ટર્બો બેરિંગના પ્રતાપભાઈ પટેલે ઉપસ્થિત આગેવાનોને આપ્યું માર્ગદર્શન.
જળસંચયની પ્રવૃત્તિને વધુ વેગ મળે અને વધુને વધુ લોકો આ સ્વેચ્છિક ચળવળમાં જોડાય તે માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટની એક સભા તાજેતરમાં ગત તારીખ 10 ના રોજ સાંજે 5 વાગ્યે અમરેલીમાં શીતલ આઈસ્ક્રીમના હોલ ખાતે મળી હતી. આ સભામાં ટર્બો બેરિંગના શ્રી પ્રતાપભાઈ પટેલે મોટી સંખ્યામાં ઉપસ્થિત અમરેલીના નગરજનો અને આસપાસના વિસ્તારોના નાગરિકો તેમજ ખેડૂતોને જળ સંચય પ્રવૃત્તિનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે શ્રી પ્રતાપભાઈ પટેલે જણાવ્યું હતું કે, જળસંચય માટેની વ્યવસ્થાના અભાવે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પૂરતો વરસાદ પડતો હોવા છતાં 80 ટકા જેટલું પાણી દરિયામાં વહી જાય છે અને પરિણામ સ્વરૂપ સૌરાષ્ટ્રએ ભાડાના ઘરની જેમ નર્મદાના નીર પર આધારિત રહેવું પડે છે. પરાવલંબી રહેવાને બદલે હવે સ્વાવલંબી બનવાનો સમય પાકી ગયાનો નિર્દેશ કરતા શ્રી પ્રતાપભાઈ પટેલે ઉમેર્યું હતું કે, વરસાદનું એક ટીપું પણ દરિયામાં ન જાય તે માટેની વ્યવસ્થાઓ ઊભી કરવી પડશે અને આ માટે સૌથી પ્રથમ તો જાગૃતિ કેળવવી આવશ્યક છે. આ સભામાં શ્રી પ્રતાપભાઈ સાથે શ્રી રમેશભાઈ જેતાણીએ પણ હાજરી આપી હતી ઉલ્લેખનીય છે કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ જળસંચય માટે ચેકડેમ રીપેરીંગ, ઊંચા, ઊંડ, નવા બનાવવા તેમજ બોર-કુવા રિચાર્જ, ખેત તલાવડી, સોર્સ ખાડા વગેરેને લગતા 1,11,111 સ્ટ્રકચરોના કાર્યો પૂરા કરવાના સંકલ્પ સાથે કાર્યરત સંસ્થા છે. આ સભામાં સર્વશ્રી ભુપતભાઈ ડી.ભુવા, દિનેશભાઈ ભુવા, ડી.એચ. રૈયાણી, ધનજીભાઈ રોકડ, કાળુભાઈ રૈયાણી, ખોડાભાઈ સાવલિયા, મપ્રેમજીભાઈ ડોબરિયા, પરબતભાઈ વેકરીયા, રતિલાલ ધાનાણી, ઉદયભાઈ ધાનાણી, વસંતભાઈ માંવલીયા, જયસુખભાઈ ગજેરા, વસંતભાઈ સાવલિયા, વસંતભાઈ મોવલીયા, એમ.એચ.સાવલિયા, ચતુરભાઈ ખુંટ, દિનેશભાઈ બામરોલીયા, કાળુંભાઈ ભંડેરી, મનસુખભાઈ માંગરોલીયા, વસંતભાઈ પોકળ, રાજુભાઈ ધાનાણી, મગનભાઈ ધાનાણી વગેરે આગેવાનો ઉપસ્થિત રહયા હતા.