#Blog

આત્મનિર્ભર ભારતના નિર્માણનો સંકલ્પ ; ગૌ આધારિત સ્ટાર્ટઅપ્સ– ડૉ. વલ્લભભાઈ કથીરિયા

તા.૧૬ જાન્યુઆરી દેશભરમાં “સ્ટાર્ટઅપ ડે” તરીકે ઉજવાઈ રહ્યો છે. આ અવસરે ગૌ આધારિત અર્થવ્યવસ્થાના વિચારને રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે આગળ ધપાવનાર, ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI)ના સ્થાપક, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને ભારત સરકારના પૂર્વ મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ ગૌ આધારિત સ્ટાર્ટઅપ્સને આત્મનિર્ભર ભારતના સૌથી શક્તિશાળી અને સાશ્વત આધારસ્તંભ તરીકે વર્ણવ્યા છે.
ડૉ. કથીરિયાએ જણાવ્યું કે ગાય માત્ર ભારતની સંસ્કૃતિ, શ્રદ્ધા અને પરંપરાનું પ્રતીક નથી, પરંતુ આધુનિક યુગમાં તે આર્થિક વિકાસ, રોજગાર સર્જન, પર્યાવરણ સંરક્ષણ અને ગ્રામિણ સમૃદ્ધિનું કેન્દ્રબિંદુ બની રહી છે. ગૌ આધારિત સ્ટાર્ટઅપ્સ દ્વારા પ્રાકૃતિક ખેતી, પંચગવ્ય આધારિત ખાતર અને દવાઓ, ગોબરથી બનેલા દીવા, ધૂપ, મૂર્તિઓ,કલર પેઈન્ટ, પ્લાસ્ટર, ઈંટો , સ્ટેશનરી આઇટમો, પેપર, પ્લાયવુડ, બાયો એનર્જી, બાયો ગેસ, ઓર્ગેનિક ફૂડ પ્રોડક્ટ્સ, આયુર્વેદિક અને હેલ્થ કેર ઉત્પાદનો, દૂધ તથા તેના મૂલ્યવર્ધિત ઉત્પાદનો જેવા અનેક ક્ષેત્રોમાં નવી ઉદ્યોગસાહસિક તકો ઉપલબ્ધ છે.
આજનો યુવાન વર્ગ ટેકનોલોજી, ઇનોવેશન અને માર્કેટિંગમાં નિષ્ણાત છે. જ્યારે આ શક્તિને ભારતના પરંપરાગત જ્ઞાન, ગૌવિજ્ઞાન અને ગ્રામિણ સંસાધનો સાથે સંકલિત કરવામાં આવે છે, ત્યારે ગૌ આધારિત સ્ટાર્ટઅપ્સ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ વૈશ્વિક બજારમાં પણ પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી રહ્યા છે. આ દિશામાં GCCI દ્વારા તાલીમ કાર્યક્રમો, વેબિનાર, ગૌ ઉદ્યોગસાહસિકતા વિકાસ, માર્કેટ લિંકેજ, નીતિ માર્ગદર્શન અને સંશોધન આધાર પૂરો પાડવામાં આવી રહ્યો છે.
ડૉ. કથીરિયાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન “સ્ટાર્ટઅપ ઇન્ડિયા”, “વોકલ ફોર લોકલ”, “આત્મનિર્ભર ભારત” અને “પર્યાવરણમિત્ર વિકાસ” જેવા સંકલ્પોને ગૌ આધારિત સ્ટાર્ટઅપ્સ સાથે સીધા જોડાયેલા ગણાવ્યા. તેમણે જણાવ્યું કે ગૌ આધારિત ઉદ્યોગો ગ્રામિણ વિસ્તારોમાં સ્થાયી રોજગાર સર્જે છે, ખેડૂતોની આવક વધારે છે અને શહેરો તરફનું સ્થળાંતર રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે ખાસ કરીને યુવાનો, મહિલા ઉદ્યોગસાહસિકો, સ્વસહાય જૂથો, સ્ટાર્ટઅપ અને સંશોધન સંસ્થાઓને આહ્વાન કર્યું કે તેઓ ગૌ આધારિત સ્ટાર્ટઅપ્સને આધુનિક બિઝનેસ મોડેલ, વૈજ્ઞાનિક પદ્ધતિ અને ગુણવત્તા ધોરણો સાથે વિકસાવે. ગૌ આધારિત ઉત્પાદનોને બ્રાન્ડિંગ, પેકેજિંગ અને ડિજિટલ માર્કેટિંગ દ્વારા રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચાડવાની જરૂરિયાત પર પણ તેમણે ભાર મૂક્યો.
