જળ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ કદમ : ગીરગંગા પરિવાર ટ્રસ્ટનો હિટાચી મશીનથી સહયોગ
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સહયોગથી ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામે જન ભાગીદારીથી જળસંચયની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ માંડવામાં આવ્યું છે. વરસાદી પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળ રિચાર્જ દ્વારા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોની પાણીની સમસ્યા હલ કરવાના ઉદ્દેશથી મોટી ખીલોરી ગામે આવેલ ચેકડેમ ઊંડું કરવા અંગેનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. હાલ આ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, જળસંચય માટેના ચેકડેમ રીપેરીંગ, ઉંચા, ઉંડા તેમજ નવા ચેક ડેમો બનાવવા બોર-કુવા રિચાર્જ, ખેત તલાવડી, સોર્સ ખાડા જેવા 1,11,111 સ્ટ્રક્ચર તૈયાર કરવાના સંકલ્પને વરેલી સ્વૈચ્છિક સંસ્થા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટને તાજેતરમાં અનુદાનરૂપે મળેલા 12 નવા હિટાચી મશીનથી ગીરગંગા ટ્રસ્ટના જળસંચયના કાર્યમાં અનેકગણી વધુ ગતિ આવી છે. મોટી ખીલોરી ગામના રહેવાસી અને સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર મનસુખભાઈ વસોયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મોટી ખીલોરી ગામનું “ગઢાન” પાણીનો એક મોટો સ્ત્રોત છે. આ સ્થળ પર છેલ્લા કેટલાક સમયથી કામ ચાલી રહ્યું છે, જેમાં હવે ગીરગંગા પરિવારનો ખૂબ મોટો સહયોગ પ્રાપ્ત થયો છે. મોટી ખીલોરી ગામે ચાલતા આ ચેક ડેમ યજ્ઞના કામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા હિટાચી મશીન પૂરું પાડવામાં આવતા ડેમના કામને ગતિ મળી છે. મોટી ખીલોરી ગામે તૈયાર થઈ રહેલ વિશાળ ચેક ડેમને ગામ સમસ્તનો પૂરેપૂરો સહયોગ મળી રહ્યો હતો પરંતુ ટેકનિકલ સાધનોની અછતને પરિણામે કેટલીક નાના-મોટી મુશ્કેલીઓ સર્જાઈ રહી હતી જે હિટાચી મશીનના આગમન સાથે દૂર થઈ છે. શ્રી મનસુખભાઈ વસોયાએ જળસંચય અંગેના ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રયત્નોની પ્રશંસા કરતા ઉમેર્યું હતું કે, નવી પેઢી માટે પાણી બચાવવા અને જાગૃતિ લાવવાના હેતુસર થઈ રહેલા આ કાર્યોમાં તમામ લોકોએ જોડાવું જોઈએ. જળ અને જમીન સંરક્ષણનું આ કાર્ય ખરા અર્થમાં એશ્વરીક કાર્ય છે. ચેકડેમ ઊંડું કરવાના આ પ્રારંભ પ્રસંગે લોકસાહિત્યકાર મનસુખભાઈ વસોયા, સરપંચ શ્રી પરસોતમભાઈ ચોવટિયા, કમલેશભાઈ વસોયા, ઇફકોના ચેરમેન વેલજીભાઈ બાબરિયા, મહેશભાઈ પદમાણી, નીલેશભાઈ બાબરિયા, કિશોરભાઈ ખુંટ, મનસુખભાઈ સોજીત્રા, કિશોરભાઈ બાબરિયા, વિપુલભાઈ બાબરિયા, રાજેશભાઈ સોજીત્રા, રાજેશભાઈ ટાઢાંણી, જગુભાઈ બાબરિયા, રાજેશભાઈ આશોદરિયા, અનુપભાઈ રામોલીયા, જીવાભાઈ બાબરિયા વગેરે ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, ગોંડલ તાલુકાના આગેવાન સુરેશભાઈ દેસાઈ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ(ડેકોરા), વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, શૈલેશભાઈ જાની, કૌશિકભાઈ સરધારા, વગેરે લોકો જહેમત ઉઠાવી રહયા છે.