોટા ખોરડાં’ નાટકના મુખ્યપાત્રમાં મનસુખ જોષી (આઈ.એન.ટી.)ના દિગ્દર્શનમાં જીતુદાન ગઢવીનો કંઠ અને અભિનય ખીલ્યો. પરીણામે મુંબઈની આઈ.એન.ટી. તરફથી આમંત્રણ મળ્યું.
‘ગઢ જુનો ગિરનાર’ નાટકમાં અરવિંદ પંડયા, બાબરાજે, ઉર્મિલા ભટ્ટ, ચાંપશીભાઈ નાગડા સાથે નાટયાત્મક રીતે કેળવાયા, આ નાટક થકી જ દિગ્ગજ દિગ્દર્શક/કલાકાર પ્રવિણ જોષીના દિગ્દર્શનમાં ‘મોતી વેરાણા ચોકમાં અભિનય સાથે નાચ્યા અને ગાયા મોતી વેરાણા ચોકમાં નાટક થકી જ ગુજરાતી ચલચિત્રનાં ‘દશકા’ ના ગાળામાં અભિનય કરવાના અસંખ્ય આમંત્રણો મળ્યા હતા. પણ જીતુદાન ગઢવીનો મુળ જીવ લોક સાહિત્યનો, એટલે નાટક ચલચિત્રની ચમક–દમક છોડી, લોકસાહિત્યમાં જ જીવ પરોવ્યો, આ પ્રવૃતિના કારણે ગુજરાત રાજય આયોજીત ‘રાજય યુવા પ્રતિભા શોધ’ ના નિર્ણાયક તરીકે ઘણા વર્ષો સુધી સેવા આપી રાજય સરકારની અનેક પ્રવૃતિઓમાં જીતુદાન ગઢવી સ્થાન પામ્યા હતા.
‘ડાયરા’ ના ખ્યાતનામ (આજના ઘણાખરાં) કલાકારોને, જીતુદાન ગઢવીએ રંગમંચ આપી, પીઠબળ અને પ્રેરણા આપી. આજના ખ્યાતનામ કલાકારો જીતુદાન ગઢવીને “દાદા ભિષ્મ” તરીકે મંચ ઉપરથી સંબોધે છે. ડાયરાનું સંચાલન એ જીતુદાનનો કસબ છે, કરિશ્મા છે. જીતુદાનના સંચાલનને હજુ કોઈ આંબી શકયું હોય એવું સાંભળ્યું નથી. તરણેતરને પોતાની યુનિવર્સિટી માનનારા જીતુદાન પાસે, પોતાનું સરજાવેલું ઓડીયન્સ’ હતું અનેક માન–સન્માન પામનારા આ કલાકારને ઉપલેટા કોલેજ તરફથી પ્રિન્સીપાલ ગંભીરસિંહજીના સમયે ‘ઝવેરચંદ મેઘાણી સુવર્ણ ચંદૂક’ આપવામાં આવ્યો હતો. ઘણા વર્ષો અગાઉ પ્ર.રા. નથવાણીએ ‘દષ્ટિ’ માં લખવા માટે જીતુદાન ગઢવી પાસે કલમ ઉઠાવવા આગ્રાહ કર્યો, ભુવનેશ્વરી પીઠ, ગોંડલ તરફથી દેવિયાણ (મહાત્મા ઈશરદાસજી) ગ્રંથ બાબતે હૈયાબળ અને પીઠબળ મળ્યું હતું.
