#Blog

ડીસેમ્બરમાં રાજકોટમાં ડો. કુમાર વિશ્વાસ કરશે ત્રણ દિવસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’

જળસંચય માટે 1,11,111 સ્ટ્રકચર બનાવવા સંકલ્પિત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું ભગીરથ આયોજન

કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર.પાટીલ, ડો. ભરતભાઈ બોઘરા અને દિલીપભાઈ સખિયા સાથેની બેઠકમાં કથા માટે  ડો. કુમાર વિશ્વાસની સહમતી

આગામી 15, 16 અને 17 ડીસેમ્બર દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનાર જલકથાને લઈને ભારે ઉત્સાહ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટની જળસંચય માટેની અથાગ મહેનતના પરિણામ સ્વરૂપ સૌરાષ્ટ્રની કાયાપલટનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ ઐશ્વરિક કાર્યને વધુ બળ પૂરું પાડવા હિન્દી ભાષાના વિશ્વપ્રસિદ્ધ કવિ તત્વચિંતક અને કથાકાર ડો. કુમાર વિશ્વાસ ડિસેમ્બર માસમાં રાજકોટમાં ત્રણ દિવસ જલકથા કરશે.

     ખાસ કરીને, શિક્ષિત વર્ગ અને યુવાનોમાં અપ્રતિમ લોકપ્રિયતા ધરાવતા શ્રી કુમાર વિશ્વાસ ફક્ત એક કવિ નથી, પણ ખરા અર્થમાં એક તત્વચિંતક પણ છે. તેઓ સામાજિક અને સાંસ્કૃતિક વિષયો પર પોતાના વિચારો સ્પષ્ટપણે રજૂ કરવા માટે વિખ્યાત છે. પ્રવચનો અને કથાના માધ્યમથી ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો પર ભાર મુકતા ડો. કુમાર વિશ્વાસના વિષયોમાં મુખ્યત્વે રામ, રામાયણ, શ્રીકૃષ્ણ, મહાભારત અને અન્ય પ્રાચીન ગ્રંથોનો સમાવેશ થાય છે.

      આગામી તારીખ 15, 16 અને 17 ડિસેમ્બર દરમિયાન દરરોજ રાત્રે 8 થી 12 દરમિયાન તેઓ “જલકથા : અપને અપને શ્યામ કી” વિષય પર કથા કરશે. આજની નવી જનરેશનને નવા વિચારો આપવા માટે ગીરગંગા ટ્રસ્ટ દ્વારા વ્યાસપીઠ પર શ્રી કુમાર વિશ્વાસની પસંદગી કરવામાં આવી છે. કથા અંતર્ગત ડો. કુમાર વિશ્વાસ શ્યામ કથા સાથે જળસંચયની આવશ્યકતા અને મહત્વને પણ વણી લેશે.

      ખાસ કરીને, સૌરાષ્ટ્રની મોટામાં મોટી જરૂરિયાત પાણીની છે ત્યારે જળસંચય માટે ચેક ડેમો ઊંડા ઉતારવા, રીપેર કરવા, ઊંચા કરવા, નવા બનાવવા તેમજ બોર-કુવા રિચાર્જ, ખેત તલાવડી સોર્સ ખાડા વગેરે જેવા જળસંચયના 1,11,111 સ્ટ્રકચરોના કાર્યો પૂર્ણ કરવાના સંકલ્પ સાથે કાર્યરત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયા, ટ્રસ્ટી મંડળ અને સંસ્થાની કોર ટીમ તેમજ સંસ્થા સાથે તન,મન,ધનથી જોડાયેલા સૌ કોઈના પ્રયત્નોથી જળસંચયને લગતા લગભગ 9,000 સ્ટ્રકચરો પૂર્ણ કરવામાં આવ્યા છે.

