અક્ષર આરાધકને શબ્દની સ્મરણાંજલિ.લોકસાહિત્યના જાજરમાન જીવ એવા સ્વ. જીતુદાન ગઢવીની તૃતીય વાર્ષિક પુણ્યતિથી નિમીતે ભવ્ય લોકડાયરાનું આયોજન.

લોકસાહિત્યના જાજરમાન જીવ એવા સ્વ. જીતુદાન ગઢવીની તૃતીય વાર્ષિક પુણ્યતિથી નિમીતે તા. 05, ફેબ્રુઆરીના રોજ, પ્રમુખ સ્વામી ઓડીટરીયમ હોલ, આલાપ ગ્રીનસીટીની સામે, રૈયા રોડ, રાજકોટ ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રનાં નાના એવા ગામ વાંકાનેરમાં સ્વ.હરીસંગભાઈ તથા દોલતબાના કુખે જન્મેલ જીતુદાન ગઢવીનો જન્મ થયેલ, નાનપણથી જ લોકસાહિત્ય અને ચારણી સાહિત્યમાં રૂચી ધરાવતા, એ જમાનામાં માત્ર ૮ ચોપડીનું ભણતર પૂરું કરીને, ૧૭ વર્ષ જેટલો સમય સૌરાષ્ટ્રના જુદા-જુદા ગામડાઓમાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવી પણ તેમનો મુળ જીવ લોકસાહિત્ય અને ચારણી સાહિત્યમાં પરોવાયેલ હોવાથી આશરે ૫૦ વર્ષ પહેલા લોકડાયરાની શરૂઆત કરી સમગ્ર વિશ્વમાં ચારણી સાહિત્યને ગુંજતુ કર્યું.
સ્વ. જીતુદાન ગઢવીની વાત કરીએ તો, એક વખત સાહિત્યના ૨સ અને ભાવ વચ્ચે વઢવેડ થઈ. રસ અને ભાવ અલગ-અલગ પંથે હાલવા લાગ્યા ત્યાં અમારો લ્હેરખડો જુવાન સામો મળ્યો. અને આ રસ તથા ભાવનું સમાધાન કરાવ્યું. આ સમાધાન કરાવનારો લ્હેરખડો જુવાન ઈ અમારો જીતુદાન ગઢવી’, ગાંધી શતાબ્દિના ઉત્સવે દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવા જનારા કલાકારોમાં, ઉપરોકત રીતે રસ તથા ભાવનું સમાધાન કરાવનારા જીતુદાન ગઢવીની, આવી ઓળખ આપનારા હતા, નખ—શિખ લોકસાહિત્યકાર અને સંસ્કૃતિના પક્ષપાતી તથા પ્રખર પત્રકારિત્વની પ્રતિભા જાળવનારા જયમલ્લભાઈ પરમાર.
આજે ડાયરાનાં નામાંકિત પાંચ–સાત નામો જગજાહેર છે, પરંતુ લોકરંજક શૈલીના આ વકતાઓ પાસે સાહિત્યક મૂલ્યાંકનોનો મ્હાવરો નથી, એવા વિધાન સામે જીતુદાન ગઢવી પ્રબળ આશ્વાસન છે. આ એક જ કલાકાર પાસે લોક સાહિત્યના વિવિધ પાસા રૂપે કંઠ, કહેણી, કાવ્ય, નર્તન, અભિનય અને વિવિચન રૂપે કુદતરી વરદાન છે, જીતુદાન ગઢવીની પ્રથમ પરીચયે કોઈ દરકાર લીધેલી નહી. લગભગ ૪૫ વર્ષ પહેલા, સાહિત્ય-સંગમ રાજકોટના ઉપક્રમે ‘મુશાયરો’ હતો, તેમા શાયર તરીકે તેનું નામ લખાવવા આવેલા. લગભગ ૫૦ શાયરોના ઝમેલાના કારણે નામ લખવા ના પાડી દીધી, પરંતુ ના છૂટકે પ્રથમ દોરના છેલ્લા ‘શાયર’ તરીકે રજૂ કર્યા અને જીતુદાન ગઢવી અને તેની ગઝલ તે જમાનાના મુશાયરાનુ આવશ્યક અંગ બની ગયા. દુહા—છંદ—ગીતોના સર્જક, ગઝલ અને ગઝલના વિવિધ સ્વરૂપો ત્રિપદી–પંચપદી અને સપ્તપદી ગઝલો સર્જેલ છે. જીતુદાન ગઢવીએ સર્જક ઉપરાંત રજૂઆતની કળામા માહેર હતા. જીતુદાન ગઢવીનું બીજુ સ્વરૂપ નિહાળ્યું, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર રાજકોટના ‘વહુએ વગોવ્યાં મોટા ખોરડાં’ નાટકના મુખ્યપાત્રમાં મનસુખ જોષી (આઈ.એન.ટી.)ના દિગ્દર્શનમાં જીતુદાન ગઢવીનો કંઠ અને અભિનય ખીલ્યો. પરીણામે મુંબઈની આઈ.એન.ટી. તરફથી આમંત્રણ મળ્યું.