ગૌ આધારિત સ્ટાર્ટઅપ્સને ટેકનોલોજી, ઇનોવેશન અને બજાર સાથે જોડવા માટે GCCI દ્વારા “ગૌ ટેક (GauTech)” જેવી મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. ગૌટેક એ ગૌ આધારિત ઉદ્યોગો માટેનું વિશેષ પ્લેટફોર્મ છે, જ્યાં સ્ટાર્ટઅપ્સ, સંશોધકો, ઉદ્યોગસાહસિકો, ખેડૂતો, રોકાણકારો અને નીતિ નિર્માતાઓ એક જ સ્થળે જોડાય છે. ગૌટેકનું સફળ આયોજન વર્ષ ૨૦૨૩માં રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના ગૌ આધારિત સ્ટાર્ટઅપ્સે પોતાની નવીન ટેકનોલોજી, ઉત્પાદનો અને બિઝનેસ મોડેલ્સ રજૂ કર્યા હતા. આ ઇવેન્ટ દ્વારા અનેક સ્ટાર્ટઅપ્સને માર્કેટ લિંકેજ, રોકાણ, સહયોગ અને રાષ્ટ્રીય સ્તરે ઓળખ પ્રાપ્ત થઈ હતી. આ સફળતાને આગળ વધારતા, GCCI દ્વારા ગૌટેક ૨૦૨૬નું ભવ્ય આયોજન પુના – મહારાષ્ટ્ર ખાતે એગ્રીકલ્ચર કોલેજ ગ્રાઉન્ડમાં તા. ૨૦ થી ૨૩ માર્ચ ૨૦૨૬ દરમિયાન યોજાવા જઈ રહ્યું છે, જે ગૌ આધારિત સ્ટાર્ટઅપ્સ માટે નવી તકો, વૈશ્વિક જોડાણ અને આત્મનિર્ભર સ્વાવલંબી ભારતના સંકલ્પને વધુ મજબૂતી આપશે. ગૌટેક ગૌ આધારિત ઉદ્યોગોને પરંપરાગત વિચારોથી આગળ લઈ જઈ આધુનિક, વૈજ્ઞાનિક અને ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં પરિવર્તિત કરવાની દિશામાં એક માઇલસ્ટોન સાબિત થઈ રહ્યું છે.
સ્ટાર્ટઅપ ડે ના અવસરે ડૉ. વલ્લભાઈ કથીરિયાએ જણાવ્યું કે ગૌ આધારિત સ્ટાર્ટઅપ્સ માત્ર આર્થિક લાભ પૂરતા નથી, પરંતુ તે ભારતની પર્યાવરણીય સુરક્ષા, આરોગ્ય, સંસ્કૃતિ અને આધ્યાત્મિક મૂલ્યો સાથે જોડાયેલા છે. ગાય આધારિત અર્થવ્યવસ્થા દ્વારા ભારત “સસ્ટેનેબલ ડેવલપમેન્ટ”ના વૈશ્વિક લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં અગ્રણી ભૂમિકા ભજવી શકે છે.
અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનાર સમયમાં ગૌ આધારિત સ્ટાર્ટઅપ્સ ભારતની નવી વિકાસ યાત્રાનું પ્રતિક બનશે અને યુવાનોના નેતૃત્વમાં “સમૃદ્ધ, સ્વસ્થ અને આત્મનિર્ભર ભારત”ના સ્વપ્નને સાકાર કરશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *