ડોક્ટર દંપતિનો લગ્નોત્સવ થયો વૈદીક વિધીથી : બચેલી રક્મ સદભાવના વૃધ્ધાશ્રમને વૃક્ષારોપણ માટે અર્પણ કરાઈ.

પ્રિવેડીંગ, પાર્ટીપ્લોટ, ડી.જે., ફટાકડા સહિતનો ખર્ચ બચાવી લેવાયો.
લગ્નમાં ઘણાબધાં બિનજરૂરી ખર્ચ કરીને દેખાડો કરવાની નવી રીત શરૂ થઈ છે. ઘણા લોકો દેખાદેખીમાં પણ આવો દેખાડો કરી ખેંચાઈ રહેતા હોય છે ત્યારે રાજકોટના એક શિક્ષણ દંપતીએ પોતાના ડોકટર પુત્રના લગ્નમાં ખોટો ખર્ચ બચાવી વૈદીક વિધીથી લગ્ન કરી બચેલી રકમમાંથી રૂપીયા 5 લાખ સદભાવના વૃધ્ધાશ્રમને વૃક્ષારોપણ માટે અનુદાન આપી અનુકરણીય કાર્ય કર્યુ છે.
રાજકોટમાં વસતા મૂળ કાલાવડ તાલુકાના પાંચ દેવડા ગામના વતની હાઇસ્કૂલના પ્રિન્સીપાલ કે.પી. હીરપરા અને તેમના ધર્મપત્ની શીલ્પાબેને તાજેતરમાં પોતાના ડોકટર (સર્જન) પુત્ર ડો. હર્ષના શુભવિવાહ ડો. દર્શી સાથે સંપન્ન કર્યા જેમાં ડોકટર દંપતીની જ ઈચ્છા એવી હતી કે, પ્રિવેડીંગ નહીં, પાર્ટી પ્લોટ નહી, ફટાડકા, ડી.જે., મોટો જમણવાર વિગેરે કંઈ કરવાને બદલે આર્ય સમાજની વૈદીક વિધીથી લગ્ન સંપન્ન થાય અને એ જ રીતે બન્ને પરીવારોએ આ લગ્નોત્સવ ઉજવ્યો.
આ લગ્ન અવસરે બચેલી રકમમાંથી રૂપીયા 5 લાખ સદભાવના વૃધ્ધાશ્રમને પોતાના વતન પાંચ દેવડા ગામે વૃક્ષો વાવી અને ઉછેરવા માટે અનુદાન રૂપે આપ્યા સાથોસાથ બન્ને પરીવારોએ નવદંપતિને એક ઈલેકટ્રીક કાર ભેટમાં આપી જેથી પેટ્રોલ-ડીઝલનો ધુમાડો ન થાય અને પર્યાવરણનો બચાવ થાય, આ રીતે શિક્ષીત પરીવારો પણ હવે વૃક્ષ અને પર્યાવરણ માટે અનુદાન આપતા થયા છે જે સમાજને બહુ મોટી પ્રેરણા આપે છે.









































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































