ઇજાગ્રસ્ત પક્ષીની સાર-સંભાળ માટે આટલું જાણો

મકરસંક્રાંતિના દિવસો દરમિયાન પતંગના દોરાથી ઈજા પામતા પક્ષીઓને બચાવવા અભિયાન ચલાવવામાં આવે છે. ઇજાગ્રસ્ત પક્ષીના જીવ બચાવવા પક્ષી બચાવો અભિયાનમાં ભાગ લેનારને ઉપયોગી થાય તેવી માહિતી અત્રે રજૂ કરેલ છે.
1 પક્ષી ખૂબ જ કોમળ અને ગભરું જીવ છે. ઇજા થયેલ પક્ષી નજરે પડે ત્યારે સૌ પ્રથમ દૂરથી પક્ષીનું થોડા સમય માટે નીરીક્ષણ કરો. પાંખ લબડવી, લોહી નીકળવું, ડોક નમી જવી, પગ ઉપર વજન ન મૂકવું વિગેરે ચિન્હો પરથી પક્ષીની સ્થિતિનો કયાસ કાઢી શકાય છે. કુદરતમાં વિહરતા પક્ષી મનુષ્યથી દૂર રહેતા હોય, માનવના સંપર્કમાં આવે ત્યારે ખૂબ જ ભયભીત થાય છે અને આઘાત અનુભવે છે. જેથી, પક્ષીને થયેલ ઇજામાં વધારો ન થાય તે માટે કાળજી રાખવી ખૂબ જરૂરી છે
2 ઈજાગ્રસ્ત પક્ષીને પકડવા સમયે પકડનાર અને પક્ષીની સલામતી ખૂબજ મહત્વની છે. પક્ષીને ગમે તેવી ઇજા થયેલ હોય તો પણ તેની શકિત મુજબ પ્રતિકાર કરવા પ્રયત્ન કરે છે. પક્ષી પોતાનો બચાવ કરવા સામાન્ય પણે ચાંચ મારવી, પગના પંજાના નખ ભરાવવા કે પાંખો ફફડાવવનો સહારો લે છે. જેથી ઇજા ન થાય તે માટે સજાગ રહો. જળચર પક્ષી અણીદાર ચાંચ દ્વારા આંખ ફોડી શકે છે. માટે તેની ડોક પર બરાબર કાબુ કરો. શિકારી પક્ષીને પકડવા હાથમાં મજબૂત મોજા પહેરવાથી નહોરની ઇજામાંથી બચી શકાય છે.
3 મોટાભાગના પક્ષીને એક સમાન રીતે પકડી શકાય છે. માથા અને શરીર પર જાડું કપડું ઢાંકી દઈને પકડો. પક્ષીની જાત મુજબ કપડું જાડું કે પાતળું વાપરી શકાય.
4 પક્ષીને ગમે તેવી ચપળતાથી કે આવડતથી પકડવામાં આવે તો પણ આઘાત અનુભવે છે. પક્ષીને એક બે પ્રયત્નોમાં ન પકડી શકાય ત્યારે અનુભવી અને જાણકારની મદદ લો. પક્ષીને પકડવામાં સમય વધુ લાગે તેમ પક્ષીની પરિસ્થિતિ વધુ બગડે છે. પક્ષીને પકડવા પાછળ ન દોડો.
5 ઇજાગ્રસ્ત પક્ષીને પકડયા પછી તળીયે કપડું પાથરેલ અને કાણા પાડેલ પૂઠાના ખોખા કે પ્લાસ્ટીકના બોકસમાં રાખો. ખોખું કે બાસ્કેટ ખુલ્લું ન રાખતા કપડાથી ત્રણેય બાજુએથી આવરી લો અને ઉપરના ભાગે ટુવાલથી ઢાંકી દો. પક્ષીને જોવા વારંવાર પ્રયત્ન ન કરો.
6 ઇજાગસ્ત પક્ષી સામાન્યથી ગંભીર આઘાતમાં હોય છે. જેથી પક્ષીને શાંત અને અંધારી જગ્યામાં રાખો. પક્ષીના શરીર પર હાથ ફેરવીને કે પંપાળીને ધરપત આપવાનો પ્રયત્ન ન કરો. પક્ષીને બીનજરૂરી સ્પર્શ કરવાનો કે જોવાનો પ્રયત્ન ન કરો. આ હરકત આઘાતમાં વધારો કરે છે. બહારનો અવાજ, ધુમ્રપાનનો ધુમાડો અને અતરની સુગંધ પક્ષી માટે યોગ્ય નથી.
7 ઈજાગ્રસ્ત પક્ષીની આજુબાજુનું વાતાવરણ ૮૦–૯૦ ફે. ગરમ રાખવું જરૂરી છે. પક્ષીને ગરમી લાગે ત્યારે પાંખો ખોલી શરીરથી દૂર રાખે છે અને હાંફે છે. ઠંડી અનુભવે ત્યારે શરીર સંકોચીને બેસે છે. પાંજરાની બાજુ પર ૬૦-૧૦૦ વોટનો ઈલેકટ્રીક બલ્બ ચાલુ રાખવાથી પક્ષીને તકલીફ વગર હૂફાળું વાતાવરણ પૂરું પાડી શકાય છે. બીમાર પક્ષીને રહેઠાણમાં પૂરતો ગરમાવો મળે તો શરીરનું તાપમાન જળવાઈ રહે છે. તેમજ શરીરમાં સ્ફુર્તિનો સંચાર થાય છે.
