“ગૌદાન” ફિલ્મ જોઈને ગૌમાતાના સંરક્ષણ અને ગૌ આધારિત સંસ્કૃતિને સમર્થન આપો – ડૉ. વલ્લભભાઈ કથીરિયા

ભારતીય સંસ્કૃતિ, ગ્રામ્ય જીવન, માનવીય મૂલ્યો અને ગૌમાતાની મહિમાને અસરકારક રીતે પ્રસ્તુત કરતી પ્રેરણાદાયી ફિલ્મ “ગૌદાન” હાલ ગુજરાતના વિવિધ શહેરોમાં આવેલા મલ્ટિપ્લેક્સ અને સિનેમા હોલોમાં પ્રદર્શિત થઈ રહી છે.
આ અવસરે ગૌ આધારિત અર્થવ્યવસ્થાના વિચારને રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે આગળ ધપાવનાર, ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI)ના સ્થાપક, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને ભારત સરકારના પૂર્વ મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા દ્વારા રાજ્યની જનતાને ભાવપૂર્વક અપીલ કરવામાં આવી છે કે દરેક નાગરિક પરિવાર સાથે આ ફિલ્મ અવશ્ય જુએ.
ડૉ. કથીરિયાએ જણાવ્યું કે, “ગૌદાન” માત્ર એક ફિલ્મ નથી, પરંતુ ગૌમાતા, ખેડૂત, ગ્રામ્ય અર્થવ્યવસ્થા અને ભારતીય જીવનમૂલ્યોનો જીવંત દસ્તાવેજ છે. આ ફિલ્મ સમાજમાં ગૌસેવા, ગૌરક્ષા અને ગૌ આધારિત અર્થવ્યવસ્થા અંગે જાગૃતિ ફેલાવશે. તેમણે જણાવ્યું કે આ ફિલ્મ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, આણંદ, મહેસાણા, મોરબી, નવસારી, પેટલાદ, વ્યારા, વિસનગર, વેરાવળ સહિત ગુજરાતના અનેક શહેરોમાં PVR INOX, રાજહંસ, રૂપમ એન્ટરટેઇનમેન્ટ તથા અન્ય મલ્ટિપ્લેક્સમાં પ્રદર્શિત થઈ રહી છે.
ડૉ. કથીરિયાએ વધુમાં ઉમેર્યું કે, “આવી વિચારપ્રેરક ફિલ્મોને જનસમર્થન મળે તે અત્યંત જરૂરી છે, જેથી સમાજમાં સકારાત્મક વિચારધારા મજબૂત બને અને ગૌ આધારિત સંસ્કૃતિને નવી દિશા મળે.” અંતમાં તેમણે ગુજરાતની જનતાને અપીલ કરી કે,“આ સપ્તાહે નજીકના સિનેમા હોલમાં જઈ ‘ગૌદાન’ ફિલ્મ અવશ્ય જુઓ અને ગૌમાતાના સન્માન તથા રાષ્ટ્રીય મૂલ્યોના સંવર્ધનમાં સહભાગી બનો.”















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