ગુજરાતી સાહિત્યમાં નહિંવત લેખાયેલો ‘નાયિકાભેદ’ લખવા જીતુદાન ગઢવીને ગુજરાત સાહિત્ય અકાદમી—ગાંધીનગર તરફથી સ્વીકારવામાં આવ્યા, આ ગ્રંથના પરામર્શક હતા ડો. હરવલ્લભ ભાયાણી. ચંડીપાઠ (દુર્ગા સપ્તશતિ)ના ૧૩ અધ્યાયો અને કિલક, કવચ, અર્ગલા સહિત ત્રણેય રહસ્યો (ચંડીપાઠના આવશ્યક પાઠ)ને લોકગીતોના ઢાળે અને ચારણ—છંદોમાં ઢાળીને લોકો સમક્ષ રજૂ કરનારા જીતુદાન ગઢવી લોકોના હૃદયમાં સદાય બીરાજમાન રહેશે.
ચારણી સાહિત્ય અને લોકસાહિત્યના મર્મી જીતુદાન ગઢવીનો દેહવીલય થયા આજે ત્રણ વર્ષ થયા, પરંપરાગત સાહિત્યના જાણતલ અને વાહતા હતા. પરંતુ તેમની આંતર ચેતનામાં કલ્પનાનો વૈભવ નિરંતર ઉછાળા મારતો હતો. જેના પરીણામે મૌલિક રચનાઓ પણ થોકબંધ આપી છે. ઉપરાંત ચારણી સાહિત્યના વિવિધ સ્વરૂપો તો લોકરચનાઓના વિશિષ્ટ અર્થઘટનો પણ લોકો સમક્ષ મૂકી ચાહક વર્ગને વિચાર કરતા મૂકી દીધા હતા. તેમની અનેકવિધ રચનાઓમાં રૂપકો, પ્રતીકો, કલ્પનો મનોહર બની વાચક ચિતના મનોજગતને, એમના ચાહક બનાવવાનું કામ કર્યું છે. વાંકાનેરના રાજ પરીવાર સાથે ધનિષ્ઠ સંબંધ રહયો. પરીવારમાં સ્વ. જશુભાઈ અને ત્રણ બહેનો, ધર્મપત્ની ધીરજબેન બારહટ્ટ (ટાપરીયા).
તા.૦૭/૦૪/૧૯૩૭ના રોજ સુરેન્દ્રનગર જીલ્લાનાં મુળી ગામમાં જન્મ થયો હતો. તેમનું વતન મોરબી જિલ્લાનું વાંકાનેર રહયું. પિતાશ્રીનું નામ હરિસિંહ ટાપરીયા અને માતુશ્રી દોલતબા, જીતુદાન નાનપણથી તેઓ ચંચળ સ્વભાવના, અને તેમની પ્રકૃતિએ કલા વૈભવને પોષવાનું કામ કર્યું હતું. ગામમાં નટ મંડળી કે ભવાઈના પ્રયોગો થતાં હોય ત્યારે કે, નવરાત્રીના દિવસોમાં માતાજીની ગરબી હોય તો તેમાં તલ્લીન બની તેને મ્હાણવાનું અને પછી તેની મૌલીક સ્વરૂપે અભિનય કરતા અને ગાન કરી લોકહૈયાને જીતવાનો ક્રમ જીતુદાનનો હતો.
તેઓશ્રીએ કૃષિ ડીપ્લોમાં સુધીનો અભ્યાસ કર્યો હતો. યુવા વયે ગ્રામસેવક તરીકેની નોકરી સ્વીકારી હતી. પોતાના સાંસ્કૃતિક પ્રેમ સંપૂર્ણ નોકરીમાં ન રહેતા ગરબા, નાટકો અને મેળા–મેળવડાએ એમનામાં લોક સંસ્કૃતિના ભાવો ખીલવી, ચારણી સાહિત્ય પરત્વે અને લોકસાહિત્યના પાકા રસીયા બનાવી, વિવિધ રંગી ડાયરાના આયોજનોમાં રઢીયાળા રંગ પુરાવી રઢીયાળી રાત’ શીર્ષક હેઠળના સપ્તરંગી ડાયરા કરવા પ્રેરાયા. સાથોસાથ રાજકોટ આકાશવાણી સાથે સંલગ્ન રહી લોકસાહિત્યના રસથાળને નિરંતર અભિવ્યકત કરતા રહયા. માત્ર ચારણી સાહિત્ય કે લોકસાહિત્ય સાથે સિમીત ન રહેતા અભિનય કલામાં પણ અજવાળા પાથર્યા, ‘વહુએ વગોવ્યા મોટા ખોરડા’, ‘મોતી વેરાણાં ચોકમાં’, ‘ગઢ જુનો ગીરનાર, વગેરે જેવા નાટકોના નાટયલેખન ઉપરાંત અભિનય કલાથી લોકોને મંત્રમુગ્ધ કર્યા.