     આ કાર્યને અનેકગણો વેગ મળે તેમજ જળસંચયના આ ભગીરથ કાર્ય દ્વારા સૌરાષ્ટ્ર હરીયાળુ બને અને તે માટે સમાજ શ્રેષ્ઠિઓ અનુદાન માટે આગળ આવે તે હેતુથી આ ‘જલકથા : અપને અપને શ્યામ કી’નું આયોજન થઈ રહ્યું છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર આ કથામાં લગભગ દોઢ લાખ શ્રોતાઓ ઉપસ્થિત રહેવાની ધારણા છે.

      ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયા અને ગીરગંગા પરિવારના માર્ગદર્શક તેમજ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરાએ ગત મંગળવારે દિલ્હી મુકામે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી સી.આર. પાટીલના વડપણ તળે કવિ-તત્વચિંતક શ્રી કુમાર વિશ્વાસ સાથે બેઠક કરી હતી અને આ બેઠકમાં ગીરગંગાની જળસંચય માટેની પ્રવૃત્તિની ઊંડાણપૂર્વક માહિતી મેળવ્યા બાદ શ્રી કુમાર વિશ્વાસે રાજકોટમાં ત્રણ દિવસની જલકથા કરવા સહમતી આપી હતી.

      ઉલ્લેખનીય છે કે, અદભુત અને અવિસ્મરણીય બની રહેનાર આ જલકથા-શ્યામ કથાના આયોજનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય અને કેન્દ્રીય મંત્રીશ્રી સી. આર. પાટીલ ઊંડો રસ લઈ તમામ પ્રકારનું માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. ગીરગંગા ટ્રસ્ટની કુમાર વિશ્વાસ સાથેની બેઠક પણ તેમના માધ્યમથી અને તેમની ઉપસ્થિતિમાં જ મળી હતી.

      સાહિત્ય જગત અને નવા વિચારો માટે ઉત્સુક નવી પેઢી જેમના તરફ વિશ્વાસથી જોઈ રહી છે તેવા ડો. કુમાર વિશ્વાસની કથા માટે ગીરગંગા પરિવારમાં ભારે ઉત્સાહ પ્રવૃત્તિ રહ્યો છે અને કથા પૂર્વે આજથી જ તૈયારીઓનો ધમધમાટ  શરૂ કરી દેવાયો છે. આ અંગે ટ્રસ્ટના આગેવાનો, શુભેચ્છકો અને કાર્યકરોની પ્રથમ બેઠક તાજેતરમાં નવા રીંગ રોડ સ્થિત મુરલીધર ફાર્મ પર મળી હતી. જેમાં કથાને અનુલક્ષીને વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા થઈ હતી તેમજ વ્યવસ્થાના ભાગરૂપે જુદી-જુદી સમિતિઓની રચના કરવામાં આવી હતી.

     આ સમગ્ર જલકથાને રાષ્ટ્રીય ફલક પર લઈ જવા માટે ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયાના, માર્ગદર્શન હેઠળ કોર કમિટીના સભ્યો સર્વશ્રી દિનેશભાઈ પટેલ પ્રકૃતિ પ્રેમી,  પ્રતાપભાઈ પટેલ, વીરાભાઇ હુંબલ, જમનભાઈ ડેકોરા, શૈલેષભાઈ જાની, ડો. દેવાંગીબેન મૈયડ, હરીશભાઈ લાખાણી, રમેશભાઈ ઠક્કર, સતીશભાઈ બેરા, યશવંતભાઈ ગોસ્વામી, ભરતભાઈ ટીલવા, સુરેશભાઈ દેસાઈ, ગિરીશભાઈ દેવડીયા કૌશિકભાઇ સરધારા,  ગોપાલભાઈ બાલધા, ભાવેશભાઈ સખીયા, મનીષભાઈ માયાણી, અમિતભાઈ દેસાઈ, સંજયભાઈ ટાંક, કૌશલભાઈ ખોયાણી

વગેરે કાર્યરત છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *