#Blog

જયપુરમાં “ગૌ મહાકુંભ-2025” નો ભવ્ય શુભારંભ, દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ એકત્ર

ગૌમાતાને અર્થવ્યવસ્થા સાથે જોડવાનો સારો પ્રયાસ – પૂર્વ રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્ર

જયપુરના વિદ્યાધર નગર સ્ટેડિયમ ખાતે ગુરુવારે “ગૌ મહાકુંભ-2025” નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો. આ મહોત્સવ 7 સપ્ટેમ્બર સુધી ચાલશે. “ગૌ મહાકુંભ-2025” નાં મુખ્ય અતિથિ પૂર્વ રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્ર દ્વારા દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સંબોધનમાં તેમણે જણાવ્યું કે ગાયને ભારતીય સંસ્કૃતિમાં માતાનું પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે. ગૌ મહાકુંભ જેવા આયોજનોથી સંસ્કૃતિને મજબૂતી મળે છે અને ગૌ માતાને અર્થવ્યવસ્થા સાથે જોડવાનો પ્રયાસ એક દુરંદેશી તથા આવશ્યક પગલું છે. આ મહોત્સવ પરંપરા અને વિજ્ઞાનના ઉત્તમ સમન્વયનું પ્રતિક છે.
વધુ માં તેમણે જણાવ્યું કે ગાય, ગ્રામ્ય સમાજ અને ઉદ્યોગપતિઓને સાથે જોડવાથી ગ્રામ્ય ભારતમાં નવા અવસરોનું સર્જન થશે. આ કાર્યક્રમ સનાતન સંસ્કારોની પુન:સ્થાપના, આત્મનિર્ભરતા તરફનો વિકાસ અને સતત પ્રગતિ માટેનો ઐતિહાસિક પ્રયત્ન છે.
કાર્યક્રમ દરમિયાન સદગુરુ ઋતેશ્વર મહારાજનું પૂર્વ રાજ્યપાલ કલરાજ મિશ્ર દ્વારા આત્મીય સ્વાગત કરવામાં આવ્યું. તેમણે ગૌ મહાકુંભને સનાતન સંસ્કૃતિનો આધાર ગણાવ્યો અને જણાવ્યું કે બાળકોને ભારતીય શિક્ષણ અને સંસ્કારો સાથે સંકળાવવું જરૂરી છે જેથી તેઓ રોજગાર શોધનાર નહીં પરંતુ રોજગાર આપનાર બને.
શહેરી વિકાસ, આવાસ અને સ્વાયત્ત શાસન વિભાગ, રાજસ્થાન સરકારના મંત્રી શ્રી ઝાબર સિંહ ખરા એ જણાવ્યું કે ગૌ મહાકુંભ પૌરાણિક સંસ્કૃતિ તરફ પાછા ફરવાનું પ્રતિક છે. તેમણે કહ્યું કે આધુનિક યુગમાં કૃષિ અને પશુપાલનનું મહત્વ સતત વધતું જાય છે અને રાજ્ય તથા કેન્દ્ર સરકારના પ્રયાસોથી ગૌ સંરક્ષણને વધુ પ્રોત્સાહન મળી રહ્યું છે.
ગૌ મહાકુંભમાં દેશ-વિદેશમાંથી આવેલા 150 થી વધુ ઉદ્યોગપતિઓએ પોતાના ઉત્પાદનો રજૂ કર્યા. પ્રદર્શનીમાં ગોબર અને ગોમૂત્રથી બનેલા ખાતર, ઔષધિ, કોસ્મેટિક્સ, બાયોગેસ ટેક્નોલોજી અને કૃષિ મશીનરી સહિત 200 થી વધુ નવા ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યા. સાથે સાથે 13 દેશી ગાયોની પ્રદર્શની પણ યોજાઈ, જેમાં પુગનૂર જાતિની ગાયો ખાસ આકર્ષણનું કેન્દ્ર રહી.
ગૌ મહાકુંભના અધ્યક્ષ અને પૂર્વ ગોપાલન નિયામક ડૉ. લાલસિંહે જણાવ્યું કે “આ આયોજન રાજસ્થાનની ધરતી પર ગૌ મહાકુંભ સ્વરૂપે એક નવી શરૂઆત છે. તેનો હેતુ ગૌ માતાના બહુઆયામી યોગદાનને ઉજાગર કરીને જનમાનસમાં ગૌસેવાની ભાવનાને પુનર્જાગૃત કરવાનો છે.”
ગૌ મહાકુંભ અયોજન સમિતિના સભ્ય આ ભારતસિંહ રાજપુરોહિત એ જણાવ્યું કે “ગૌ મહાકુંભ –૨૦૨૫” ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન “મેક ઇન ઇન્ડિયા”, “આત્મનિર્ભર ભારત” અને “વોકલ ફોર લોકલ” જેવા રાષ્ટ્રીય અભિયાનોને જમીન પર ઉતારવાનો એક અસરકારક પ્રયાસ છે.”
દેવરાહા બાબા ગૌ સેવા પરિવારના સંયોજક સંજય શર્માએ જણાવ્યું કે “આ આયોજન જયપુર સહિત સમગ્ર રાજસ્થાનના યુવાનોના જીવનમાં નવી દિશા લાવનારો બનશે. જે લોકો માત્ર દૂધને જ ગાયનું ઉત્પાદન માને છે તેઓને જાણવા મળશે કે ગોબર, ગૌમૂત્ર, પંચગવ્ય અને ગૌ આધારિત અન્ય ક્ષેત્રો વૈશ્વિક ઉદ્યોગ કેવી રીતે બની શકે છે.”
આ અવસર પર જયપુર સિટીના મેયર શ્રી કુસુમ યાદવ, આરએસએસના વરિષ્ઠ પ્રચારક શંકરજી, સંજીવ કૃષ્ણ ઠાકુર મહારાજ, ભારતીય સ્ટેટ બેંકના અધિકારીઓ, ડૉ. લાલસિંહ, ડૉ. યુદ્ધવીર સિંહ બલવાડા, સમન્વયક મૃદુલ શર્મા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
આ ગૌ મહાકુંભ ખેડૂતો, ગૌસેવકો અને ઉદ્યોગપતિઓ માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ રહ્યો છે, જે માત્ર ગૌ માતાની સેવા જ નહીં પરંતુ ભારતની આર્થિક શક્તિને મજબૂત બનાવવાનો માર્ગ સાબિત થશે.ગૌ મહાકુંભ અંગે વધુ માહિતી માટે મો.98292 39648 પર સંપર્ક કરવા વિનંતી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *