ભારતીય ગાયોનું પુનર્જીવન અભિયાન – દેશી ગાયનું મહત્વ અને ભવિષ્ય માટે જરૂરી પગલાં લેવા જરૂરી – ડૉ. ગિરીશ શાહ

બ્રાઝિલમાં ભારતીય ગાયની ઊંચી કિંમત અને તેની મહત્વતા અંગે ચર્ચા થઈ રહી છે. વિશ્વભરમાં ભારતીય દેશી ગાયની ગુણવત્તા અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા આરોગ્યલક્ષી ફાયદાઓ ઓળખાઈ રહ્યા છે. છતાં, આપણે આપણા વારસાને બચાવવા માટે કેટલાંક મહત્વના પ્રશ્નો ઉઠાવવાના છે – વિદેશી ગાયોનો પ્રવેશ શા માટે થયો?
1960-70 ના દાયકાની કૃષિ અને પશુપાલન નીતિઓ હેઠળ ‘ઊંચી દૂધ ઉત્પાદન ક્ષમતા’ ધરાવતી વિદેશી ગાયો (જર્સી અને હોલસ્ટીન) ને પ્રોત્સાહન મળ્યું. તે સમયના લોકોએ માત્ર દૂધ ઉત્પાદનને ધ્યાનમાં લઈને ભારતીય દેશી ગાયની ગુણવત્તા અને આરોગ્યલક્ષી ફાયદાઓને અવગણ્યા. વિદેશી ગાયો વધુ દૂધ આપે છે, પણ તે તાપમાન સહન કરી શકતી નથી, ઘણી બીમારીઓનો શિકાર બને છે અને તેના દૂધની ગુણવત્તા પણ દેશી ગાયની સરખામણીએ ઓછી હોય છે. બીજો પ્રશ્ન એ છે કે ભારતીય બળવાન બળદને અવગણીને ‘સેક્સ-સૉર્ટેડ’ બીજ શા માટે અપનાવવામાં આવ્યું? આ પ્રણાલીનો અમલ દૂધ ઉત્પાદન વધારવા માટે કરવામાં આવ્યો હતો. સરકાર અને સંશોધકો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો કે સ્ત્રી વાછરડાં વધારે થશે તો દૂધ ઉત્પાદન વધશે. આ રીતથી પ્રાકૃતિક પ્રજનન વ્યવસ્થા બગડી ગઈ, ભારતીય ગાયની મૂળશ્રેણીનું ક્ષય થવા લાગ્યું. ભારતીય પશુપાલન વિદેશી પ્રભાવ હેઠળ કેમ આવ્યું? બહુ નજીવી કંપનીઓ, વિદેશી સંસ્થાઓ અને નીતિ-નિર્માતાઓએ ભારતીય પશુપાલનમાં વિદેશી દખલ વધાર્યો. ભારતીય પશુપાલકોને આધુનિકતા અને વાણિજ્યીકરણના નામે વિદેશી પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. પશુ આહાર, ડેરી ઉત્પાદન અને પશુપાલન સંશોધનમાં વિદેશી પદ્ધતિઓ અપનાવવાને કારણે ભારતીય ગાયો માટે નુકસાનકારક સ્થિતિ ઉભી થઈ. ગાયનાં સંવર્ધન અને સંરક્ષણ માટે ભવિષ્યમાં વિવિધ પગલાં લેવા જોઈએ : દેશી ગાયનું મહત્વ વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ગયું છે, હવે તેના જતન અને પ્રજનન માટે વિશાળ પ્રચાર-પ્રસાર થવો જોઈએ. દરેક રાજ્ય સરકારે દેશી ગાયના જતન માટે વિશેષ યોજના ઘડવી જોઈએ, જે ફક્ત દેશી ગાયના પ્રજનનને પ્રોત્સાહન આપે. બળદ(સાંઢ) સંવર્ધન કેન્દ્ર શરૂ કરવાથી ભારતીય ગાયોની મૂળશ્રેણી જળવાશે. સેક્સ-સૉર્ટેડ બીજ અને વિદેશી ગાયો (જર્સી/હોલસ્ટીન) ના પ્રસારને અટકાવવા માટે વિશેષ રાષ્ટ્રીય નીતિ આવશ્યક છે. દેશી ગાયના દૂધ, ગૌમૂત્ર અને ગૌઉત્પાદનોના વૈજ્ઞાનિક લાભો અંગે સજાગતા વધારવી જોઈએ. બ્રાઝિલે 50 વર્ષ પહેલા ભારતમાંથી ગાય અને બળદ ખરીદ્યા હતા, આજે તેમની કિંમત ₹40 કરોડ સુધી પહોંચી ગઈ છે. વિદેશીઓ આપણા મૂલ્યો અપનાવી રહ્યા છે, અને આપણે જ તેમને અવગણી રહ્યા છીએ. હવે આ દૃશ્ય બદલવું પડશે. દેશી ગાયનું પુનર્જીવન માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને જરૂરી પગલા લે તે આવશ્યક છે. બ્રાઝિલમાં ભારતીય ગાયની ઊંચી કિંમતે આ ચર્ચાને નવી દિશા આપી છે, જે દેશી ગાયના સંવર્ધન અને સંરક્ષણ માટે મજબૂત પગલાં ભરવામાં સહાયરૂપ થશે.































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