‘ગઢ જુનો ગિરનાર’ નાટકમાં અરવિંદ પંડયા, બાબરાજે, ઉર્મિલા ભટ્ટ, ચાંપશીભાઈ નાગડા સાથે નાટયાત્મક રીતે કેળવાયા, આ નાટક થકી જ દિગ્ગજ દિગ્દર્શક/કલાકાર પ્રવિણ જોષીના દિગ્દર્શનમાં ‘મોતી વેરાણા ચોકમાં અભિનય સાથે નાચ્યા અને ગાયા મોતી વેરાણા ચોકમાં નાટક થકી જ ગુજરાતી ચલચિત્રનાં ‘દશકા’ ના ગાળામાં અભિનય કરવાના અસંખ્ય આમંત્રણો મળ્યા હતા. પણ જીતુદાન ગઢવીનો મુળ જીવ લોક સાહિત્યનો, એટલે નાટક ચલચિત્રની ચમક–દમક છોડી, લોકસાહિત્યમાં જ જીવ પરોવ્યો, આ પ્રવૃતિના કારણે ગુજરાત રાજય આયોજીત ‘રાજય યુવા પ્રતિભા શોધ’ ના નિર્ણાયક તરીકે ઘણા વર્ષો સુધી સેવા આપી રાજય સરકારની અનેક પ્રવૃતિઓમાં જીતુદાન ગઢવી સ્થાન પામ્યા હતા.
‘ડાયરા’ ના ખ્યાતનામ (આજના ઘણાખરાં) કલાકારોને, જીતુદાન ગઢવીએ રંગમંચ આપી, પીઠબળ અને પ્રેરણા આપી. આજના ખ્યાતનામ કલાકારો જીતુદાન ગઢવીને “દાદા ભિષ્મ” તરીકે મંચ ઉપરથી સંબોધે છે. ડાયરાનું સંચાલન એ જીતુદાનનો કસબ છે, કરિશ્મા છે. જીતુદાનના સંચાલનને હજુ કોઈ આંબી શકયું હોય એવું સાંભળ્યું નથી. તરણેતરને પોતાની યુનિવર્સિટી માનનારા જીતુદાન પાસે, પોતાનું સરજાવેલું ઓડીયન્સ’ હતું અનેક માન–સન્માન પામનારા આ કલાકારને ઉપલેટા કોલેજ તરફથી પ્રિન્સીપાલ ગંભીરસિંહજીના સમયે ‘ઝવેરચંદ મેઘાણી સુવર્ણ ચંદૂક’ આપવામાં આવ્યો હતો. ઘણા વર્ષો અગાઉ પ્ર.રા. નથવાણીએ ‘દષ્ટિ’ માં લખવા માટે જીતુદાન ગઢવી પાસે કલમ ઉઠાવવા આગ્રાહ કર્યો, ભુવનેશ્વરી પીઠ, ગોંડલ તરફથી દેવિયાણ (મહાત્મા ઈશરદાસજી) ગ્રંથ બાબતે હૈયાબળ અને પીઠબળ મળ્યું હતું.
ગુજરાતી સાહિત્યમાં નહિંવત લેખાયેલો ‘નાયિકાભેદ’ લખવા જીતુદાન ગઢવીને ગુજરાત સાહિત્ય અકાદમી—ગાંધીનગર તરફથી સ્વીકારવામાં આવ્યા, આ ગ્રંથના પરામર્શક હતા ડો. હરવલ્લભ ભાયાણી. ચંડીપાઠ (દુર્ગા સપ્તશતિ)ના ૧૩ અધ્યાયો અને કિલક, કવચ, અર્ગલા સહિત ત્રણેય રહસ્યો (ચંડીપાઠના આવશ્યક પાઠ)ને લોકગીતોના ઢાળે અને ચારણ—છંદોમાં ઢાળીને લોકો સમક્ષ રજૂ કરનારા જીતુદાન ગઢવી લોકોના હૃદયમાં સદાય બીરાજમાન રહેશે.
પદમશ્રી શાહબુદીનભાઈ રાઠોડની કલમે જોઈએ તો જીતુદાન પાસે ઘણા જખમો, દર્દ, દુ:ખો સાથેની દોસ્તી તેમના સાહિત્ય સર્જનથી વ્યકત થાય છે, જીતુદાન બુધ્ધિશાળી છે પણ હોંશીયાર નથી, આધ્યાત્મીક જે.કૃષ્ણમૂર્તિ કહે છે…બુધ્ધિશાળી હોંશીયાર નથી હોતા, નહી તો…સમર્થ સાહિત્યકારો મુન્શી પ્રેમચંદ, કવિ નર્મદ, કવિ બોટાદકર, ઓલીવર ગોલ્ડ સ્મિથ, ટેનીશન, ઝવેરચંદ મેઘાણી, ચાર્લ્સ ડીકન્સ, દોસ્તોવસ્કી, સર્વાન્ટિસ, માર્ક ટવેઈન જેવા ધુરંધરોને દારૂણ અને દરીદ્રતામાં જીવવું પડયુ ન હોત. નીત્યું વાનગોગ કે મોપાસા પાગલ ન થઈ ગયા હોત. બીજાના સાહિત્યનો સહારો લઈ, સંપતિ કમાઈ લેનારો, ઓછી મુડીએ મોટો ધંધો કરવાવાળોનો વર્ગ અલગ રહયો છે, જીતુદાનમાં આવી આવડત હોંશીયારી નથી એટલે જ એ સર્જક છે, એટલે જ એના સર્જનમાં ગહરાઈ છે, જીતુદાનના સાહીત્ય સર્જનનો અભ્યાસ આલેખવા એક મોટો ગ્રંથ લખવો પડે તેમ છે.
જયદાન જીતુદાન ગઢવી – મો. 99744 10624

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































