હનુમાન જયંતિ – ભક્તિ, શક્તિ અને સેવાની અનન્ય પરંપરા

તા. 12, એપ્રિલે સમગ્ર દેશભરમાં હર્ષ અને ઉમંગ સાથે હનુમાન જયંતિ ઉજવાશે. ભગવાન હનુમાન, ભક્તિ, બળ અને નિઃસ્વાર્થ સેવાનું જીવંત પ્રતિક છે. તેઓને ‘અંજનિસુત’, ‘બજરંગબલી’, ‘પવનપુત્ર’, અને ‘મહાવીર’ જેવી અનેક વિશિષ્ટ ઉપાધિઓથી ઓળખવામાં આવે છે. આ દિવસ પરમ શૂરવીર અને ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજીના જન્મદિન તરીકે ઉજવાય છે.
હનુમાન (સંસ્કૃત: हनुमान्) એ હિંદુ દેવતા અને રામના પરમ ભક્ત અને સાથી છે. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. તેઓ બળ,બુદ્ધિ, વિદ્યા અને ભક્તિ ના દેવતા મનાય છે. રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન થયું છે. તેઓ અંજની અને કેસરીના પુત્ર તેમજ વાયુદેવના પુત્ર છે. તેમનો જન્મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની હનુમાન જયંતી તરીકે ઉજવણી થાય છે.
રામાયણમાં રામે સીતાની શોધનું કપરું કાર્ય હનુમાનને સોંપ્યું હતું તે તેમણે બખૂબી નિભાવ્યું હતું. રામને હનુમાન ઉપર પૂર્ણ વિશ્વાસ હતો, તેથી જ જ્યારે રાવણનાં ભાઈ વિભીષણનો સ્વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા રામે સુગ્રીવનાં અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્યનો સ્વીકાર કરેલો. કારણ કે રામ હનુમાનને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા. હનુમાને સીતાને અશોક વાટીકામાં આત્મહત્યાનાં માર્ગે જતા અટકાવ્યા હતા. તેઓ માત્ર એક વિદ્વાન જ નહિ, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. રામના કોઈ પણ મહત્વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાન હંમેશા સાથે હતા. ઇન્દ્રજીતના બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્મણને ઔષધી લાવીને હનુમાને બચાવેલા. રાવણનો યુધ્ધમાં નાશ થયો તે સમાચાર સીતાને આપવા રામ હનુમાનને મોકલે છે.
શ્રી હનુમાનજીની ભક્તિ દ્વારા આપણે શીખી શકીએ છીએ કે સાચો ભક્ત કોઈપણ પરિસ્થિતિમાં સત્ય, ધર્મ અને સેવા માર્ગેથી વિમુખ થતો નથી. તેમનું જીવન આજના યુગ માટે પણ ઊંડો સંદેશ આપે છે – તપ, સંયમ, કૃતજ્ઞતા અને નિષ્ઠાનું મહાત્મ્ય.
હનુમાન જયંતિ નિમિત્તે સમગ્ર ભારતભરમાં તેમજ વિદેશમાં અનેક સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે, જેમાં ગૌસેવા, વૃક્ષારોપણ, જળસંગ્રહ અભિયાન, લંગર સેવા, અને ભક્તિમય યાત્રાઓનો સમાવેશ થાય છે. અનેક મંદિરોમાં હનુમાન ચાલીસા પાઠ, યજ્ઞ, રક્તદાન કેમ્પ અને પ્રસાદ વિતરણના આયોજનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે.
વિશ્વભરમાં સ્થિત ભારતીય સમુદાય માટે પણ હનુમાન જયંતિ એકતાનો પાવન પર્વ બની રહે છે. તેમની પૂજા માત્ર શારીરિક શક્તિ માટે જ નહીં, પરંતુ માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ આદર્શરૂપ છે.
આશા છે કે આપણે સૌ ભગવાન હનુમાનના આદર્શોને અનુસરીને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવશું – ખાસ કરીને નિરાધાર પ્રાણીઓની સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ અને જરૂરિયાતમંદ માટે મદદરૂપ બનીશું. આ પાવન અવસરે ભારતદેશની જનતાને હનુમાન જયંતિની હાર્દિક શુભેચ્છાઓ.
જય બજરંગબલી!
શ્રી રામના દૂત, સેવા અને શૌર્યના મૂર્તિમંત સ્વરૂપને શત શત વંદન.
-મિત્તલ ખેતાણી(રાજકોટ,M.9824221999)