જૈનોના અતિ પવિત્ર પર્યુષણ પર્વ નિમિતે સંદર્ભે કતલખાના, નોનવેજનાં વેચાણ બંધ રખાવવા એનીમલ હેલ્પલાઈન દ્રારા ગુજરાત સરકારને રજૂઆત.

એનીમલ હેલ્પલાઈન દ્વારા જૈનોના અતિ પવિત્ર પર્યુષણ પર્વ નિમિતે (૧) શ્વેતાંબર જૈન સંપ્રદાયઅને સ્થાનકવાસી સંપ્રદાય તા.૨૦/૦૮/૨૦૨૫ (બુધવાર) થી તા.૨૭/૦૮/૨૦૨૫ (બુધવાર), (ર) દિગંમ્બર જૈન સંપ્રદાય તા. ૨૮/૦૮/૨૦૨૫ (ગુરૂવાર) થી તા.૦૪/૦૯/૨૦૨૫ (ગુરૂવાર) તથા (૩) પર્યુષણ ધુ્પ દશમ તા. ૦૨/૦૯/૨૦૨૫ (મંગળવાર) સુધી કતલખાના, ઇંડા, માસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારને રજુઆત કરવામાં આવી છે. પર્યુષણ જૈન સમાજનો સર્વોચ્ચ પર્વ છે, જે આત્મશુદ્ધિ, અહિંસા અને કરુણાના માર્ગે લઈ જાય છે. આ 8 દિવસ અથવા 10 દિવસ દરમિયાન જૈન ભક્તો ઉપવાસ, પ્રાર્થના, પાઠ, સ્વાધ્યાય અને ક્ષમા-યાચના કરે છે. ભારતમાં અંદાજે 16,000થી વધુ જૈન સાધુ-સાધ્વીઓ છે, તેઓ જીવનભર અહિંસા, અપાર દયા અને સ્વાનુશાસનના માર્ગે ચાલે છે. પારાયણશાળાનો પવિત્ર સમયગાળો આપણને ભક્તિના ઉચ્છવાસ, આત્મ-ચિંતન અને અહિંસાના સિદ્ધાંતોની શીખ આપે છે. જિવદયા એટલે જીવમાત્ર પ્રત્યે દયા, ભલે તે મનુષ્ય હોય કે પ્રાણી, પક્ષી કે જળચર. પર્યુષણ દરમ્યાન, પક્ષીઓને પાણી અને દાણા મૂકવા, ગૌશાળાઓમાં ચારો આપવો આ બધું એક સત્ય સાધના છે, જે માત્ર પુણ્ય જ નથી પણ માનવતાની પદવી છે. આ પ્રવૃત્તિજાળમાં જિવદયા, એટલે કે બધા પ્રાણીઓની માટે કરુણા અને સમજનો સંદેશ મહત્ત્વપૂર્ણ બની ઊઠે છે. આપણી આસપાસ આપણે જોઈએ તો આજે લાખો-કરોડો પશુ-પક્ષીઓ અકાળે મૃત્યુ પામી રહ્યાં છે. આ પશુ-પક્ષીઓનો ઉપયોગ વિદેશીઓના પેટ ભરવા માટે થઈ રહ્યો છે. આ પશુ-પક્ષીઓની કતલથી માંસાહાર વેચીને નાણાં કમાવવાનો ઉદ્યમ મોટા પાયે વિકસ્યો છે. આ ક્રૂરતા તરત બંધ થાય એ જોવાની ફરજ આપણી છે. એના માટે જાગૃત થઈને નક્કર કાર્ય કરવું જોઈએ. ઉપરોકત પર્યુષણ પર્વની પવિત્રતા અને સમસ્ત જન પરીવારોની આસ્થાને ધ્યાનમાં લઈને સમાજની લાગણી ના દુભાય તે માટે જાહેર કતલખાના તેમજ જાહેર લારી તેમજ દુકાનોમાં વહેંચાતા માંસ, ઈંડા અને મચ્છીના વેપાર સદંતર બંધ રાખવા સમસ્ત ધર્મપ્રેમી જનતા વતી ભારત સરકારની પશુપાલન અને ડેરી મંત્રાલય કમિટી, એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની એવોર્ડ એન્ડ ઈવેન્ટ કમિટી તેમજ ગુજરાત સરકારનાં સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડના મેમ્બર મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઈનનાં પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, ગૌરાંગ રમેશભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા દ્વારા ગુજરાત સરકારને વિનંતી કરાઈ છે.