#Blog

જળસંચયના મહાયજ્ઞમાં આહુતિ: ડો. ગોસ્વામીના પુત્રના લગ્નની ‘વધાવા’ની રકમ ગીરગંગા ટ્રસ્ટને અર્પણ કરશે

કણસાગરા મહિલા કોલેજના પ્રોફેસરનો અનુકરણીય નિર્ણય

સમાજ અને રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં લોકભાગીદારી વધારવા પ્રેરક પહેલ

         ​સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પાણીના તળ ઊંચા લાવવાના અને જળસમૃદ્ધિના સંકલ્પ સાથે કાર્યરત રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના રાષ્ટ્રીય અભિયાનને વધુ બળ આપવા માટે પ્રોફેસર ડો. યશવંત ગોસ્વામી દ્વારા એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. રાજકોટની કણસાગરા મહિલા કોલેજના પ્રોફેસર અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કારોબારી તથા સંકલન સમિતિના સભ્ય એવા ડો. યશવંત ગોસ્વામીએ પોતાના પુત્ર શિવમ ગોસ્વામીના લગ્ન પ્રસંગે આવનાર ‘વધાવા’ (ચાંદલા)ની સમગ્ર રકમ ગીરગંગા પરિવાર ટ્રસ્ટને અર્પણ કરવાની જાહેરાત કરી છે.

 ઉલ્લેખનીય છે કે, આ નિર્ણય દ્વારા  ​ડો. યશવંત ગોસ્વામીએ આ નિર્ણય દ્વારા સમાજ અને રાષ્ટ્રનિર્માણના કાર્યોમાં લોકભાગીદારીનું મહત્વ સમજાવ્યું છે, જેથી લોકો નાના-મોટા પ્રસંગોએ તન, મન અને ધનથી દાન આપીને સમાજસેવામાં જોડાઈ શકે.

​ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રને પુનઃ હરિયાળું અને પાણીદાર બનાવવાના સંકલ્પ સાથે હાલમાં ૧,૧૧,૧૧૧ ચેકડેમ અને તેને સંલગ્ન કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે રાજકોટમાં ​ટ્રસ્ટ દ્વારા આગામી ૧૫, ૧૬ અને ૧૭ ડિસેમ્બર દરમિયાન દરરોજ રાત્રે ૭ થી ૧૨ દરમિયાન વિશ્વવિખ્યાત કવિ, કથાકાર અને યુવાનોના આદર્શ એવા ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’નું આયોજન કરવામાં આવ્યું છે. ​આ કથા દ્વારા સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકોને પાણીના સદુપયોગ અંગે જાગૃત કરી જમીનના તળ ફરીથી ઉપર લાવવાનો ઉમદા હેતુ છે.

આ જલકથા પૂર્વે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા દેશની 111 પવિત્ર નદીઓના પાણીનું શાસ્ત્રોકત પૂજન કરવામાં આવનાર છે ત્યારે ​૩૦ વખત કૈલાસ માન સરોવરની યાત્રા કરનાર લેખક અને વક્તા ડો. યશવંત ગોસ્વામીએ જળ સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે વધુ એક અનોખું યોગદાન આપ્યું છે. ​તેમણે વિશ્વના સૌથી પવિત્ર એવા કૈલાશ પર્વતના જળની સાથે માન સરોવર, ગૌરીકુંડ અને ગંગા-જમુના-સરસ્વતીનું જળ પણ આગામી જળ કળશ યાત્રા માટે અર્પણ કર્યું છે.

પોતાના પુત્રના લગ્ન પ્રસંગે આવનાર વધાવાની રકમ અંગત ખર્ચમાં વાપરવાને બદલે ગીરગંગા પરિવાર ટ્રસ્ટને જળસંચય અને સમાજસેવા માટે અર્પણ કરનાર ​ડો. ગૌસ્વામીના આ અનુકરણીય સંકલ્પ બદલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા અને ગીરગંગાની સમગ્ર ટીમે તેમને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ સમાજને અપીલ કરી હતી કે, સૌરાષ્ટ્ર અને ગુજરાતની જળ સમૃદ્ધિ માટે 1,11,111 જળ સ્ટ્રકચર તૈયાર કરવાના સંકલ્પમાં લોકોએ પણ પોતાના સારા-માઠા પ્રસંગોમાં ખાસ સંકલ્પ સાથે અનુદાન આપીને સમાજસેવાના આ યજ્ઞમાં સહભાગી બનવું જોઇયે.

આ કાર્યને વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, વિરાભાઈ હુંબલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, વસંતભાઈ લીંબાસીયા, જેન્તીભાઈ સરધારા, શૈલેશભાઈ જાની, કૌશિકભાઈ સરધારા વગેરે લોકોજહેમત ઉઠાવી રહયા છે. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *