#Blog

પર્યુષણ માત્ર ધાર્મિક વિધિઓ સુધી સીમિત નથી, તે આપણાંઅંતરાત્મામાં અહિંસા અને કરુણાનું દીપક પ્રગટાવે છે

પર્યુષણ આપણને શીખવે છે કે દરેક જીવમાં આત્મા છે અને સૌને જીવતા રહેવાનો અધિકાર છે

પર્યુષણ જૈન સમાજનો સર્વોચ્ચ પર્વ છે, જે આત્મશુદ્ધિ, અહિંસા અને કરુણાના માર્ગે લઈ જાય છે. આ 8 દિવસ અથવા 10 દિવસ દરમિયાન જૈન ભક્તો ઉપવાસ, પ્રાર્થના, પાઠ, સ્વાધ્યાય અને ક્ષમા-યાચના કરે છે. ભારતમાં અંદાજે 16,000થી વધુ જૈન સાધુ-સાધ્વીઓ છે, જેમાં મોટાભાગે સાધ્વીઓ છે. તેઓ જીવનભર અહિંસા, અપાર દયા અને સ્વાનુશાસનના માર્ગે ચાલે છે. પારાયણશાળાનો પવિત્ર સમયગાળો આપણને ભક્તિના ઉચ્છવાસ, આત્મ-ચિંતન અને અહિંસાના સિદ્ધાંતોની શીખ આપે છે. જીવદયા એટલે જીવમાત્ર પ્રત્યે દયા, ભલે તે મનુષ્ય હોય કે પ્રાણી, પક્ષી કે જળચર. પર્યુષણ દરમ્યાન, પક્ષીઓને પાણી અને દાણા મૂકવા, ગૌશાળાઓમાં ચારો આપવો આ બધું એક સત્ય સાધના છે, જે માત્ર પુણ્ય જ નથી પણ માનવતાની પદવી છે. આ પ્રવૃત્તિજાળમાં જિવદયા, એટલે કે બધા પ્રાણીઓની માટે કરુણા અને સમજનો સંદેશ, મહત્ત્વપૂર્ણ બની ઊઠે છે.આપણી આસપાસ આપણે જોઈએ તો આજે લાખો-કરોડો પશુપક્ષીઓ અકાળે મૃત્યુ પામી રહ્યાં છે. આ પશુ પક્ષીઓનો ઉપયોગ વિદેશીઓના પેટ ભરવા માટે થઈ રહ્યો છે. આ પશુપક્ષીઓના કતલથી માંસાહાર વેચીને નાણાં કમાવવાનો ઉદ્યમ મોટા પાયે વિકસ્યો છે. આ ક્રૂરતા તરત બંધ થાય એ જોવાની ફરજ આપણી છે. એના માટે તમામ જૈનોએ જાગૃત થઈને નક્કર કાર્ય કરવું જોઈએ. આ માટે સરકારને સમજાવવું જોઈએ. એવું થાય ત્યારે સમજવું કે સાચી પર્યુષણ આરાધના થઈ શકી. એકતાની શક્તિ અને ધર્મની રાહ આપણને આ દિશામાં આગળ આવવા સતત પ્રેરે છે. જૈનોએ સદીઓથી અહિંસાના સિદ્ધાંતને અનુસર્યો છે. વિશ્વ આખું એ વાતની સાક્ષી પૂરે છે કે જીવવાની સાચી રીત અને તમામ જીવો માટે કરુણા દર્શાવવાના મામલે જૈનો શ્રેષ્ઠ છે. એનો ખરો ઉપયોગ ત્યારે જ થઈ શકશે જ્યારે આપણે માત્ર જીવવા માટે નહીં પણ સહુને જીવતા રાખવા માટે પણ કર્તવ્ય કરીએ. આપણાં અસંખ્ય શહેરોમાં પરિસ્થિતિ ચિંતાજનક છે. સાધનોના અભાવે, આવકના અભાવે ગ્રામજનો તેમના અબોલ જીવોની સારસંભાળ લઈ શકતાં નથી. તેમની મદદ કરવાનો ધર્મ આપણે નિભાવી શકીએ. દરેક શહેરના અબોલ જીવો માટે આપણે ભોજન-પાણીની વ્યવસ્થા કરવામાં યોગદાન આપીએ. તેમને પીવા માટે પાણી મળે એ માટે ગામેગામ વરસાદી જળનો સંગ્રહ થવો જોઈએ. કોઈપણ ગામ કે શહેર માંથી એકપણ પશુપક્ષી કતલખાને જાય નહીં એ દિશામાં આગળ આવીને થઈ શકશે. આપણે ચારાપાણી જેવી પાયાની જરૂરિયાતોની વ્યવસ્થા
કરવાની છે. એ પછી કોઈ ગ્રામજન એવું નહીં ઇચ્છે કે એનાં પશુપક્ષી કતલખાને પહોંચી જાય અથવા રઝળતાં મૂકી દેવાય. આ અબોલ જીવો કુદરતની ગોઠવણનો એક અવિભાજ્ય હિસ્સો પણ છે. પશુઓના છાણ તથા મૂત્રથી માંડીને અનેક પદાર્થો ખુબજ ઉપયોગી છે. આપણા પૂર્વજોએ આ દ્રવ્યોનો અસરકારક ઉપયોગ કરીને પ્રગતિ સાધી હતી, અને ગ્રામ્ય જીવન વ્યવસ્થાને ઉત્કૃષ્ટ બનાવી હતી. ટેક્નોલોજી અને ભૌતિક પ્રગતિ પાછળ આપણે આંધળી દોટ મૂકીને એ વાતોને તડકે મૂકી દીધી એમાં વાંક આપણો. અબોલ જીવો થકી મળતા આ દ્રવ્યોનો ઉપયોગ વિવિધ ઉત્પાદનો માટે તથા નૈસર્ગિક ખેતી માટે થઈ શકે છે. અબોલ જીવો થકી જે છાણ ઉપલબ્ધ થાય તેમાંથી જે નૈસર્ગિક ખાતર બને એ આસપાસનાં ખેતરોમાં વહેંચવામાં આવવું જોઈએ. એનાથી ઓર્ગેનિક ફાર્મિંગને પ્રોત્સાહન મળશે. પ્રાકૃતિક ખેતી થકી પાક પણ સારા લણી શકાશે. તેનાથી લોકોનાં સ્વાસ્થ્ય પણ સુધરશે.
-મિત્તલ ખેતાણી(મો.98242 21999)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *