વાવ – થરાદના પીલુડા કોલેજમાં ગૌ આધારિત ઉદ્યોગોમાં સ્ટાર્ટઅપ વિષયક સેમિનાર ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ યોજાઇ ગયો.

ગૌ આધારિત અર્થવ્યવસ્થા ગ્રામિણ ભારતના પુનરુત્થાનનું આધારસ્તંભ : ડૉ. વલ્લભભાઈ કથીરિયા
યુવાનો માટે ગૌ આધારિત સ્ટાર્ટઅપ્સ બ્રાઉન રેવોલ્યુશનનો માર્ગ : ડૉ. વલ્લભભાઈ કથીરિયા
કામધેનુ ચેર અને Gau Tech 2026 દ્વારા ગૌ આધારિત ઉદ્યોગોમાં રોજગારની નવી તકો ખુલશે : ડૉ. વલ્લભભાઈ કથીરિયા
શ્રી શેણલ આર્ટ્સ કોલેજ, પીલુડા ખાતે ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના સંયુક્ત ઉપક્રમે આયોજિત “ગૌ આધારિત ઉદ્યોગોમાં સ્ટાર્ટઅપ અને રોજગારની તકો” વિષયક ભવ્ય સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં GCCIના ચેરમેન તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. કથીરિયાએ પોતાના પ્રેરણાદાયી ઉદબોધનમાં જણાવ્યું કે, કામધેનુ ચેર દ્વારા શિક્ષણ, સંશોધન અને ગૌ આધારિત ઉદ્યોગોને એક સેતુ પર લાવવામાં આવી રહ્યા છે. કોલેજ અને યુનિવર્સિટી સ્તરે ગૌ વિજ્ઞાન, પ્રાકૃતિક ખેતી, પંચગવ્ય, બાયો-એનર્જી અને ગૌ આધારિત સ્ટાર્ટઅપ્સ માટે નવી દિશાઓ ખુલ્લી થઈ રહી છે. તેમણે “બ્રાઉન રેવોલ્યુશન” અંગે જણાવ્યું કે, “ગૌ આધારિત અર્થવ્યવસ્થા એ ગ્રામિણ ભારતના આર્થિક પુનરુત્થાનનું મજબૂત આધારસ્તંભ છે. ગૌ માતા માત્ર આસ્થાનો વિષય નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણ, આરોગ્ય અને રોજગાર સર્જન સાથે સીધે જોડાયેલી વૈજ્ઞાનિક શક્તિ છે.”
યુવાનોને સંબોધતા ડૉ. કથીરિયાએ કહ્યું કે, “આજના યુવાનો, ખેડૂતો અને મહિલાઓ જો ગૌ સેવાને ઉદ્યોગ, ટેક્નોલોજી અને નવીનતા સાથે જોડે તો ગૌ સેવા માત્ર પુણ્યકાર્ય નહીં પરંતુ આત્મનિર્ભર ભારતનું મજબૂત આર્થિક મોડેલ બની શકે છે.” તેમણે વિદ્યાર્થીઓને Gau Tech 2026 સાથે જોડાવા તેમણે યુવાનોને ગૌ આધારિત ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા આહ્વાન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના માનનીય કુલપતિશ્રી પ્રો. ડૉ. કે.સી. પોરિયા, કામધેનુ ચેરના કો-ઓર્ડિનેટર ડૉ. ગાર્ગી એન. રાવલ, શ્રી શેણલ આર્ટ્સ કોલેજ, પીલુડાના પ્રમુખશ્રી શ્રીમતી લાસુબેન રબારી, એમ.ડી શ્રી ખોડાભાઈ આલ, આચાર્યશ્રી શ્રીમતી મમતાબેન ડી. રબારી, સફળ ગૌ ઉદ્યમી દેવારામ પુરોહિત, કિશોરભાઇ વોરા, યુનિવર્સિટીના ઈ.સી. સભ્યો, પ્રાધ્યાપકો, ગૌ સેવા ક્ષેત્રના અગ્રણી કાર્યકરો, સંશોધકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. અંતે આયોજક સંસ્થાઓ દ્વારા ડૉ. વલ્લભભાઈ કથીરિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને ગૌ આધારિત વિચારધારાને જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો.























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