એ સમયે આઈ.એન.ટી. જેવી માતબર સંસ્થા, જેનું નામ સમગ્ર ગુજરાતમાં ગુંજતું હતું, તેની સાથે રહીને કામ કર્યું., પ્રવિણ જોષી, કાન્તિ મડિયા, સરિતા જોશી, મનસુખ જોશી, રામજી વાણિયા, શ્રીકાંત સોની, અરવિંદ ત્રિવેદી, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ જોશી વિગેરે સિધ્ધહસ્ત કલાકારોમાં પ્રશંસનીય રહી નવી દિશાને આંબતા રહયાં, જેના પરીણામે ‘વિર માંગડાવાળો’, ‘રાણક દેવી’, ‘રા નવઘણ’ વિગેરે જેવી ફિલ્મોમાં ગુજરાતની લોકસંસ્કૃતિના રસપાન કરાવે એવા પાત્રોમાં રહીને સફળ અભિનય કર્યો હતો. લોકસાહિત્યનું શ્રેય તેઓ જયમલ્લભાઈ પરમારને આપતા.
લોક સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથોસાથ અલગારી મિજાજના જીતુદાન ગઢવીને કયાંય કોઈ બંધનો નડયા નહોતા. મુકત મનના અને સ્વરવિહારી એવા જીતુદાને ‘જીગર વાંકાનેરી’ ઉપનામથી મૌલીક રચનાઓ રચી છે જેમાં મૌલીક દોહરા, છંદ, લોકઢાળની રચનાઓ, ગીત, ગઝલ અને મુકતકો આપી, પોતાનાવિચાર વૈભવને કૃતિઓમાં આલેખ્યો છે.
કૌટુંબીક જવાબદારી, સમાજમાં રહીને પોતાનું સામાજીકપણું અને સાથોસાથ લેખન વૈભવ સમગ્રને ન્યાય આપતાં જીતુદાન ગઢવી પોતાની બીમારીમાં પણ કલમને ખોળે માથું મૂકી લખતાં રહયાં હતાં. ૧૯૮૮માં પ્રથમ પ્રકાશીત પુસ્તક ‘દેવીયાણ’ સંત મહાત્મા ઈસરા પરમેશ્વરાની કૃતિને પ્રકટ કરી ‘મા જગદબાં’ ના આશીષ સાથે કલમને આગળ ધપાવતાં તેમના ગ્રંથસ્થ એવા કુલ ૧૨ પ્રાપ્ય છે જયારે ગ્રંથસ્થ થવા તૈયાર અને અપ્રગટ એવા ૨૮ પુસ્તકોની હસ્તપ્રત જેમાં સ્વ. જીતુદાનની કલમ શિકિત, આધ્યાત્મિકતા,લોકસંસ્કૃતિ વૈભવના દર્શન થાય છે.
કાંઈક નવું કરવું, કંઈક જુદુ જ સાહિત્ય પીરસવું એવા નિશ્ચયી સ્વ. જીતુદાને પોતાની કૃતિઓમાં અન્યથી ભિન્ન એવા નવા ટાંકણો, સંદર્ભો અને વિવેચના આપી સાહિત્ય પ્રેમીઓને નવરસના ઘુંટડા પીવડાવી અમી તૃપ્તિ કરાવી છે તેઓશ્રીની સાહિત્યક રચનાઓની યાદી નવરસનો વૈભવ દર્શાવે છે.
