10 ફેબ્રુઆરી, “વિશ્વ કઠોળ દિવસ”

સોયાબીનમાં નોનવેજ કરતા પણ વધારે પ્રોટીન હોય છે.
સંપૂર્ણ આહાર – શાકાહાર
વિશ્વ કઠોળ દિવસ શરૂ કરવા પાછળનો હેતુ સંયુક્ત રાષ્ટ્રનાં ‘ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન’નાં નેતૃત્વ હેઠળ કઠોળનાં પોષણ અને પર્યાવરણીય ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો હતો. પ્રથમ વખત આ દિવસ 2016 માં ઉજવવામાં આવ્યો હતો ત્યારબાદ વર્ષ 2019 માં 10 ફેબ્રુઆરીને ‘આંતરરાષ્ટ્રીય કઠોળ દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ‘વિશ્વ કઠોળ દિવસ’ની ઉજવણી પાછળનો હેતુ જમીનની ઉત્પાદકતા અને કઠોળની ઉત્પાદકતા, ખેતી પ્રણાલીમાં સ્થિતિસ્થાપકતા, ખેડૂતો માટે સારું જીવન અને યોગ્ય ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો છે.
આજકાલ આપણા બધાની જીવનશૈલીમાં ફાસ્ટ ફૂડનું પ્રમાણ ઘણું વધી ગયું છે, જેના કારણે આપણા આહારમાં કઠોળનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે. જેના કારણે શરીરને સંપૂર્ણ પોષણ મળતું નથી અને બાળકો અને યુવાનો સહિત દરેકનાં સ્વાસ્થ્યને અસર થાય છે. કઠોળના સેવનથી લોહી શુદ્ધ થાય છે, પાચન તંત્ર મજબૂત થાય છે, હાડકા મજબુત બને, વજન કંટ્રોલમાં રહે વગેરે જેવા મહત્વના ફાયદાઓ થાય છે.
આજકાલ કસરતી શરીર બનાવવા માટે યુવાનો નોનવેજ ખાતા થઇ ગયા છે, પરંતુ નોનવેજમાં સૌથી વધુ પ્રોટીન 100 ગ્રામ ચિકનમાં 32.8 ગ્રામ ઉપલબ્ધ છે જયારે કઠોળમાં આવતા સોયાબીનમાં 36 ગ્રામ પ્રોટીન હોય છે. આથી શાકાહાર સંપૂર્ણ આહાર છે એ સાબિત થાય છે.
કઠોળનો ઉપયોગ ઓછામાં ઓછા 10 હજાર વર્ષોથી કરવામાં આવે છે અને તે વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ખોરાકમાંનો એક છે. કઠોળ પ્રોટીન અને ફાઇબર તેમજ આયર્ન, ઝિંક, ફોલેટ અને મેગ્નેશિયમ જેવા વિટામિન્સ અને ખનિજોનો નોંધપાત્ર સ્ત્રોત પૂરો પાડે છે અને દરરોજ અડધો કપ કઠોળ અથવા વટાણાનું સેવન કરવાથી આ પોષક તત્વોનાં સેવનમાં વધારો કરીને આહારની ગુણવત્તામાં વધારો થઈ શકે છે.
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































