કનેરી મઠ, કોલ્હાપુરમાં ગૌસેવાને સમર્પિત“દિવ્ય ભારત – કર્મયોગી સંગમ” માંડૉ. વલ્લભભાઈ કથીરિયા ગૌ ઉદ્યમિતા વિષે માર્ગદર્શન આપશે.

આગામી ૭ જૂન થી ૯ જૂન ૨૦૨૫ દરમિયાન મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના શ્રી સિદ્ધગિરિ મઠ, કનેરી ખાતે “દિવ્ય ભારત – કર્મયોગી સંગમ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કનેરી મઠના સ્વામી પ.પૂ. શ્રી કાડ સિદ્ધેશ્વરજી ગૌ, ગ્રામ અને ભારતીય સંસ્કૃતિના અગ્રેસર કર્મયોગી છે. દર વર્ષે “સંસ્કૃતિ મહોત્સવ”ના માધ્યમથી ભારતીય સંસ્કૃતિ, પરંપરા, ગૌ મહાત્મય, ગ્રામ વિકાસ જેવા વિષયો સાથે ત્રિ દિવસીય મહોત્સવ દ્વારા જનજાગરણનું અભિયાન ચલાવે છે. તેમના માર્ગદર્શન હેઠળ આ સંગમમાં સમગ્ર દેશમાંથી ગૌસેવકો, ગૌ ઉદ્યમી, કૃષિપ્રેરિત ઉદ્યોગકારો, સંતો, ચિંતકો, નીતિનિર્માતાઓ તથા સમાજસેવકો ભાગ લેશે. ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ગૌસેવાને સમર્પિત નેતા ડૉ. વલ્લભભાઈ કથીરિયા પણ આ ભવ્ય કાર્યક્રમમાં સક્રિય ભાગ લેશે. આ ત્રણ દિવસીય સંગમમાં શિક્ષણ, આરોગ્ય, જળસંચય, ગ્રામ્ય સંસ્કૃતિ, કુદરતી ખેતી, દેશી ગૌવંશ સંવર્ધન, ગોમય આધારિત ઉત્પાદનોનો વિકાસ, ગૌ આધારિત કૃષિ સાધનોના ઉપયોગ તથા કૃષિ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા જેવા વિવિધ વિષયો પર મન્થન અને ચર્ચાઓ યોજાશે. આ કાર્યક્રમનો હેતુ ભારતને એક આત્મનિર્ભર, ગ્રામ્ય સમૃદ્ધ અને સાંસ્કૃતિક રીતે જાગૃત રાષ્ટ્ર બનાવવાનો રહેશે. આ અવસરે ડૉ. વલ્લભભાઈ કથીરિયા દેશના વિવિધ રાજ્યોના ગૌસેવા આયોગના અધ્યક્ષો સાથે વિશેષ બેઠક યોજશે. આ બેઠકમાં હરિયાણાના શ્રી શ્રવણકુમાર ગર્ગ, ઉત્તર પ્રદેશના શ્રી શ્યામબિહારી ગુપ્તા, છત્તીસગઢના શ્રી વિશ્વેષ્વરસિંહ પટેલ, મહારાષ્ટ્રના શ્રી શેખર મુદડા, ઉત્તરાખંડના શ્રી રાજેન્દ્ર અઠવાલ, પંજાબના પૂર્વ અધ્યક્ષ શ્રી સચિન શર્મા અને હિમાચલ પ્રદેશના પૂર્વ અધ્યક્ષ શ્રી અશોક શર્મા ઉપસ્થિત રહેશે. ગૌરક્ષા, દેશી ગૌનસ્લોનું સંવર્ધન, પંચગવ્ય આધારિત ઉદ્યોગો, કુદરતી ખેતી તથા રાષ્ટ્રીય સ્તરે ગૌનીતિ ઘડવામાં આવતા પ્રયાસો અંગે ઊંડી ચર્ચા થશે. ડૉ. કથીરિયા ગુજરાતમાં થયેલા ગૌ આધારિત અર્થતંત્ર અને નવીનતાઓના સફળ ઉદાહરણો રજૂ કરશે તથા રાષ્ટ્રીય સ્તરે એક સમન્વિત અને શક્તિશાળી ગૌ નીતિ ઘડવાની જરૂરિયાત પર ભાર મુકશે. તેઓ તમામ રાજ્યો વચ્ચે સંકલન સ્થાપિત કરવા, સંશોધન અને નવીનતા પ્રોત્સાહિત કરવા તથા યુવાનોને ગૌ આધારિત ઉદ્યમિતા સાથે જોડવા અંગે વિશેષ ઉપદેશ આપશે. કાર્યક્રમ દરમિયાન તેઓ ગૌ આધારિત ખેતી, પંચગવ્ય ચિકિત્સા, જળસંચય, ગ્રામ વિકાસ તથા ગૌ આધારિત ઉત્પાદનોના મહત્વ જેવા વિષયોમાં માર્ગદર્શન આપશે, જે ઉપસ્થિત સૌ માટે ખૂબ જ પ્રેરણાદાયી અને ઉપયોગી સાબિત થશે.
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