8 ઈજા પામેલ પક્ષીની સારવારમાં આઘાતમાંથી બહાર લાવવું એ સૌ પ્રથમ પ્રાથમિકતા હોય છે. પક્ષીને આઘાતમાંથી બહાર આવવા ૨–૩ કલાકનો સમય આપો. પક્ષીનું ઢળી પડવું, ડોક નાખી દેવી, આંખ અર્ધ બિડેલ રાખવી, શ્વાસોશ્વાસ વધી જવા એ પક્ષી આઘાતમાં હોવાના ચિન્હો છે.
9 ઈજા અને આઘાતમાં સરી પડેલ પક્ષીના પરિવહન માટે સામાન્ય કાળજી લેવામાં આવે તો પણ પક્ષીને ઘણી રાહત રહે છે.
10 પક્ષીને ક્યારેય ખુલ્લુ કે હાથમાં પકડીને ન લઈ જાવ. પક્ષીને પાંજરા કે બોકસમાં લઈ જવું જોઈએ. પૂઠાનું કાણા પાડેલ ખોખું કે પ્લાસ્ટીકનું બાસ્કેટ પક્ષીને રાખવા ઉપયોગ કરી શકાય. પાંજરાને કપડાથી ઢાંકો, જેનાથી પક્ષીને વાતાવરણ સામે રક્ષણ મળે છે. એકાંત આપે છે. દ્રષ્ટિ સમિતિ રાખે છે. જેથી તણાવ ઓછો ઉદભવે છે.
11 વાહન કાળજીથી ચલાવો. એકદમ વળાંક લેવાનું ટાળો. પરીવહન દરમિયાન બિનજરૂરી ઘોઘાંટ ન કરો. ઋતુ મુજબ એસી કે હિટર ચાલુ રાખો. પક્ષીને આરામદાયક સ્થિતિમાં રાખવાથી સાજુ થવાની તક વધે છે.
12 પૂરતી જાણકારી વગર પક્ષીને સારવાર આપવાનો કે પકડવાનો પ્રયત્ન ન કરો. પક્ષીની સારવાર ખાસ કાળજી માંગી લે છે. ડોકટરી સારવારની સગવડ હોય ત્યાં લઈ જાવ. અથવા પક્ષી અભ્યાન બચાવો કેન્દ્ર પર લઇ જાવ. પક્ષીને ઘરે રાખવાનો પ્રયત્ન ન કરો. જુદા જુદા પક્ષીની ખાસિયત, ખોરાક અને જરૂરીયાત અલગ અલગ હોય છે.
13 પક્ષીની સારવાર માટે કયારેય ઉતાવળ ન કરો. માત્ર લોહી નિકળતું બંધ કરવા પક્ષીને તત્કાલ સારવારની જરૂરી હોય છે. લોહીનો સ્ત્રાવ ચાલું હોય તો આંગળીના ટેરવાથી કે રૂ કે કપડાનું પૂમડું મુકી દબાવવાથી બંધ થઈ જાય છે. પક્ષીની લોહી ગંઠાવાની શકિત ખૂબજ વિશેષ હોય છે. ચામડી પરના કાપમાંથી આવતું લોહી સામાન્ય રીતે પોતાની મેળે બંધ થઈ જાય છે. ભાંગી ગયેલ પીછામાંથી નીકળતું લોહી બંધ કરવા પીછાને મુળમાંથી ખેંચવું જરૂરી બને છે. પક્ષીનું હલન-ચલન લોહીનો સ્ત્રાવ વધારે છે. ચાંચ અને નહોર કપાવાથી લોહીનો વિશેષ સ્ત્રાવ થતો હોય છે. રૂ નું પૂમડું ૧ મિનિટ પૂરતું દબાવી રાખવાથી બંધ થઈ જાય છે.
14 બ્રાહય ઈજા ન હોય પરંતુ બેભાન હોય તેવા પક્ષીને મોટે ભાગે માથામાં ઇજા થયેલ હોય છે. આવા પક્ષીને શાંત અને હુફાળા વાતાવરણમાં રાખો.
15 પક્ષીના શરીર પર વીટળાયેલ દોરાની ગૂંચ ઉકેલવા કરતાં નાની કાતરથી કાપીને દૂર કરો.
16 પતંગના દોરાથી પક્ષીને સામાન્ય રીતે પગ કે પાંખ ભાંગી જવી, પાંખ કે ચાંચ કપાવી, પાંખ, જીભ કે ડોક પર કાપો પડવો એ મુખ્ય ઈજા હોય છે.
17 પતંગના દોરાથી ઈજાનો ભોગ બનનાર પક્ષીમાં સામાન્ય રીતે કબૂતર, હોલો, પોપટ, કાગડા, કાંકણ, બગલા, ઘુવડ, સમડી, કોયલ મુખ્ય હોય છે.
18 ઈજાગ્રસ્ત પક્ષી ખોરાક કે પાણી લેતું નથી. પક્ષીને ખોરાક કે પાણી આપવા અધીરા ન બનો. પક્ષીને ઓછામાં ઓછું હેન્ડલ કરો.
19 ભાંગ્ ટૂટ થયેલ ભાગનું હલન ચલન ઓછું થાય તે માટે ખાસ તકેદારી રાખો.
20 પક્ષી ઉડવા સક્ષમ બને ત્યારે ફરી કુદરતમાં મુકત કરી દો.
ડો. એમ.જી. મારડિયા
વોટ્સએપ નંબર – ૯૧ ૯૬૨૪૦ ૩૨૦૦૯

















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