જીતુદાન સફળ કલાકારની જેમ લોકસાહિત્યકાર તથા ચારણી સાહિત્યકાર રહયાં છે. જીતુદાને તેમના જીવનકાળના છેલ્લા એક દોઢ વર્ષને બાદ કરતા નિરંતર કલમપ્રેમી બની સાહિત્ય સર્જન કરતા રહયાં. સુંદર અક્ષર, કાળી સાહીની પસંદગી, નાવીન્યસભર શીર્ષકો, લખાણ, કલાત્મક ફોટો પસંદગીતે તેમની ખાસીયત છે.
જીતુદાનના પરીવારની વાત કરીએ તો…પરીવારની ઘટનાઓએ જરૂર વ્યથીત કર્યા હતા તેમના બે દિકરાઓમાંથી મોટા દિકરા વિજયભાઈનું અવસાન તો નાના દિકરા જયેશના પત્ની સોનલનું અવસાન કવિ, કલાકારના હૃદયને હચમચાવી ગયું હતુ છતાં પણ આ અક્ષર આરાધક, મૌન રહી વેદનાઓના ઘુંટડા પી, પરીવારને આશ્વસ્ત રાખી જીવી રહયાં હતાં. ઉંમરના કારણે પડી જતા, ઓપરેશન કરાવ્યું અને પરીણામે પક્ષઘાત થતા જીતુદાને કાગળ, કલમ છોડયા પણ અંતરની આરાધનાને જાગૃત કરી, પોતાની સ્વૈચ્છાએ અન્ન અને છેલ્લે જળનો ત્યાગ કરી તા. ૦૫/૦૨/૨૦૨૨ને વસંતપંચમીના પવિત્ર દિવસેમાં માં શારદા અને માં સરસ્વતીના ખોળામાં માથુ મુક શરીર ને મુકત કરી ઈ અક્ષર આરાધક અક્ષર નિવાસી બની ગયા.
પદમશ્રી શાહબુદીનભાઈ રાઠોડની કલમે જોઈએ તો જીતુદાન પાસે ઘણા જખમો, દર્દ, દુ:ખો સાથેની દોસ્તી તેમના સાહિત્ય સર્જનથી વ્યકત થાય છે, જીતુદાન બુધ્ધિશાળી છે પણ હોંશીયાર નથી, આધ્યાત્મીક જે.કૃષ્ણમૂર્તિ કહે છે…બુધ્ધિશાળી હોંશીયાર નથી હોતા, નહી તો…સમર્થ સાહિત્યકારો મુન્શી પ્રેમચંદ, કવિ નર્મદ, કવિ બોટાદકર, ઓલીવર ગોલ્ડ સ્મિથ, ટેનીશન, ઝવેરચંદ મેઘાણી, ચાર્લ્સ ડીકન્સ, દોસ્તોવસ્કી, સર્વાન્ટિસ, માર્ક ટવેઈન જેવા ધુરંધરોને દારૂણ અને દરીદ્રતામાં જીવવું પડયુ ન હોત. નીત્યું વાનગોગ કે મોપાસા પાગલ ન થઈ ગયા હોત. બીજાના સાહિત્યનો સહારો લઈ, સંપતિ કમાઈ લેનારો, ઓછી મુડીએ મોટો ધંધો કરવાવાળોનો વર્ગ અલગ રહયો છે, જીતુદાનમાં આવી આવડત હોંશીયારી નથી એટલે જ એ સર્જક છે, એટલે જ એના સર્જનમાં ગહરાઈ છે, જીતુદાનના સાહીત્ય સર્જનનો અભ્યાસ આલેખવા એક મોટો ગ્રંથ લખવો પડે તેમ છે.
-જયદાન જીતુદાન ગઢવી – મો. 99744 10624