10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ‘ગો સેવા ગતિવિધિ’ – સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા બોટાદ ખાતે પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન

10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી જાન્યુઆરી મહિનામાં ‘ગો સેવા ગતિવિધિ’ – સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા બોટાદ ખાતે પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સમગ્ર વિશ્વ અનેક બીમારીઓથી ગ્રસ્ત છે. દુનિયા માત્ર દવા પર જ નિર્ભર હોઈ તેમ ખોરાકની જેમ રોજ દવા લેતા અનેક લોકો આપણી નજર સામે આવે છે. સ્વાભાવિક છે દરેકને વિચાર આવે કે શું આપણે નિરોગી ન રહી શકીએ ? જો આપણે આપણી જીવન પદ્ધતિમાં ફેરફાર કરીએ તો નિરોગી જીવન શક્ય બને. આ વિષયને સમજવા અને પંચગવ્યથી ઔષધ નિર્માણ વગેરે પ્રશિક્ષણ મેળવવા માટે એક વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રશિક્ષણ વર્ગમાં ગૌમૂત્ર અર્ક, ઘનવટી, ચર્મ રોગ પાવડર, સ્નાન ચૂર્ણ, ઉબટન, દોષ અને ધાતુની સમજ, નાસિકા ઔષધ, પાચક ચૂર્ણ, પિડાંતક, પંચતિકત, ત્રિફલા ચૂર્ણ, ગેન્દા સ્પ્રે, પંચગવ્યનું મહત્વ અને તેની માહિતી, બાલ રોગ અને સ્ત્રી રોગ, ઔષધ પરિચય, પ્રાયોગિક માલિશ તેલ, સતધૃત, નેત્ર ઔષધ, કર્ણ ઔષધ વગેરે વિષયો પર પ્રેક્ટીકલ શિક્ષણ આપવામાં આવશે.
આ પ્રશિક્ષણ વર્ગમાં ગૌ પાલક, ગૌશાળા સંચાલક, પંચગવ્ય દ્વારા મનુષ્ય ચિકિત્સા વિષય પર રસ ધરાવતા વ્યક્તિ (જેઓ ટૂંક સમયમાં ગોશાળા ચાલુ કરવાના છે તેઓ પણ ખાસ જોડાય), ગાય આધારિત સજીવ ખેતી વડે તંદુરસ્ત ભારતના નિર્માણમાં સહભાગી થવા ઈચ્છતા ખેડૂત બંધુ/ભગિની તેમજ ગૌમાતા માટે જેમને શ્રદ્ધા છે તેવા તમામ ગૌ સેવક,ગૌ ભકત, ગૌ પ્રેમીઓને જોડાવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ શિબિરમાં પ્રત્યેક વિદ્યાર્થીઓએ 3 દિવસ હાજર રહેવું અનિવાર્ય છે. શિબિર સ્થાનમાં અનુશાસન, સમય પાલન અને વ્યવસ્થાપાલનનું ધ્યાન રાખવું આવશ્યક છે. શિબિરમાં પોતાની ડાયરી-પેન તથા અન્ય દૈનિક જરૂરિયાતનો સામાન સાથે લાવવાનો રહેશે. સત્ર દરમિયાન મોબાઈલ ફોન બંધ રાખવાનો રહેશે. બહેનો માટે રહેવાની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. નિશ્ચિત સંખ્યા લેવાની હોવાથી સમયસર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. પ્રત્યેક વ્યક્તિ દીઠ 300/- રૂપિયા રજીસ્ટ્રેશન ફી રાખવામાં આવી છે. જે ગુગલ પે, રોકડા, ઓનલાઈન બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકાશે. શિબિર શુલ્ક જમા થયા બાદ જ રજીસ્ટ્રેશન થયું ગણાશે.
આ પ્રશિક્ષણ વર્ગનું આયોજન 10 જાન્યુઆરી, 2025 ને શુક્રવારે સવારે 08:00 થી 12 જાન્યુઆરી રવિવારે બપોરે 01:00 વાગ્યા સુધી, પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા, ગામ-પાળીયાદ, તાલુકો જીલ્લો બોટાદ ખાતે રાખવામાં આવ્યું છે. સમગ્ર આયોજન અંગે સૌરાષ્ટ્ર પ્રાંતનાં ગૌ સેવા સંયોજક મેઘજીભાઈ હિરાણીનું માર્ગદર્શન મળી રહ્યું છે. રજીસ્ટ્રેશન કરાવવા તેમજ આ અંગે વધુ માહિતી માટે રાજુભાઈ કોટડીયા (મો. 99093 11677) અને અનિલભાઈ સોલંકી (મો. 81402 63361) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.