પ્રજાસત્તાક દિન નિમિત્તે ગૌહત્યા પ્રતિબંધ તથા ગૌમાતા ને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાનાં નિર્ણયની જાહેરાત કરવા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એનિમલ હેલ્પલાઇનની રજૂઆત.વિશેષ ગૌ મંત્રાલયની સ્થાપના કરવામાં આવે અને રાષ્ટ્રીય કામધેનુ આયોગની પણ પુનઃ રચના કરવામાં આવે

પ્રજાસત્તાક દિન નિમિત્તે ગૌહત્યા પ્રતિબંધ તથા ગૌમાતા ને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા અંગેના નિર્ણયની જાહેરાત કરવા માટે ગૌપ્રેમી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને એનિમલ હેલ્પલાઇન દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને ભારતીય સંસ્કૃતિમાં ગાયનું ખૂબ જ ધાર્મિક, સામાજિક અને આર્થિક મહત્વ છે. ગાયને સમાજમાં ‘માતા’નું સ્થાન આપવામાં આવ્યું છે, જે ભારતીય પરંપરા અને મૂલ્યોનું અભિન્ન અંગ છે.
સમાજ માટે માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી જ નહીં પરંતુ આર્થિક દૃષ્ટિકોણથી પણ ગૌવંશ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે કૃષિ કાર્ય, દૂધ ઉત્પાદન અને જૈવિક ખાતરો જેવા કુદરતી સંસાધનો માટે મૂળભૂત આધારસ્તંભ છે. ગૌહત્યા માત્ર ભારતીય સાંસ્કૃતિક વારસાને જ નુકસાન પહોંચાડતી નથી, પરંતુ પર્યાવરણ અને ગ્રામીણ અર્થતંત્ર પર પણ નકારાત્મક અસર કરે છે.
આ કારણે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇન – રાજકોટ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ગૌહત્યા પર કડક પ્રતિબંધ લાદવા માટે 26 જાન્યુઆરી, 2025 ના પ્રજાસત્તાક દિન પર તેમના નિવેદનમાં આ વિશેની જાહેરાત કરવા તથા ભારતના ભારત સરકાર દ્વારા ગાય માતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો મળે અને દરેક રાજ્યો પણ ગૌમાતાને ‘રાજયમાતા’ ઘોષિત કરે તેવી વિનંતી કરાઇ છે.આ સાથે વિશેષ ગૌ મંત્રાલયની સ્થાપના કરવામાં આવે અને રાષ્ટ્રીય કામધેનુ આયોગની પણ પુનઃ રચના કરવામાં આવે તેવી પણ વિનંતી કરાઈ છે.