#Blog

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલીના 85 ગામોમાં ગુંજશે જળસંચયનો નાદ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ભવ્ય એક એપ્રિલે વિશાળ જળ સંમેલનનું આયોજન
ઉર્જામંત્રી કૌશિકભાઈ વેકરિયાના અવિરત પ્રયત્નોનું પરિણામ
અમરેલી તાલુકાના સર્વાંગી વિકાસ અને પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક ઐતિહાસિક કદમ ઉઠાવવામાં આવ્યું છે. ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના અવિરત પ્રયત્નો, ગુજરાત સરકારના હકારાત્મક સહયોગ અને જેટકોના આર્થિક યોગદાનથી હવે અમરેલીના 85 ગામોમાં એકસાથે જળ સંગ્રહના કાર્યો શરૂ થવા જઈ રહ્યા છે. આ ભગીરથ કાર્યના શુભારંભ પ્રસંગે આગામી 1 એપ્રિલ, 2026ના રોજ સાણોસરા મુકામે એક વિશાળ જળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રના છેવાડાના ગામો સુધી જળસંચયનું અભિયાન ચલાવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં હજારો ચેકડેમ ઊંડા, ઊંચા અને નવા કરવામાં આવ્યા છે અને તળાવોના પુનઃજીવિતકરણ દ્વારા ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના સફળ પ્રયાસો થયા છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા માટે પાણી એ પાયાની જરૂરિયાત છે, તે મંત્ર સાથે ટ્રસ્ટના સ્વયંસેવકો રાત-દિવસ લોકજાગૃતિનું કામ કરી રહ્યા છે.
આ જળ સંમેલનમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે તેમજ વિશેષ ઉપસ્થિત તરીકે ગુજરાત રાજ્યના ઉર્જામંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા હાજર રહેશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 85 ગામોમાં હિટાચી મશીનો દ્વારા તળાવો ઊંડા કરવા અને જળ સંગ્રહની ક્ષમતા વધારવા માટેના કાર્યોનો એકસાથે પ્રારંભ કરવામાં આવશે. યાદ રહે કે, અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકામાં હાલમાં 45 જેટલા હિટાચી મશીનોથી જળસંચય માટેના કાર્યો થઈ રહ્યા છે જેમાં હવે વધુ 85 હિટાચી મશીનોથી નવા જળસંચયના કાર્યોનો પ્રારંભ થશે.
તારીખ 1 એપ્રિલના રોજ સવારે 9 કલાકે ગામ-સાણોસરા, તા.,જિ. અમરેલી ખાતે યોજાનાર આ ભવ્ય જળ સંમેલનમાં અમરેલી તાલુકા અને જિલ્લાના ખેડૂતો અને ગ્રામજનોને. ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. સંમેલન પૂર્ણ થયા બાદ તમામ ઉપસ્થિતો માટે સમૂહ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુ વિગત માટે મોબાઈલ નંબર 8849033134 અથવા 9913150756 સંપર્ક કરવા જણાવાયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *